આયુર્વેદ વિજ્ઞાન ત્રિદોષના ત્રણ મૂળભૂત સિદ્ધાંતો પર ટકેલું છે. આ ત્રણ દોષ એટલે વાયુ, પિત્ત અને કફ. આ ત્રિદોષના મર્મને જાણ્યા વગર આયુર્વેદ વિજ્ઞાનને સમજવું શક્ય નથી. બાહ્ય જગતને ત્રણ શક્તિઓ કાર્યરત રાખે છે. અગ્નિ, જળ અને વાયુ. સૂર્યનું પ્રતીક અગ્નિ, ચંદ્રનું પ્રતીક જળ તથા વાયુ સ્વયં સર્વત્ર વ્યાપ્ત છે.
આવી જ રીતે આપણા શરીર રૂપી જગતમાં ત્રણ મૂળ શક્તિઓ કામ કરે છે. ત્રિદોષ અથવા વાત, પિત્ત, અને કફ. સૂર્ય અથવા અગ્નિ રૂપે પિત્ત શરીરની ઉષ્ણતા જાળવી રાખવાનું મહત્ત્વનું કામ કરે છે. સમગ્ર પાચનતંત્રનું કાર્ય તથા દેહોષ્મા પિત્તને આધિન છે.પિત્તની વધઘટ થવાથી અનેક પ્રકારના રોગ થાય છે. આયુર્વેદમાં પિત્તમાં મૂળ ૪૦ રોગ ગણાવાયા છે. શરીરને ગતિ આપવાનું-ચલત્વનું કાર્ય વાયુનું છે. વાયુ વગર શ્વાસોચ્છ્વાસ શક્ય નથી.
સમગ્ર શ્વસનતંત્ર અને નર્વસ સિસ્ટમ આ વાયુને આધિન છે. તેની વધઘટથી અનેક રોગ થાય છે, પરંતુ વાયુના જ ૮૦ રોગ ગણાવાયા છે. ચંદ્ર અથવા જળનું પ્રતીક કફ શરીરની વૃદ્ધિ કરે છે તથા સ્નિગ્ધતા ટકાવી રાખે છે. સાંધાઓને જોડી રાખવાનું કામ કફની સ્નિગ્ધતાને આધિન છે. આવા આ કફની વધઘટથી અનેક રોગ થાય છે, પરંતુ કફના સ્વતંત્ર રોગ ૨૦ ગણાવાયા છે.
જ્યારે આ ત્રણેય દોષોનાં કાર્યો સમ અવસ્થામાં ચાલતાં હોય તો શરીર સ્વસ્થ-નિરોગી રહે, પરંતુ આ ત્રણમાંથી કોઈપણ એક બે કે ત્રણની વધઘટ થાય તો શરીર વિકારમય બને છે. આજ હાડ એન્ડ સ્પીડ કે ફાસ્ટ લાઇફમાં જોઈએ તો અનેક રોગોનો રાફડો ફાટ્યો છે. રોગ મટાડવા માટે આજ એવા ઉપચારો કરવામાં આવે છે કે બકરી કાઢવા જતા ઊંટ પેસે ,છતાં બકરી ન પણ નીકળે.તેનું કારણ એ છે કે રોગ કેમ થાય છે ,રોગ ની કઈ કઈ અવસ્થાઓ છે અને કઈ અવસ્થામાં શું કરવું જોઈએ તેનું સાચું જ્ઞાન દાકતર ,વૈધ કે લોકોને મળે એવા કેળવણીના સંસ્કાર નથી.
વાયુદોષ ના લક્ષણ, કારણ અને ઉપાય :
વાયુ દોષમાં વધારો થવાથી વાયુવિકાર પક્ષાઘાત, કંપવાત, બાળલકવો, રાંઝણ, કમરનો દુખાવો, સાંધા દુઃખવા કે જકડાઈ જવા, આમવાત, વંધ્યત્વ, કસુવાવડ, શીઘ્રસ્ખલન, અડદીયો વા, અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી લુખી અને બરછટ થઈ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે.
વાયુ દોષ થવાના કારણો મળમૂત્ર વગેરે કુદરતી વેગો રોકવાથી, જમ્યા પછી તરત (ખાધેલું પુરેપૂરું પચ્યા પહેલાં) ફરીથી નાસ્તો વગેરે ખાવાથી, ઉજાગરા કરવાથી, મોટેથી બોલવાથી, વધુ પડતો શ્રમ કરવાથી, પ્રવાસથી, તીખા, કડવા અને તુરા પદાર્થોના વધુ પડતા સેવનથી, લુખા પદાર્થોથી, વાદળો થવાથી, ચિંતા, ભય અને શોકથી વાયુ પ્રકોપ તીવ્ર થાય છે.
વાયુદોષ શાંત કરવા માટે ઘરગથ્થું આયુર્વેદિક ઉપાયો : ૫૦૦ ગ્રામ મેથી ઝીણી દળી, તેમાં ૧ કિલોગ્રામ ઘી અને ૬ કિલોગ્રામ દૂધ મેળવી ધીમા તાપે ઉકાળી મધ જેવું ઘટ્ટ બનાવવવું. પછી તેમાં ૧.૫ કિલો સાકર નાખી મેથીપાક બનાવવો. આ પાક સવારે ૨૫ થી ૪૦ ગ્રામ જેટલો ખાવાથી સર્વ પ્રકારના વાયુ રોગોનો નાશ થાય છે. ૧૫-૨૦ ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે.
અજમો તવી પર ગરમ કરી, સમભાગે સીંધવ સાથે પીસી ૩ ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે. આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી વાયુ મટે છે. આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી વાયુ મટે છે. સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી ૩૦-૪૦ ગ્રામની લાડુડી બનાવી સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે.
પિત્તદોષ ના લક્ષણ, કારણ અને ઉપાય :
પિત્તદોષ વધવાથી ખાધા પછી ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે પેટમાં ગેસ ભરાતો હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે જઠરની અંદર રહેલું એસિડ અને ખોરાક જઠરમાંથી અન્નનળી તરફ ધકેલાય છે. પિત્ત દોષ થવાનાં કારણો ભારે ખોરાક અને બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફુડનો ચટાકાને કારણે અપચો થાય છે, માથુ દુખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી.
પિત્તદોષ શાંત કરવા માટે ઘરગથ્થું આયુર્વેદિક ઉપાયો : જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ પિતનો ભરાવો દૂર થાય છે. મેથી અને સૂવાદાણા નું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં અને પિતમાં બહુ ફાયદો થાય છે. અઢી તોલા મેથી અને અઢી તોલા સુવાદાણા ને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચૂર્ણને પછી એક એરટાઇટ ડબામાં મૂકી દેવું. દિવસમાં ત્રણ વાર અડધો-અડધો તોલો ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે જે પિતના કારણે થયું હશે તો મટી જાય છે. ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવો જોઇએ. મોટાભાગના રોગનું મૂળ ગેસ જ છે.
કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે. પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખૂબ શીતળ છે. કોઠાનાં પાનની ચટણનું સેવન કરવાથી પિત્તમાં રાહત મળે છે. ટામેટાના રસ કે સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારોથી છુટકારો મળે છે. અળવીનાં કૂણાં પાનનો રસ જીરાનો પાઉડર મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે. તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્ત પ્રકોપ શાંત થાય છે.
કફદોષ ના લક્ષણ, કારણ અને ઉપાય :
કફદોષ થવાના કારણો થવાના ઘણાં બધાં કારણો હોઈ શકે છે જેમ કે બદલાતી સિઝન, શરદી, ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શન, સાયનસ, સ્મોકિંગ વગેરે અને ખાસ કરીને ચોમાસા અને શિયાળામાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આ એવી સમસ્યા છે જેના માટે ક્યારેય દવાઓ ખાવાની જરૂર નથી હોતી પરંતુ ઘરે જ કેટલાક સરળ નુસખા કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
કફદોષ શાંત કરવા માટે ઘરગથ્થું આયુર્વેદિક ઉપાયો : આદુ અને મધ: 100 ગ્રામ આદુને પીસી લેવું, તેમાં 2 કે 3 ચમચી મધ મિક્ષ કરી લેવું, આ પેસ્ટને દિવસમાં બે વાર બે-બે ચમચી સેવન કરો. છાતી અને ગળામાં જામેલો કફ છુટો પડશે અને આ સમસ્યામાંથી છુટકારો મળશે. અડધી ચમચી સફેદ મરી લઈને તેને પીસી લેવા. ત્યારબાદ તેમાં એક ચમચી મધ મિક્ષ કરી લેવું. આ મિક્સરને 10-15 મિનિટ માઈક્રોવેવમાં રાખવું. આ પેસ્ટ પીવાથી જામેલા કફમાં ખૂબ જ ઝડપથી આરામ મળે છે. કફની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે મિક્ચરને એક સપ્તાહ સુધી દિવસમાં ત્રણવાર નિયમિત સેવન કરવું.
મીઠાના પાણીના કોગળા કરવા: એક ગ્લાસ નવશેકું પાણી લેવું અને તેમાં એક ચમચી મીઠું નાખીને તેને સરખું મિક્ષ કરી લેવું. હવે તમારા ગળાને પાછળ તરફ લઈ જઈને આ પાણી મોંમાં ભરીને તેના ધીરે-ધીરે કોગળા કરવા. આ પાણીને ગળી ન જવું. કોગળા કરીને પાણી બહાર કાઢી દેવું.
થોડીકવાર સુધી ગળામાં આ પાણી રાખીને તેના કોગળા કરવાથી ચોક્કસપણે તમને ફાયદો થશે અને ગળામાં જામેલો કફ છુટો પડશે. આવું દિવસમાં ત્રણવાર થોડાક દિવસ સુધી કરવુ. ફેફસાંમાં કફ જામી ગયો હોય તો એક ચમચી અરડૂસીનાં પાનનો રસ દિવસમાં ત્રણથી ચાર વખત લેવાથી કફ છૂટો પડે છે અને ગળફા વાટે નીકળી જાય છે. બજારમાં મળતાં અનેક કફસિરપોમાં અરડૂસી હોય છે.