ભારતીય મસાલાઓ જયાં શાકભાજીનો સ્વાદ વધારે છે ત્યાં બીજી તરફ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય રસોડે તમાલપત્રનો પણ મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો કે દક્ષિણ ભારતમાં તમાલપત્રની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. આનું વાનસ્પતિક નામ સિનામોમમસ તમાલા છે. તમાલપત્રના પાન સિવાય છોડના અન્ય ભાગ પણ ઔષધીય ગુણોની ખાણ છે.
તમાલપત્ર મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક વાતહર અને પચવામાં હલકી હોય છે. એ કફ, વાયુ, હરસ, ઉલટી-ઉબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુઃખાવો, અવાર-નવાર થતા ઝાડા વગેરે પાચનતંત્રના રોગો દૂર કરે છે.
તમાલપત્રના છોડની છાલનું ચૂર્ણ ૨ ગ્રામ લેવું અને તેને અડધા કલાક માટે પાણીમાં પલાળી દેવું અને પછી ત્યારબાદ તેનું સેવન કરવામાં આવે તો તે ડાયાબિટીસના રોગીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. આદિવાસીઓનું માનવું છે કે સતત દિવસમાં બે વાર આ નુસખો અજમાવવા થી શરીરમાં શુગરની માત્રા નિયંત્રણમાં રહે છે અને આધુનિક સંશોધનમાં પણ આ વાત સાબિત થઈ છે.
તમાલપત્રમાં કૃમિનાશક ગુણ હોય છે. તમાલપત્રના સુકા પાનનું ચૂર્ણ બનાવી રોજ રાતે સૂતા પહેલાં ૨ ગ્રામ નવશેકા પાણીની સાથે પીવાથી પેટમાં રહેલાં કૃમિઓ મરી જાય છે અથવા તો ઝાડા વાટે બહાર નિકળી જાય છે. કિડનીની સમસ્યા હોય ત્યારે તમાલ પત્ર ખૂબ કામમાં આવી શકે છે. તમાલપત્રને પાણીમાં નાખી ઉકાળી લો ત્યારબાદ ઉકાળેલા પાણી ને ઠંડુ કરીને તે પાણી પીવાથી કિડનીને લગતી સમસ્યામાં રાહત મળી શકે છે.
તમાલપત્રના પાનનું ચૂર્ણ પેશાબ સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક હોય છે. દિવસમાં બે વાર ૨-૨ ગ્રામ ચૂર્ણનું સેવન કરવાથી પેશાબ સંબંધી વિકારો દૂર થઈ જાય છે. પ્રસુતિ પછી ગર્ભાશયમાં કોઈ દોષ રહી ગયો હોય તો તમાલપત્ર અને એલચી દાણાનું સમભાગે બનાવેલ ચૂર્ણ અડધી અડધી ચમચી સવાર-સાંજ લેવાથી તે દોષ મટે છે.
તમાલપત્રના છોડની છાલનું ચૂર્ણ હૃદયને સ્વસ્થ રાખવા માટે ઉત્તમ માનવામાં આવે છે. ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસીઓ મુજબ દરરોજ ખાવામાં તમાલપત્રની છાલનું સેવન મસાલારૂપે કરવાથી હૃદયના રોગીઓ માટે ફાયદાકારક છે. તમાલપત્રના તેલથી માલિશ કરવાથી માથાનો દુઃખાવો, લકવો અને માસપેશીઓમાં દુ:ખાવા જેવી સમસ્યાઓમાં આરામ મળે છે. રાતે સૂતા પહેલાં આ તેલથી માલિશ કરવામાં આવે તો બહુ જ ઉંધ આવે છે અને લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે.
તમાલપત્રના છોડની છાલ અને પાનનું ચૂર્ણ ૧-૧ ગ્રામની માત્રામાં બનાવી ૧૫ દિવસ સુધી સતત લેવાથી લીવર સંબંધી સમસ્યાઓમાં આરામ મળે છે. ગેસની સમસ્યામાં કે પેટના દુ:ખાવામાં ચપટી તમાલપત્રનું ચૂર્ણ કાચા જીરા સાથે ચાવીને ખાઈ જવાથી ઝડપથી રાહત મળે છે. ડાંગના આદિવાસીઓ પેટ સંબંધી સમસ્યામાં આ જ નુસખાનો ઉપયોગ કરે છે.
મધની સાથે તમાલપત્રનું ચૂર્ણ લેવાથી શરદી અને ઉધરસમાં ઝડપથી રાહત મળે છે. જેના મોઢામાં ચાંદા હોય તે પણ આ નુસખાનો ઉપયોગ કરે તો તરત આરામ મળે છે. તમાલપત્ર સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તમાલપત્રનું સેવન કરવાથી કેન્સર સહિત હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે.
નાક,મોઢું , મળ કે પેશાબની સાથે લોહી નિકળતું હોય તો એક ગ્લાસ ઠંડા પાણીની સાથે એક ચમચી તમાલપત્રનું ચૂર્ણ મિક્ષ કરીને દર ત્રણ કલાકે પીવાથી લોહી પડતું બંધ થય જશે. જો દાંત પીળા થઇ ગયા હોય તો તમાલપત્રને પીસીને તેના પાઉડરમાં સંતરાની છાલનો પાવડર ભેળવી દો, હવે આ મિશ્રણથી અઠવાડિયામાં ત્રણ વખત પોતાના દાંત ઘસી લો આનાથી દાંત મા રહેલી પીળાશ ઓછી થાય છે.
તમાલપત્રને સળગાવવાથી જે સુગંધ આવે છે તે રૂમ ફ્રેશનરથી પણ વધારે સારી આવે છે .પ્રાચીન સમયથી જ તમાલપત્રનો ઉપયોગ આ કામમા કરવામાં આવી રહ્યો છે. તમને આ વાત જાણીને હેરાની થશે કે તમાલપત્ર માત્ર ઘરમાં સુગંધી માટે જ નહીં પરંતુ તેને સળગાવવાથી તેમાથી આવતી સુગંધથી દિમાગ પણ શાંત રહે છે.
તમાલપત્રનો ધુમાડો વાતાવરણમાં રહેલા દુષિત કણોને પણ દૂર કરે છે. તમાલપત્રના ધુમાડાથી નર્વસ સિસ્ટમ સારી રહે છે અને માનસિક ગતિવિધિઓ પણ તેજ રહે છે. જો વધારે પ્રમાણમાં તણાવમાં છો તો તમાલપત્રને સળગાવી તેની સુગંધ લો. તેનાથીતરત રાહત મળશે. આનાથી થાક પણ દૂર થાય છે અને દિમાગની નસોને પણ આરામ મળે છે.