આપણી ફાસ્ટ લાઇફ અને જીવનશૈલીને કારણે માટીના વાસણોનો ઉપયોગ સાવ ઘટી ગયો છે. જોકે તેની પાછળનું મુખ્ય કારણ છે લોકો માટીના વાસણના ફાયદાઓ જ જાણતા નથી.
કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં લોકો આજે પણ માટીના વાસણોમાં ભોજન પકાવીને ખાય છે જેની અસર તેમના આરોગ્ય પર જોઈ શકાય છે. આ લોકો ભાગ્યે જ કોઈ ગંભીર બીમારીનો ભોગ બને છે. કેમ કે, માટીના વાસણમાં ખાવાનું પકાવવાથી અનેક પ્રકારના સ્વાસ્થ્ય ફાયદાઓ મળે છે.
આયુર્વેદ મુજબ ભોજનના પોષકતત્વોને તેમાં ટકારી રાખવા માટે હમેશાં ધીરે-ધીરે પકાવવું જોઈએ. સ્ટીલ, એલ્યુમિનિયમના વાસણોમાં આ સંભવ નથી, તેમાં ભોજન ઝડપથી બની જાય છે.
જ્યારે માટીના વાસણોમાં ખોરાક ધીમા તાપે પકાવવામાં આવે છે. જેનાથી ખોરાક સ્વાદિષ્ટ બનવાની સાથે ખૂબ જ પૌષ્ટિક પણ હોય છે. તેનાથી થતા ફાયદાઓ પૈકી કેટલાક આજે તમને જણાવીશું.
માટીના તવા પર શેકેલી રોટલી પૌષ્ટિક તો હોય જ છે પણ સાથે સાથે સ્વાદિષ્ટ પણ તેટલી જ હોય છે. લોટ માટીમાં રહેલાં તત્વોને એબ્સોર્બ કરી લે છે જેનાથી રોટલીની પૌષ્ટિકતા વધી જાય છે. સાથે જ માટીમાં રહેલાં તત્વો ખતરનાક બીમારીઓ સામે રક્ષણ પણ કરે છે.
એવું માનવામાં આવે છે કે માટીના તવા પર બનેલી રોટલી ખાવાથી રોટલીના કોઈપણ પોષક તત્વો નષ્ટ થતાં નથી. અન્ય વાસણોની વાત કરીએ તો એલ્યૂમિનિયમના વાસણોમાં પકાવેલો ખોરાક ખાવાથી 87 ટકા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે.
પીત્તળના વાસણોમાં પકાવેલો ખોરાક ખાવાથી 7 ટકા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે, સાથે જ તાંબાના વાસણોમાં પકાવેલો ખોરાક ખાવાથી 3 ટકા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. માત્ર માટીના વાસણોમાં પકાવેલો ખોરાકમાં 100 ટકા પોષક તત્વો જળવાઈ રહે છે.