મનુષ્યોમાં શરીરનું સામાન્ય તાપમાન 37˚ સેન્ટીગ્રેટ અથવા 98.6˚ ફેરનહીટ છે. જ્યારે શરીરનું તાપમાન આ સામાન્ય સ્તર કરતા વધારે હોય છે, ત્યારે તે સ્થિતિને તાવ કહે છે. તાવ એ કોઈ રોગ નથી. તે રોગનું લક્ષણ માત્ર છે. તે કોઇપણ પ્રકારના ચેપ સામે શરીરની પ્રતિક્રિયા છે. વધતું તાપમાન સૂચવે છે કે રોગની તીવ્રતાનું પ્રમાણ વધ્યું છે.
તાવના સામાન્ય લક્ષણો : શરીરનું 37.5˚ સેન્ટીગ્રેટ અથવા 100˚ ફેરનહીટ કરતા વધારે તાપમાન, માથાનો દુખાવો, શરીરમાં ઠંડી ચડે, સાંધાનો દુખાવો, ભૂખ મરી જાય, કબજિયાત, અને થાક લાગે છે.
તાવ દરમિયાન ચોખ્ખું અને ઉકાળેલું પુષ્કળ પાણી પીવું, શરીરને પૂરતી કેલરી પૂરી પાડવા ગ્લુકોઝ, આરોગ્યપ્રદ પીણાં, ફળોના રસ, વગેરે લેવાની સલાહ છે. ચોખાની રાબ, સાગોની રાબ, જવનું પાણી, વગેરે જેવો સરળતાથી પચે તેવો આહાર લેવો ઇચ્છનીય છે, દૂધ, રોટલી અને બ્રેડ, માંસ, ઇંડા, માખણ, દહીં તેમજ તેલમાં તૈયાર કરેલો આહાર ટાળવો જોઇએ.
તાવના આયુર્વેદ ઉપચાર:
કોઈપણ જાતનો તાવ આવ્ય હોય તો ફૂદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે. સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મૂકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી. કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફૂદીનાના પાન નાખી ઉકાળી, નીચે ઉતારી, ૧૦ મિનિટ ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે. લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.
તુલસી અને સુરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે. ફલૂના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જય છે. તુલસીનાં પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ લેવાથી ફલૂનો તાવ મટે છે. પાંચ ગ્રામ તજ, ચાર ગ્રામ સૂંઠ, એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ, એક કપ ઉકળતા પાણીમાં નાખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફલૂનો તાવ-બેચેની મટે છે. ૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફલૂનો તાવ મટે છે.
એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફૂદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે. મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે. જીરું વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણા કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફૂદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે. તુલસી, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મેલેરિયાનો તાવ મટે છે.
તુલસીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી મેલેરિયાનો તાવ મટે છે. ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે. મેલેરિયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં, પલાળી, મસળી, ગાળી થોડી થોડી વારે પીવાથી ઉલટી મટે છે. ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે.
એલચી નંગ ૩ તથા મરી નંગ ૪ રાતે પાણીમાં ભીંજવી રાખી સવારે તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે. તુલસીનો રસ ૧૦ ગ્રામ, મરીનું ચૂર્ણ ૫ ગ્રામ પા ચમચી મધમાં લેવાથી ટાઈફોઈડનો તાવ મટે છે. વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો તાવ મટે છે. શરદીને લીધે આવતાં તાવમાં તુલસીનાં પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે. સંનેપાતના તાવમાં શરીર ઠંડું પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈના તેલનું માલિશ કરવાથી આરામ થાય છે. ફલૂના તાવમાં ૩ તોલા પાણી સાથે ૧ લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફલૂનો તાવ ઉતરે છે.
આદું, લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ-શરદી કે તાવ તેમજ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે. તુલસીમાં રહેલી તેની વિશિષ્ટ સુવાસ તેમાં રહેલા ઉડનશીલ તેલને આભારી છે. જે હવામાં પ્રસરી અને હવાનું શુદ્ધિકરણ કરવામાં મદદ કરે છે. આથી જ જયારે વાયરલ તાવ, મેલેરિયા-ડેન્ગ્યુ જેવા મચ્છરજનિત રોગનો ફેલાવ વધુ હોય તેવા એરિયામાં અને તેવી સિઝનમાં ઘરમાં નાના-નાના કુંડામાં તુલસી રાખી એરપ્યુરિફાયરનું કામ થઇ શકે છે. સાંજે કુંડા બ્હાર મૂકી સવારનો કૂણો તડકો મળે તેમ બ્હાર રાખી ત્યારબાદ કૂંડા ઘરનાં વિવિધ ભાગમાં મૂકી શકાય.
૧૨-૧૪ તુલસીનાં પાન, ડાળખા અને માંજર સાથે દોઢ કપ પાણીમાં અડધો કલાક પલાળ્યા બાદ, પાણી ઉકળીને એક કપ બાકી રહે, ત્યારબાદ નવશેકું ઠંડુ થયે તેમાં મધ અથવા થોડો દેશી ગોળ ભેળવી પીવાથી ગળાનો સોજો, ગળામાં દુખાવો, ખાંસી-શરદી, વાયરલ કે મેલેરિયા તાવમાં એન્ટીઇન્ફલેમેટરી દવાની માફક જ ગળાનો દુખાવો-સોજો મટાડવામાં મદદ કરે છે. તુલસીનો નવશેકો ઉકાળો પીધાના થોડા સમય બાદ પરસેવો વળી તાવ ઉતરવા લાગે છે.
ડેન્ગ્યુ કે વાયરલ તાવમાં હાઈગ્રેડ ફિવરથી પીડાતા દર્દીનાં પીવાના પાણીમાં તુલસીનાં પાન નાખી ઉકાળી અને ગાળી ઠંડુ થયેલું પાણી જ પીવડાવવાથી રિકવરી જલ્દી થાય છે. કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો અડધી ચમચી મીઠું ગરમ પાણિમાં દિવસમાં ત્રણવાર લેવાથી તાવ ઉતરી જાય છે અને તાવ ઉતર્યા પછી સવાર-સાંજ પા ચમચી મિંઠુ બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી.