ગૃહિણીઓ જયારે પણ ઘરની સફાઈ કરે છે પીળી પડી ગયેલ વસ્તુને સાફ કરવામાં વધુ સમય લાગવાની ફરિયાદ કરતી હોય છે તેમાં પણ રસોડાની સફાઈ સૌથી વધુ સમય માંગી લે છે. તો આજે અમે લઈને આવ્યા છીએ આવી સફાઇને ઝડપી અને સહેલી બનાવવાનો બેસ્ટ ઉપાય જે ઓછી મહેનતે વસ્તુને બનાવી દેશે એકદમ નવી અને ચમકદાર.
મોટાભાગે તમે જોયું હશે કે ઘરના સ્વિચબોર્ડ જુના થતા તે પીળા પડી જાય છે અને ચમક જતી રહે છે. તેને સાફ કરવા મુશ્કેલ હોય છે અથવા તો તે ઝાંખા થઈ જાય છે. પરંતુ તેને સાફ કરીને ફરી નવા જેવા બનાવી શકાય છે. જી, હા આ સમયે તમે કેટલીક ટીપ્સને અપનાવીને તેને ફરીથી સફેદ કરી શકો છો. સ્વિચ બોર્ડની સફાઈ પર કોઈ ધ્યાન આપતું નથી. નિયમિત સમયે સ્વિચ બોર્ડની સફાઈ ન કરવાથી તે એટલા કાળા થઈ જાય છે કે દીવાલ પર ગંદા દેખાય છે.
તેમાં પણ રસોડા અને બાથરૂમમાં સ્વિચ બોર્ડ જલ્દી કાળા થઈ ગયા હોય અથવા વધારે જ ડાઘ-ધબ્બા થઈ ગયા હોય તો પછી તમે આ લેખ જરૂરથી વાંચો. આ લેખમાં જણાવેલી ટિપ્સને ફોલો કરીને કાળા થઈ ગયેલા સ્વિચ બોર્ડને એકદમ ક્લીન કરી શકો છો.
સૌપ્રથમ તો સ્વિચબોર્ડની સફાઈ કરતા પહેલા પાવર કટ કરવો જોઈએ એટલેકે મેઈન સ્વિચ બંધ કરી દેવી જોઈએ જેનાથી શોર્ટ સર્કિટનો ભય ન રહે. કિચનના સ્વિચબોર્ડ પર તેલ, શાકભાજી, મસાલાના ડાઘ વધારે હોય તો, તમે ટૂથપેસ્ટ અને વધારાના દાંત સાફ કરવાના બ્રશથી બોર્ડને એકદમ ક્લીન કરી શકાય છે.
ટૂથપેસ્ટથી સફાઈ કરવા માટે 3 થી 4 ચમચી ટૂથપેસ્ટને એક વાટકીમાં લઇ તેમાં 2 ચમચી બેકિંગ સોડા નાખી તેને સરખી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં પાણીના થોડા ટીપાં લઈ લેપની જેમ પેસ્ટ તૈયાર કરી લો. હવે આ લેપને સ્વિચ બોર્ડ પર લગાડીને લગભગ 10 મિનિટ માટે એમ જ રહેવા દો. 10 મિનિટ પછી ટૂથબ્રશ કે ક્લીનિંગ બ્રશથી સાફ કરીને કપડાથી લૂછી લો. સાફ કર્યા પછી તમે જોશો તો સ્વિચ બોર્ડ એકદમ નવું થઈ ગયું હશે. બેકિંગ સોડા અને ટૂથપેસ્ટનું મિશ્રણ ડાઘના ક્રિસ્ટલને સક્રિય કરવાની સાથે સાથે નરમ પણ કરે છે જેના કારણે સ્વિચબોર્ડ સરળતાથી સાફ થઈ જાય છે.
મહિલાઓ નખ પરથી નેઈલપોલિશ દૂર કરવા માટે રીમુવરનો ઉપયોગ જરૂર કરતી હોય છે જે ખુબ સરળતાથી નખને સાફ કરે છે. નેઈલ રીમુવરનો ઉપયોગ સ્વિચ બોર્ડની સફાઈ માટે પણ કરી શકો છો. જેના માટે કોટનમાં રીમુવર લગાડીને હળવા હાથે તેની સફાઈ કરવી.
આમ કરવાથી રીમુવરમાં રહેલ તત્વ ગંદકીને બાળવાનું કામ કરે છે, જેનાથી સ્વિચ બોર્ડ સરળતાથી સાફ થઈ જાય છે. જો સ્વિચ પર લાગેલા ડાઘ જૂના હોય તો, રીમુવરને બે થી ત્રણ વખત ઉપયોગમાં લેવું. આ રીતે માત્ર અમુક જ મિનિટોમાં નેઈલપેંટ રીમુવરથી ઘરના સ્વિચ બોર્ડ ચમકી ઊઠે છે.
આ ઉપરાંત, લીંબુ અને મીઠાનું મિશ્રણ પણ ખુબ સારું ક્લીનિંગ છે. જેની મદદથી સ્વિચ બોર્ડ પર લાગેલ, જૂનમાં જૂના ડાઘ સરળતાથી સાફ કરી શકાય છે, તે માટે તમારે લીંબુને કાપી તેના પર મીઠું લગાવી તેને સ્વિચ બોર્ડ પર ઘસવાથી બોર્ડ સાફ થઇ જશે.