સૂરણ એ એશિયા ખંડમાં તથા ઉષ્ણ કટિબંધીય પ્રદેશમાં ઉગાડવામાં આવતી કંદમૂળ પ્રકારની વનસ્પતિ છે. આ વનસ્પતિના કંદનો ઉપયોગ મુખ્યત્વે શાકભાજી તરીકે કરવામાં આવે છે. સૂરણ જમીનમાં થનાર કંદ છે. તેના છોડ થડ વગરના અને મોટા પાનવાળા થાય છે.
કંદમાંથી સોટા બહાર નીકળે છે અને ઉપર જતાં તે છત્રીની જેમ વિસ્તાર ધારણ કરે છે. તેના સોટા-દાંડાનો રંગ ધોળો હોય છે. અને તેના પર શુભ્ર ટપકાં હોય છે. પાનની દાંડીઓ લાંબી હોવાથી છોડ ત્રણ-ચાર ફૂટ ઊંચો દેખાય છે. તેનો પાક ફળદ્રુપ એવી રેતાળ જમીનમાં સારો થાય છે.
સૂરણના કંદ ઉપર નાની-નાની ગાંઠો હોય છે, તે વવાય છે. પાંચ-પાંચ તોલાની ગાંઠો એક-એક ફૂટને અંતરે ક્યારામાં રોપાય છે. જયારે પાંદડા સુકાઇ જાય ત્યારે ગાંઠો ખોદીને કાઢીને હવાદાર જગ્યા એે રાખી મુકાય છે. એ ગાંઠો દસથી પંદર તોલાની હોય છે. તેને પાછી બીજા વર્ષે સવાથી દોઢ ફૂટના અંતરે રોપે છે.
બીજી ફસલ વખતે ગાંઠો એકથી સવા તોલા ની થાય છે. તેને બબ્બે ફૂટના અંતરે ફરીથી રોપવાથી પાંચ-પાંચ તોલા ની ગાંઠો થાય છે. તેને પાછી સાડા-ત્રણથી ચાર ફૂટના અંતરે રોપવાથી પંદરથી વીસ તોલા ની થાય છે. સામાન્ય રીતે સૂરણની ગાંઠ જેટલા વજનની રોપવામાં આવે છે તેનાથી ચારગણા વજનની થાય છે. જેઠ -વૈશાખમાં તે રોપાય છે અને માગસર-પોષ માં તે ખોદી કાઢવામાં આવે છે. ભારતમાં સર્વત્ર થાય છે.
સૂરણમાં બે જાત હોય છે: એક મીઠી અને બીજી ખૂજલીવાળી, ખૂજલીવાળુ સૂરણ ખાવાથી વવળાટ થાય છે અને મોં સૂજી જાય છે. આવા સૂરણનો કંદ લીસો હોય છે. અને આ જાત ના સુરણ મોમાં અને ગળામાં વવળે છે. અને તેનું ઉત્પાદન વધારે થાય છે. મીઠી જાત ગુણવત્તામાં વધારે સારી છે. એ વવળતી નથી . તેના ગરનો રંગ સફેદ અથવા આછો ગુલાબી હોય છે. મીઠી જાત શાક માટે અને વવળાટવાળી જાત ઔષધિ તરીકે વપરાય છે. સૂરણનો પાક મલબારમાં વિશેષ થાય છે. સુરત જિલ્લામાં પણ સૂરણ બહુ થાય છે. અહી વીસ-વીસ તોલા સુધીની તેની ગાંઠો થાય છે.
સૂરણનું શાક સ્વાદિષ્ટ અને રુચિકર થાય છે. સર્વ પ્રકારના કંદ-શાકોમાં સૂરણનું શાક સર્વોત્તમ છે. તેના શાકમાં ઘીનો વઘાર થાય છે. શાક ઉપરાંત તેની રોટલી, પૂરી શીરો, ખીર વગેરે કરીને પણ ખવાય છે. કોઈ કોઈ સ્થળે તેનું અથાણું પણ થાય છે. તેના ફૂલ, કુમળા પાન તથા દાંડાનું પણ શાક થાય છે.
સૂરણને પાણીમાં ખુબ ધોઈ, ધીમા અગ્નિની આંચે બાફી, ઘી કે તેલમાં તળી, તેમાં મરી -મીઠું વગેરે નાખીને પણ ખવાય છે. એ રીતે ખાવાથી પણ તે સ્વાદિષ્ટ લાગે છે અને શરીર ને પુસ્ટ કરે છે. સૂરણને લાંબા વખત સુધી રાખી શકાય છે. અર્શ-મસાના રોગમાં તે ખુબ ગુણકારી હોવાથી સંસ્કૃતમાં તેનું નામ ‘અર્શોધ્ન’ પડેલું છે. તેનું શાક અર્શવાળા માટે ખૂબ સારું છે.
સૂરણ અગ્નિને પ્રદીપ્ત કરનાર, રુક્ષ, ચળખુજલી કરનાર, કડવું, ઝાડાને રોકનાર, સ્વચ્છ,રુચિ ઉપજાવનાર, હલકું અને કફ તથા અર્શને કાપનાર છે. મીઠું અથવા ધોળું સૂરણ તીખું, ઉષ્ણ, રુચિકર,અગ્નિ-દીપક, છેદક, લઘુ, રુક્ષ, તૂરું, મળને રોકનારું, વાયુનાશક, કફનાશક, પાચક તથા રફતપિતનો પ્રકોપ કરનારું છે.
ખુજલીવાળું અથવા રાતું સૂરણ તૂરું, લઘુ, વિષ્ટમ્ભી, વિશદ, તીખું, રુચિકર, દીપન, પાચન, પીત્ત કરનાર તથા દાહક છે. તે ઉધરસ, ઉલટી, ગોળો અને શૂળમાં ગુણકારી તથા કૃમિનાશક છે. સૂરણના કંદ સૂકવી, તેનું ચૂર્ણ કરી, ઘીમાં શેકી, સાકર નાખીને ખાવાથી આરામ મળે છે. સૂરણના કટકા ઘી માં તળીને ખાવાથી અર્શ-મસા મટે છે.
સૂરણના કંદને સૂકવીને બનાવેલું ચૂર્ણ માં બત્રીસ તોલા, ચિત્રક સોળ તોલા અને મરી બે તોલા એ સર્વનું ચૂર્ણ કરી તેનાથી બમણો ગોળ તેમાં નાખી મોટા બોર-બોર જેવડી ગોળીઓ બનાવીને ખાવાથી સર્વ પ્રકારના અર્શ-હરસ મટે છે. ગુજરાત રાજ્યમાં સૂરણની વિવિધ વાનગીઓ ઉપવાસના દિવસે બનાવવામાં આવે છે.
સૂરણને જીમીકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઔષધિ તરીકે વાપરવામાં આવતા સૂરણની તીખાશ ખોરાકને પચવામાં મદદ કરે છે. તેને થોડું ખાવાથી તમારું પેટ ભરાયેલું હોય તેવી ફિલીંગ આપશે અને તમારી ડાયજેસ્ટીવ સિસ્ટમને ક્લિન કરવામાં મદદ કરે છે. સૂરણમાં આઈસોફલેવોનીસ આવેલું છે, જે સ્કીનની ઘણી મુશ્કેલીઓ જેવી કે પીગમેન્ટશન, સેગીંગ અને રફ સ્કીન માટે ફાયદાકારક છે. લાંબા સમય સુધી તેને પોતાના ડાયેટમાં રાખવાથી તમારી સ્કીન સોફ્ટ અને સ્મૂધ થશે.
વિટામી, મિનરલ્સથી યુક્ત એવું સૂરણ ઘણા હેલ્થ ઈસ્યુને દૂર કરવામાં મદદ કરે છે. જેમ કે, જે લોકો જાડાપણું, હાર્ટ સંબંધિત રોગ અને કેન્સર જેવા રોગોમાંથી રાહત અપાવશે માટે આજે જ સૂરણને ડાયેટમાં ઉમેરો.સુરણ માં ઘણા પ્રકાર ના બેક્ટેરિયા હોય છે, જે તમારી બગડેલી ડાયજેસ્ટીવ પ્રોસેસને સુધારવામાં મદદ કરે છે. ગેસ અને પેટ પર જમા થયેલી ચરબીની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે સૂરણ ખાવું જોઈએ.
આયુર્વેદ પ્રમાણે સૂરણ એ હરસ-મસાનો નાશ કરનાર શ્રેષ્ઠ ઔષધી છે. હાથીપગામાં સૂરણનો લેપ ઉત્તમ પરિણામ આપે છે. હાથીપગા પર સૂરણ અને ઘી ને મધમાં વાટીને સવાર-સાંજ તેનો લેપ કરવો. હાથીપગાના સોજામાં રાહત જણાશે.
અવારનવાર બરોળ વધી જતી હોય તેમના માટે સૂરણનું શાક ઉત્તમ છે. બરોળ વધી ગઈ હોય તેમને રોજ સૂરણનું શાક ઘીમાં શેકીને તેનું સેવન કરવું. અવશ્ય લાભ થશે. સૂરણ રક્તસ્રાવી મસાને પણ મટાડે છે. રક્તસ્રાવી મસામાં સૂરણ અને કડાછાલનું સમભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું સવાર-સાંજ છાશ સાથે લેવું. થોડા દિવસમાં જ રક્તસ્રાવી મસામાં લાભ જણાશે.