સૂંઠ દરેક ઘર ની જાણીતી ઉપયોગી વસ્તુ છે. દાળ શાક ના મસાલા માં તેનો ઉપયોગ થાય છે. આદુ પાકીને સુકાય ત્યારે તેની સૂંઠ બને છે. તેથી આદુના સઘળા ગુણો તેમાં હોય છે. કેરીનો રસ વાયુ નો કરે તે માટે તેમાં સૂંઠ અને ઘી નાખવાનો રિવાજ છે. સૂંઠ યકૃતના પિત્તનો વધુ સ્ત્રાવ કરે છે. સૂંઠમાં ઉદરવાતહર ગુણ હોવાથી તે વિરેચન ઔષધિઓથી ની સાથે મેળવાય છે. સૂંઠ પાચનતંત્ર માટે ખૂબ ઉપયોગી છે.
ઘડપણમાં ઘણું કરીને પાચનક્રિયા મંદ પડે છે,પેટમાં વાયુ ઉત્પન્ન થાય છે, કફ પ્રકોપ રહે છે, હૃદયમાં ગભરામણ અને હાથ પગમાં વેદના થાય છે એવી સ્થિતિમાં સૂંઠનું ચૂર્ણ અથવા દૂધ મેળવેલો સૂંઠનો ઉકાળો ફાયદાકારક છે. કફ અને વાયુના તમામ વિકારોમાં તેમ જ હૃદય રોગીઓને માટે સૂંઠ ઉપયોગી છે.સૂંઠનો સૌભાગ્ય સૂંઠીપાક બનાવાય છે અને પ્રસૂતા સ્ત્રીને કોઈ વિકાર ન થાય તે માટે ખાસ ખવડાવાય છે. પ્રસૂતા સ્ત્રીઓ માટે એ પાક બહુ જ ગુણકારી શ્રેષ્ઠ ઔષધિ છે. સુંઠમાં અનેક શ્રેષ્ઠ ગુણો હોવાથી જ તેને ‘વિશ્વભૈષજ’ અને ‘ મહૌષધ ‘ એવાં નામ આપવામાં આવેલાં છે.
સુંઠ ના ગુણધર્મો:
સૂંઠ રુચિ ઉત્પન્ન કરનાર, આમવાત નો નાશ કરનાર, પાચન, તીખી, હલકી સ્નિગ્ધ અને ઉષ્ણ ગરમ છે. એ પાકમાં મધુર, કફ, વાયુ તથા મળના બંધનને તોડનાર, વીર્યને વધારનાર અને સ્વર સારો કરનાર છે. એ ઉલટી, શ્વાસ, શૂળ, ઉધરસ, હૃદયરોગ, શ્લીપદ (હાથી પગા)નો રોગ,સોજો, અર્શ, આફરા અને પેટના વાયુને મટાડનાર છે.
સુંઠ ખાવાના ફાયદા:
સારી જાતની સૂંઠનું ચૂર્ણ બત્રીસ તોલા, ઘી એસી તોલા, ગાયનું દૂધ બસો છપ્પન તોલા અને સાકર બસો તોલા લઈ, એકત્ર કરી, તેનો પાક બનાવવો. તેમાં સૂંઠ, મરી,પીપર, તજ, એલચી, અને તમાલપત્ર એ દરેક ચાર-ચાર તોલા લઈ, તેનું ચૂર્ણ કરીને નાખવું.આ પાક કાચ કે ચિનાઈ માટીની બરણીમાં ભરીને રાખવો. આ પાકને ‘સૌભાગ્ય સુંઠી પાક’ કે ‘સૂંઠી રસાયન’ કહે છે. રસાયન ગુણવાળો આ પાક ખાવાથી આમવાત મટે છે, દેહની કાંતિ, ધાતુ, બળ તથા આયુષ્ય વધે છે. આ પાક સ્ત્રીઓ માટે ઘણો જ ઉત્તમ છે.
તે સ્ત્રીઓમાં વંધ્યત્વ નો નાશ કરે છે. સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડું ઘી નાખી તેની ત્રણ-ચાર તોલા જેવડી લાડુડીઓ બનાવી, સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર ખેડૂતો-ખેતમજૂરી માટે સૂંઠનો આ ઉપયોગ ખૂબ લાભદાયક છે. આનાથી શરીરની શકિત અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.
સૂંઠ નાખી ઉકાળેલું પાણી પીવાથી અથવા પીવાના પાણીમાં સૂંઠનો ગાંગડો નાખી લાંબા સમય સુધી એ પાણી પીવાથી જૂની શરદી મટે છે. સુંઠ, તજ અને ખડી સાકરનો ઉકાળો પીવાથી સળેખમ, શરદી મટે છે. સુંઠનું ચુર્ણ એક તોલો, ગોળ એક તોલો અને એક ચમચી ઘી લઈ, તેને એકત્ર કરી, થોડું પાણી મેળવી અગ્નિ પર મૂકી, રાબડી જેવું કરી, રોજ સવારે ચાટવાથી ત્રણદિવસમાં શરદી, સળેખમ વગેરે મટે છે.
સૂંઠનો ઉકાળો કરીને પીવાથી દેહકાંતિ વધે છે, મન પ્રસન્ન રહે છે અને શરીર પુષ્ટ થાય છે.ચાલીસ તોલા ઉકળતા પાણીમાં અઢી તોલા સૂંઠનું ચૂર્ણ નાખી તેને વીસ-પચીસ મિનિટ સુધી ઢાંકી રાખી, ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી, તેમાંથી અઢીથી પાંચ તોલા જેટલું પીવાથી પેટનો આફરો, ઉદરશૂળ મટે છે. આ પાણીમાં સાજીખાર (સોડા બાયકાર્બ) મેળવી દિવસમાં ત્રણ વાર પીવાથી અપચો, ખરાબ ઓડકાર અને પેટમાં ભરાઈ રહેલો વાયુ મટે છે.
સૂંઠ, હિમેજ અને નાગરમોથ નું ચૂર્ણ સરખે ભાગે લઈ, તેમાં બમણો ગોળ નાખી, ચણા જેવડી ગોળીઓ બનાવી, મોંમાં રાખી, તેનો રસ ચૂસવાથી ઉધરસ અને દમ મટે છે,સૂંઠ અને છાશની આશ(ઉપર ઉપરનું પાણી)માં ઘસી એકવીસ દિવસ પીવાથી જીર્ણજવર મટે છે. ત્રણ માસા સૂંઠ બકરીના દૂધમાં વાટીને ખવડાવવાથી સગર્ભા સ્ત્રી નો વિષમજવર મટે છે.સુંઠ અને જવખાર સમભાગે લઈ, ઘી સાથે ચાટી, ઉપર ગરમ પાણી પીવાથી અજીર્ણ મટે છે અને ભૂખ ઊઘડે છે.
સૂંઠ-ગોળ અને ગરમ પાણીમાં મેળવી નાકમાં ટીપાં પાડવાથી હેડકી મટે છે. સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.સૂંઠ, આમળા અને ખડી સાકરના બારીક ચૂર્ણ કરીને લેવાથી અમ્લપિત્ત મટે છે, સુંઠના ઉકાળામાં હળદર અને ગોળ નાખીને પીવાથી ધાતુસ્ત્રાવ મટે છે, પૈશાબમાં જતી ધાતુ પણ બંધ થાય છે. અર્ધા તોલા સૂંઠનું ચૂર્ણ બકરી કે ગાયના અર્ધા શેર દૂધ સાથે પીવાથી વેદના સાથે પેશાબ માંથી લોહી પડતું હોય તો તે રક્તસ્રાવ અને વેદના મટે છે.
સૂઠ, સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારના શૂળ મટે છે. સૂંઠ અને એરંડ મૂળ નો ઉકાળો કરી તેમાં ખાંડેલી હિંગ અને સંચળ નાખીને પીવાથી. વાતશુળ મટે છે.સૂંઠ અને ગોખરુ સમાન ભાગે લઈ, કૂવાથ કરી, રોજ સવારે પીવાથી કટિશૂળ, સંધિવા અને અજીર્ણ મટે છે. સૂંઠનું ચૂર્ણ છાશમાં નાખીને પીવાથી અર્શ-મસામાં ફાયદો કરે છે.સૂંઠ, જીરું અને સિંધવ નું ચૂર્ણ તાજા દહીંના મઠ્ઠામાં મેળવી ભોજન બાદ પીવાથી જૂના અતિસાર નો મળ બંધાય છે, આમ ઓછો થાય છે અને અન્નપાચન થાય છે.
સુંઠ અર્ધો તોલો અને જૂનો ગોળ અર્ધો તોલો લઈ ચોળી તેને રોજ સવારમાં ખાવાથી. અજીર્ણ આમાતિસાર અને ગેસ મટે છે.સૂંઠ અને વાળો પાણીમાં નાખી, ઉકાળી, પીવાથી ઝાડા મટે છે. રોજ ગરમ પાણી સાથે સૂંઠ ફાકવાથી કે સૂંઠનો ઉકાળો બનાવી તેમાં રૂપિયાભાર એરંડિયું નાખીને પીવાથી મરડો મટે છે.
સૂંઠ અને બીલીના કુમળા ગર્ભનો ક્વાથ કરી પીવાથી કોલેરામાં થતી પેટની વાઢ અને ઝાડા-ઉલટી મટે છે. સૂંઠ અને જીરા સાથે બાફેલા ગાજર ખાવાથી સંગ્રહણી મટે છે. સૂંઠની ભૂકી ને પાણી સાથે ચટણી માફક પીસી, ઘીમાં તળી, તેને ઘી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે. સૂંઠ પાણીમાં ઘસી, તેમાં ઘી અને ગોળ મેળવી, અગ્નિ પર સીઝવી, ચાટણ કરીને ચટાડવાથી બાળકોની આમસંગ્રહણી મટે છે.સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધમાં લેવાથી કૃમિ મટે છે.