કળશ એ ભારતીય સંસ્કૃતિનું અગ્રસ્થાન પામેલું પ્રતીક છે. તેથી જ તો પ્રત્યેક મહત્વના શુભ પ્રસંગે કળશની સાક્ષી અને સાંનિધ્યમાં પુણ્યા હવાચન થાય છે. કળશ એટલે છેવટની ટોચ. પૂર્ણતાનું પ્રતીક. ભગવાનનાં દર્શન કરી કળશનાં દર્શન ન કરીએ તો દર્શન અપૂર્ણ રહી જાય. મંદિરની પૂર્ણતાના પ્રતીકસમા, ટોચસમા કળશનાં દર્શન કરતી વખતે જીવનમંદિરની પરિપૂર્ણતાનો, તેની ટોચનો પણ વિચાર કરવાનો.
જીવનને પરિપૂર્ણ કરવાનો વિચાર કરવાનો. જીવનમંદિરના ચણતરમાં દટાઈ, તેના કળશ સુધી પહોંચવાનું છે તેનો વિચાર કરવાનો. ત્યાં સુધી પહોંચવાની પ્રતીતિ અનુભવવાની અને તેવી જ રીતે જીવનને ઉચ્ચ ધ્યેયલક્ષી બનાવવાનું. કળશપૂજનની અગ્રિમતા પ્રત્યેક શુભ પ્રસંગે કાર્યના આરંભમાં જેમ વિઘ્નહર્તા ગણપતિની પૂજા કરવામાં આવે છે. તેમ કળશની પૂજા પણ થાય છે. ઊલટું, દેવપૂજા કરતાં અગ્રસ્થાન આ કળશપૂજનને મળે છે.
પહેલું તેનું પૂજન, પહેલાં તેને નમસ્કાર અને પછી વિઘ્નહર્તા ગણપતિને નમસ્કાર આવું પ્રાધાન્ય પામેલા કળશના પૂજન પાછળ અતિ સુંદર ભાવ છે. તેનો પ્રારંભ ક્યાંથી થયો તે કહેવું મુશ્કેલ છે, પરંતુ કેટલાકનું માનવું છે કે સમુદ્રમંથનમાંથી ભગવાન બંને હાથમાં કળશ લઈ બહાર નીકળ્યા ત્યારથી તેનું પૂજન શરૂ થયું. જ્યારે પણ તેની શરૂઆત થઈ હશે ત્યારે માનવીને લાગ્યું હશે કે વરસાદ છે તેથી જ તો જીવન છે. જો વર્ષા ન હોત તો જીવન સુકાઈ જાત. તે આપણી આટલી સેવા કરે છે, આપણને જીવતદાન આપે છે તો આપણે તેનું પૂજન પણ ન કરવું જોઈએ.
વરુણ એ તો રસરાજ છે. સમગ્ર વિશ્વની ધારણા અગમ્ય શક્તિના લીધે થાય છે, કે જે રસમય છે. સૃષ્ટિમાં રસ છે તેથી તો દેવ, દાનવ, માનવ તથા પશુ ઈત્યાદિના જીવનની ધારણા છે. જેટલા પ્રમાણમાં આ રસ વધુ તેટલા પ્રમાણમાં જીવનશક્તિ વધુ અને આ શક્તિદાતા, રસદાતા વરુણ છે. તેથી તેના પ્રત્યેની કૃતજ્ઞાતા વ્યક્ત કરવા તેનું પૂજન કરવાનું, પરંતુ તેમાં અગવડ આવી. વરસાદ તો ફક્ત ચાર જ મહિના આવે. અને તે પણ હંમેશાં નહીં. તો પછી? આપણા પૂર્વજોએ રસ્તો કાઢયો.
કૂવા, તળાવ, નદી બધાનું પાણી વરસાદે જ આપ્યું છે એકાદ લોટામાં-કળશમાં તેને ભરી લઈએ અને તેનું પૂજન કરીએ અને એ મંગલભાવના સાથે કાળક્રમે રસાધિરાજ વરુણ ભગવાનની તેમાં સ્થાપના કરી સંસ્કૃતિના ગૌરવવંતા ભવ્ય પ્રતીકનું સર્જન કર્યું. તે કળશનું પૂજન કર્યું. જે સંબંધ કમળ સૂર્યનો છે. તે જ સંબંધ કળશ અને વરુણનો છે.
વાસ્તવમાં કળશ એટલે લોટામાં ભરેલું, ઘડામાં ભરેલું પાણી જ છે, પરંતુ એની સ્થાપના પછી, તેના પૂજન પછી તે સામાન્ય પાણી ન રહેતાં, દિવ્ય ઓજસમય પાણી બની જાય છે. કળશપૂજન વખતના પ્રાર્થનાના શ્લોકો પણ ભાવપૂર્ણ છે. તે પ્રાર્થના પછી તે કળશ, કળશ ન રહેતાં તેમાં પિંડ બ્રહ્માંડની વ્યાપક્તા જણાય છે. કળશની સાધના, ધાન્યની ઢગલી ઉપર કરવામાં આવે છે. તે પાછળનો ભાવ પણ હૃદયંગમ છે. અન્ન એ માનવદેહનું આધારભૂત તત્ત્વ છે અને તેના ઉપર જળ ભરેલા કળશની સ્થાપના! અન્નથી પ્રાણ અને જળથી જીવન- આ બંનેથી જ તો આ દેહ ટકે છે.
ઋષિઓ એ નાના એવા પાણીના લોટામાં બધા જ દેવો, વેદો, સમુદ્રો, નદીઓ, ગાયત્રી, સાવિત્રી બધાની જ તેમાં સ્થાપના કરી. પાપક્ષય અને શાંતિની ભાવનાથી બધાને એક જ પ્રતીકમાં સમાવી જીવનમાં સમન્વય લાવવાનો નિર્દેશ કર્યો. બિંદુમાં સિંધુનાં દર્શન કરાવ્યાં. કવિ કહે છે કે તેમ ‘જ્યાં ચરણ રુકે ત્યાં કાશી ઝાકળના બિંદુમાં જોયો મેં ગંગાનો જલરાશિ.’ એનું સચોટ દર્શન એટલે કળશ.
આ કળશ પાંચ પલ્લવોથી સુશોભિત કરવામાં આવે છે. વડ, પીપળો, આંબો, જાંબુ અને ખાખરાનાં વૃક્ષોના ઔષધિયુક્ત ગુણો ધ્યાનમાં રાખી તેનાં પાન ગોઠવવામાં આવે છે, પરંતુ આયુર્વેદની આજે મહત્તા ઘટતાં એ પાનનું પ્રાધાન્ય પણ ઘટયું છે. તેથી વ્યવહારુ સગવડના લીધે પૂજામાં કેવળ આંબાનાં અથવા તો આસોપાલવનાં પાન આવી ગયાં છે.
પંચામૃત, પંચમહાભૂત, પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ પાંડવો વગેરે પાંચનો મહિમા ગાનારી ભારતીય સંસ્કૃતિએ સુંદર લાંબાં પાનોથી સુશોભિત થયેલ કળશને સોનું, રૂપું, મોતી, માણેક, પ્રવાલ વગેરે પંચરત્નોથી શ્રીમંત બનાવ્યો છે. વૈભવ-ધનદોલત ન હોય તો વાંધો નહીં. એ બધા વૈભવના પ્રતીક તરીકે પાઈ પૈસો મૂકશો તો પણ ચાલશે, એની ઉપર ઊભું શ્રીફળ ગોઠવવામાં આવે છે ત્યારે તેની શોભા કાંઈક અનેરી દીપે છે. કળશપૂજનનું એક આગવું મહત્ત્વ છે.