આહારના છ રસ માં ગળપણનું મૂલ્ય વિશિષ્ટ છે. ગોળ, ખાંડ, સાકર વગેરે ગળ્યા પદાર્થો શેરડીના રસમાંથી બને છે. શેરડી મૂળ ભારત(આસામ અને બંગાળ)ની વતની છે.
ભારતમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, દક્ષિણ ભારત વગેરે સ્થળે તેનું વાવેતર થાય છે. ભારત ઉપરાંત જાવા, કયુબા, મોરેશિયસ, વેસ્ટઇંડિઝ, પૂર્વ આફ્રિકા વગેરેમાં પણ શેરડીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી, જૂન જુલાઇ અને ઑકટોબર-નવેમ્બર એમ વર્ષમાં ત્રણવાર તેની રોપણી થાય છે, પોષ-મહા માસમાં કાપણી કરવી વધારે યોગ્ય ગણાય છે.
ભાઠાની કાળી, ગોરાડુ, બેસર, મૂરમવાળી જમીન શેરડીના પાક માટે ઉત્તમ ગણાય છે. સારા નિતાર કે ઝરણવાળી જમીન તેને વધુ માફક આવે છે. શેરડીના છોડ દશથી બાર ફૂટ ઊંચા થાય છે. સામસામી હરોળમાં આવેલાં તેનાં પાન લાંબાં, પહોળાં, અણીદાર અને ચપટાં થાય છે. તેનો છોડ મકાઈ, જુવારને મળતો આવે છે.
શેરડીની અનેક જાતો જોવા મળે છે : ધોળી, રાતી, કાળી અને ભૂખરી. રાતી શેરડીનો રસ ઘણો જ મીઠો હોય છે. વધુ મીઠાશવાળી શેરડી વધારે ગુણકારી ગણાય છે. ધોળી કરતાં કાળી શેરડી વધુ ગુણકારી ગણાય છે. કાચી, અર્ધપાકી, પાકી અને વધારે પાકી (ઘરડી) એમ અવસ્થાભેદને લીધે શેરડીના ગુણોમાં ઘણું અંતર પડે છે.
શેરડી કમળાનું શ્રેષ્ડ ઔષધ છે. જેમને કમળો થયો હોય તેમણે ચૂસીને મીઠી શેરડી ખાવી જોઈએ. તેનાથી પેશાબ છૂટથી થશે અને કમળામાં તરત જ ફાયદો થશે. જે સ્ત્રીઓને ધાવણ ઓછું આવતું હોય તેમણે રુચિ અનુસાર શેરડી ચૂસવી. શેરડીનો રસ પીવાથી થાક દૂર થાય છે. તેનાથી બળ અને બુદ્ધિ ની વૃદ્ધિ થાય છે.
જેમને થોડું કામ કરતાં થાક લાગતો હોય તેમને માટે શેરડી સારી છે. હાથ-પગનાં તળિયાંની બળતરા, આંખોની બળતરા અને આખા શરીરમાં થતી દાહ-બળતરા માટે શેરડી અત્યંત સારી છે. જમ્યા પહેલાં શેરડી ખાવાથી પિત્તનો નાશ થાય છે અને જમ્યા પછી ખાવાથી વાયુ અને મંદાગ્નિ પર સારી અસર કરે છે.
શેરડીનો કોઈ પણ ભાગ વ્યર્થ જતો નથી. તેના મૂળના કટકા ઢોરોને ખવડાવવા માટે ઉપયોગમાં લેવાય છે. રસ કાઢી લોધેલા કૂચા બાળવાના કામમાં આવે છે. શેરડીનાં મૂળ, રસ તથા તેની બનાવટો ઔષધ તરીકે વપરાય છે. ગરમીની ઋતુમાં તો શેરડીનો રસ અમૃત સમાન છે.
દાંત વડે ચૂસેલી શેરડીનો રસ પિત્તનો તથા લોહીવિકાર કે રકતપિત્તનો નાશ કરનાર, સાકર જેવો શકિતપ્રદ, દાહશામક અને કફ કરનાર છે. યંત્રથી પીલેલી શેરડીનો રસ મળને રોકે છે અને ભારે પડે છે. વળી યંત્રથી કાઢેલો રસ દાહ કરનાર અને આફરો કરનાર છે.
ઉનાળાના તાપમાં શેરડીનો તાજો રસ કાઢી, તેમાં મીઠું નાખી અને લીંબુ નિચોવી ઠંડા પીણારૂપે પીવાથી શીતળ (ઠંડો ) અને રોચક લાગે છે. શેરડીનો રસ એક ઉત્તમ ઠંડું પીણું છે. એ સાત્ત્વિક અને પૌષ્ટિક પણ છે. વધુપડતું માસિક આવતું હોય, ગર્ભાશયની ગરમીને કારણે વારંવાર કસુવાવડ થઈ જતી હોય તો શેરડી ખાવાથી લાભ થાય છે.
કાચી શેરડી કફ, મેદ અને પ્રમેહ કરનાર છે. મધ્યમ શેરડી વાયુને હરનાર, મધુર, કંઈક તીણ અને પિત્તને મટાડનાર છે. પાકી શેરડી રકતપિત્તને મટાડનાર, ક્ષતને મટાડનાર અને બળ તથા વીર્યને વધારનાર છે. ઘણી જૂની શેરડી બલ્ય, વીર્યવર્ધક તથા રકતપિત્ત અને ક્ષયનો નાશ કરનારી છે.
શેરડીના રસમાં આમળાનો રસ, દાડમનો રસ અને મધ મેળવી, એકરસ કરી, પિવાથી પાંડુરોગ મટે છે, લોહીની વૃદ્ધિ થાય છે અને શકિત પણ વધે છે.
વાત, પિત્તથી જેમનું વીર્ય દૂષિત થયું હોય તેમના માટે શેરડીનો રસ ઉપયોગી છે. વળી જેમને પેશાબની છૂટ રહેતી ન હોય તેમના માટે પણ શેરડીનો રસ ઉપયોગી છે. શેરડી કંઠ અને ગળા માટે પણ ફાયદાકારક છે.
શેરડી સાકર જેવી મધુર અને હંમેશાં ખાઈ શકાય તેવી પથ્ય છે. એ પુષ્ટિ, બળ અને તૃપ્તિ આપે છે તેમજ પિત્તનું શમન કરે છે. થાક, રકતપિત્તા, મૂત્રકૃચ્છ, ભ્રમ, દાહ, તૃષા અને નબળાઈમાં શેરડી ઘણી ફાયદાકારક સાબિત થાય છે.
શેરડીના રસમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયરન અને મેગ્નેશિયમ નું પ્રમાણ તેના સ્વાદને ક્ષારવાળી બનાવે છે, આ રસમાં રહેલા તત્વો કેન્સરથી પણ બચાવે છે. શેરડીનો રસ ઘણી જાતના કેન્સરનો સામનો કરવામાં સહાયક બને છે. બ્રેસ્ટ કેન્સરનો સામનો કરવામાં પણ તેને કારગર માનવામાં આવે છે.