શતાવરીના છોડ ભારતમાં બધે જ થાય છે. તેના છોડ ત્રણથી ચાર ફુટ ઉંચા, પાન શરુ જેવાં બારીક અને ડાળીના મુળ પાસેથી છેડા સુધી બંને બાજુએ સરખાં હોય છે. શતાવરીને નાનાં સફેદ સુગંધી ફુલોનાં ઝુમખાં આવે છે. છોડને કાંટા હોય છે.
ડાળીની એક બાજુએ એક એક કાંટો હોવાથી એને એકલકંટી પણ કહે છે. તેને ચણી બોર જેવાં ફળો આવે છે. પાક્યા પછી તે લાલ રંગનાં થાય છે. શતાવરીનાં મુળ સુતરના તાંતણા એકઠા કરીને બાંધી રાખ્યા હોય એવાં ઝુમખા રુપે હોય છે. તેનાં મુળને ફીક્કાશ પડતી લાલ-પીળા રંગની છાલ હોય છે. એ છાલ કાઢતાં અંદર ધોળા રંગનો ગાભો અને વચ્ચે દોરા જેવું દેખાય છે. શતાવરીનાં મુળ લીલાં હોય ત્યારે સુકવવામાં આવે છે. આ મુળને જ શતાવરી કહે છે.
શતાવરી ઔષધમાં વપરાય છે. શતાવરી એક ઉત્તમ ઔષધ છે. શતાવરીના છોડને સો કરતાં પણ વધારે મુળ હોય છે આથી એને શતાવરી કહે છ. તેનાં પાન વાળ જેવાં ઝીણાં અને પુશ્કળ હોય છે. એના છોડને જમીન તરફ વળેલા અવળા કાંટા હોય છે. શતાવરી ઠંડી, વાજીકર, મધુર-કડવી, રસાયન, સ્વાદીષ્ટ, પચવામાં ભારે, ચીકણી, ધાવણ વધારનાર, બળ આપનાર, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રદીપક, આંખો માટે સારી અને પૌષ્ટીક છે.
શતાવરી ત્રીદોષનાશક, ક્ષય, રક્તદોષ, સોજા, ગોળો અને અતીસારનો નાશ કરે છે. શતાવરી પરમ પીત્તશામક છે. એક એક ચમચી શતાવરીનું ચુર્ણ અને સાકર દુધમાં મીશ્ર કરી પીવાથી તરત જ અમ્લપીત્ત-એસીડીટી શાંત થાય છે.
શતાવરી મધુર અને કડવી છે. તે બળ વધારનાર, ધાવણ વધારનાર, શુક્રવર્ધક, રસાયન, મૈથુનશક્તી વધારનાર-વાજીકરણ છે. આ ઉપરાંત રક્તવીકાર, વાયુ, અને પીત્તને હરનાર, રક્તમુત્રતા, મુત્રકૃચ્છ્ર, મુત્રકષ્ટ મટાડનાર છે. જ્યારે મહાશતાવરી હૃદય માટે હીતકારી, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, પૌષ્ટીક, ગ્રહણી અને હરસને મટાડનાર છે.
દુઝતા હરસમાં રોજ શતાવરી અને સાકર નાખી ઉકાળીને ઠંડુ કરેલું દુધ પીવું.જો મુત્રમાર્ગે લોહી પડતું હોય તો ૧ ચમચી શતાવરી, ૧ ચમચી ગોખરું અને ૧ ચમચી સાકરને ૧ ગ્લાસ પાણીમાં નાખી, ઉકાળો બનાવી રોજ સવારે અને સાંજે પીવાથી મટે છે, કેમ કે મુત્રાશયની શુદ્ધી કરવામાં શતાવરી અને ગોખરું બન્ને ઉત્તમ છે.
કીડનીના સોજામાં પણ શતાવરી અને ગોખરું લેવાં.મહા શતાવરીનો તાજો રસ બે ચમચી સવાર-સાંજ પીવાથી અથવા મહા શતાવરીનું તાજું ચુર્ણ સાકરવાળા દુધમાં પીવાથી ધાવણ સાવ ઓછું આવતું હોય તો તેમાં લાભ થાય છે. શતાવરીનો તાજો દુધપાક બનાવીને પણ લઈ શકાય.
રક્તાતીસારમાં મળમાર્ગે પડતા લોહીમાં ૧ ગ્લાસ બકરીના તાજા દુધમાં ૧ ચમચી શતાવરીનું ચુર્ણ, ૧ ચમચી સાકર અને ૧ ચમચી ઘી નાખી ઉકાળી ઠંડુ પાડી સવાર-સાંજ પીવાથી રક્તસ્રાવ બંધ થાય છે.ફેફસાની નાની મોટી તકલીફોમાં શતાવરીનું ચુર્ણ અને સાકર દુધમાં ઉકાળી લાંબો સમય લેવાથી સારો ફાયદો થાય છે.
રતાંધળાપણામાં શતાવરીનાં કુમળાં પાન ગાયના ઘીમાં વઘારીને ખાવાથી રતાંધળાપણુ દુર થાય છે.મોઢામાં, હોજરીમાં, હોજરીના છેડે, આંતરડામાં જો ચાંદાં પડ્યાં હોય તો શતાવરીઘૃત અત્યંત હીતાવહ છે. મળી શકે તો લીલી શતાવરીનો તાજો રસ કાઢી બે ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો.
જો લીલી શતાવરી ન મળે તો જ્યારે મળે ત્યારે શતાવરી ઘૃત પકાવી લેવું. ૫૦૦ ગ્રામ ગાયનું ઘી, ૨ કીલોગ્રામ શતાવરીનો રસ અને શતાવરીના મુળીયાનું ૨૦૦ ગ્રામ ચુર્ણ મીશ્ર કરી ઉકાળવું. પાણીનો ભાગ ઉડી જાય ત્યારે ઉતારીને ગાળી લેવું. એક ચમચી આ શતાવરી ઘૃત દીવસમાં ત્રણ વખત લેવાથી જીર્ણ જ્વર, મીરગી-વાયુ, આંતરીક ચાંદાં, ગાઉટ, ફેફસાના રોગો વગેરે મટે છે. શતાવરી મહીલાઓ માટેની પરમ પૌષ્ટીક ઔષધી છે.
શતાવરીના બે ચમચી રસમાં એક ચમચી મધ મેળવી સવાર-સાંજ પીવાથી સ્ત્રીઓને થતું પીત્તનું શ્વેત પ્રદર મટે છે.એક ગ્લાસ દુધમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ અને બે ચમચી સાકર નાખી ઉકાળીને ઠંડુ પાડી પીવાથી સ્ત્રીઓને થતું રક્તપ્રદર અને લોહીવા મટે છે.
શતાવરી, જીરુ અને ગળો દરેકનું અડધી અડધી ચમચી ચુર્ણ પાણીમાં નાખી સવાર-સાંજ પીવાથી ટાઢીયો તાવ મટે છે.શતાવરી, સાકર, ગોળ અને કોપરું ખાવાથી પ્રસુતાનું ધાવણ વધે છે.
એક ગ્લાસ ગાયના દુધમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ નાખી પીવાથી પથરી મટે છે.એક ચમચી શતાવરી અને બોદા ગોખરુનું ચુર્ણ દુધમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પથરી મટે છે અને પેશાબમાં પડતું લોહી બંધ થાય છે.
શતાવરી રસાયન છે, આથી એના સેવનથી આયુષ્ય વધે છે, સ્વાસ્થ્ય સારું રહે છે, વજન વધી શરીર હૃષ્ટપૃષ્ટ થાય છે. એક ગ્લાસ દુધમાં એક ચમચી શતાવરી અને એક ચમચી સાકર નાખી ઉકાળવું. ઠંડુ પડે ત્યારે ધીમે ધીમે પી જવું. એનાથી શરીરમાં સારી શક્તી આવે છે. સ્ત્રીઓનો પ્રદર રોગ મટે છે.
શતાવરીમાંથી બનાવેલા તેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે. વાથી જકડાયેલા સ્થાન પર તેનું માલીશ કરવું. આ તેલની લઘુ એનીમા લેવાથી વાયુના રોગો, કટીશુળ, સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા વગેરે મટે છે.
શતાવરી ચાંદાં માટેનું અકસીર ઔષધ છે. ૨૦૦ ગ્રામ દુધમાં એટલું જ પાણી નાખી ૧૦ ગ્રામ શતાવરીનું ચુર્ણ અને ૫ ગ્રામ જેઠીમધનું ચુર્ણ બે ચમચી ખડી સાકર નાખી ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પાડી પીવાથી મોંનાં, ગળાનાં, હોજરીનાં, યોનીમાં, આંતરડાંમાં, ગર્ભાશયમાં પડેલાં ચાંદાં મટે છે.
આહારમાં દુધનું પ્રમાણ વધારવું. ગોળ, લસણ, ડુંગળી, કાળાં મરી, અથાણાં, પાપડ, મરચાં, બાજરી, રીંગણાં, મુળા, મોગરી, રાઈ, હીંગ વગેરે છોડી દેવાં. મોળાં શાકભાજી, રોટલી જેવો સાદો આહાર લેવો. એનાથી કસુવાવડ થતી હોય કે પુરા માસે જન્મેલું બાળક જીવી શકતું ન હોય તેમાં પણ ફેર પડે છે.
જો કોઈ પુરુષને ગરમી હોય અને તેને લીધે શુક્ર ક્ષીણ થઈ જાય, પાતળું પડી જાય, કામશક્તી ઘટી જાય, ઉત્સાહનો અભાવ હોય શુક્રજંતુની ગતી ઘટી જતી હોય તો શતાવરી, આમળાં, સાકર, ઘી અને અશ્વગંધાનું એક એક ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવું.
શતાવરી, જેઠીમધ અને સાકર આ ત્રણેનું સરખા વજને બનાવેલું એક ચમચી જેટલું બારીક ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી શરીરની આંતરીક ગરમી મટે છે. હાથની હથેળીની અને પગના તળીયાની બળતરા મટે છે.
જેમને વારંવાર પિત્તની તકલીફ થતી હોય, તેમણે સૌપ્રથમ તો પિત્ત વધારનાર આહાર-વિહારનો ત્યાગ કરવો જોઈએ. તીખી, ખારી અને ખાટી એવી ચીજોના સતત કે વધારે પડતા ઉપયોગથી પિત્તપ્રકોપ થાય છે. ચિંતા, ઉજાગરો, ગુસ્સો અને તડકામાં ફરવાથી પણ પિત્તપ્રકોપ થાય છે. એટલે આવા બધાં પિત્તપ્રકોપકનાં કારણોનો ત્યાગ કરીને પિત્તશામક શતાવરીનો ઉપયોગ કરવાથી પિત્તની અનેક તકલીફો મટે છે.
૨૫૦ ગ્રામ જેટલા દૂધમાં એક ચમચી શતાવરી ચૂર્ણ, એક ચમચી જેટલો સાકરનો ભૂકો અને બે ચમચી ગાયનું ઘી નાંખી તેને ગરમ કરવું. બરાબર ઊકળે ત્યારપછી ઠંડુ પાડી ધીમે-ધીમે પી જવું. આ પ્રયોગમાં વપરાતા શતાવરી, દૂધ, સાકર અને ઘી આ ચારે દ્રવ્યો પરમ પિત્તશામક છે.
લાંબા સમય સુધી તેનો નિયમિત ઉપયોગ કરવાથી તથા તે સાથે જરૂરી પરેજી પાળવાથી વર્ષો જૂની, ક્રોનિક પિત્તની તકલીફ મટી જાય છે. જેમને વજન વધારવું હોય તેમણે આ પ્રયોગમાં અશ્વગંધા અને જેઠીમધનો ઉંમર પ્રમાણે અડધીથી એક ચમચી જેટલો ઉમેરો કરવો
લીલી શતાવરીમાં ભારી માત્રામાં ‘વિટામિન એ’ હાજર રહેલું હોય છે. આ શતાવરી આંખોની રોશની વધારવામાં ખૂબ મદદ કરે છે. જેમાં મળતું પોટેશિયમ કિડનીને સારી રાખે છે. શતાવરીમાં હાજર રહેલા મિનરલ્સ પ્રતિરક્ષા તંત્રને મજબૂત બનાવે છે. જેથી તમામ રોગ સામે લડવાની ક્ષમતા મળે છે.
શતાવરીમાં ભારે માત્રામાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી તત્વ હોય છે. જેના કારણે ટાઇપ 2 ડાયાબિટીઝ અને હ્રદય સંબંધીત રોગના બચાવમાં મદદ મળે છે. શતાવરીમાં હાજર રહેલા વિટામિન બી શરીરમાં બ્લડ સુગરના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.શતાવરીનો રસ, અરડૂસીનો રસ અને સાકરને બરાબર ભેળવી ચાટવાથી ઉધરસ માં રાહત મળે છે. અથવા આ ત્રણેય વસ્તુને ભેળવી તેનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવાથી પણ ઉધરસ જડમૂળથી નાશ પામે છે.
સૂકી ઉધરસની સમસ્યા હોય તો તેના માટે પણ આ ચૂર્ણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. જો કોઈ પણ વ્યક્તિને કફની અંદર લોહી આવતું હોય તો સતાવરીનું સેવન કરવાથી ફાયદો થાઈ છે.
માઇગ્રેનમાં શતાવરીનો ઉપયોગ કરવા માટે ખાંડીને તેનો રસ કાઢી લો. હવે તેના રસ જેટલો જ તેલ મેળવીને માથા પર માલિશ કરો. જેથી માઇગ્રેનમાં ખૂબ આરામ મળશે. આ ઉપરાંત ત્રણ દિવસ સવાર-સાંજ શતાવરી ચૂર્ણ 5 ગ્રામથી 10 ગ્રામ જેટલા ઘીમાં મેળવીને ચાટવાથી તેમજ નવશેકા દૂધમાં મેળવીને પીવાથી પ્રદર રોગથી છુટકારો મળે છે. જે લોકોને ડુંગળીથી એલર્જી છે, તેમને શતાવરીના ઉપયોગથી પણ એલર્જી થઇ શકે છે. શતાવરીની અંદર રહેલા પોષક તત્વોમાં પણ કેલ્શિયમ જોવા મળે છે.
લોહીમાં કેલ્શિયમની વધુ માત્રા હાયપરક્લેસીમિયાનું કારણ બની શકે છે, જે ઉલટી, થાક તેમજ મગજમાં પ્રતિકૂળ અસરોનું કારણ બની શકે છે. કાર્બોહાઈડ્રેટનો જથ્થો શતાવરીની અંદર જોવા મળે છે અને જો શતાવરીનો વધુ પડતો વપરાશ કરવામાં આવે તો, તે સ્થૂળતાનું કારણ બની શકે છે, અને શતાવરીનું નુકસાન તમને અગવડતા લાવી શકે છે.