આયુર્વેદમાં બાળકોના રોગો માટે ઘણાં ઔષધોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી અમારા વૈદ્યોનું પ્રિય ઔષધ છે વિડંગ. આ વિડંગને આપણે ગુજરાતીમાં ‘વાવડિંગ’ કહીએ છીએ. આ ઉત્તમ કૃમિઘ્ન ઔષધ છે.
વાવડિંગની ઝાડીદાર લતાઓ ઉત્તર અને પૂર્વ બંગાળ, મધ્ય હિમાલયના પહાડી પ્રદેશોમાં તથા સિલોનથી સિંગાપુર સુધી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ લતાઓ ઉપર ફળો ગુચ્છાના રૂપમાં આવે છે. તેને જ વાવડિંગ કહે છે.
આયુર્વેદ પ્રમાણે આ વાવડિંગ સ્વાદમાં તીખા અને તૂરા, તીક્ષ્ણ, ગરમ, પચવામાં હળવા, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, આહારનું પાચન કરનાર, રુચિકર્તા, કફ અને વાયુનો નાશ કરનાર, મળને સરકાવનાર, ઉત્તમ કૃમિઘ્ન, રક્તશુદ્ધિકર અને હૃદયને બળ આપનાર છે. તે અરુચિ, અગ્નિમાંદ્ય, અજીર્ણ, કૃમિ, દમ, ઉધરસ, હૃદયરોગ, કબજિયાત, કૃમિ તથા મેદનો નાશ કરનાર છે.
બધા રોગોનું વાવડિંગ ઉત્તમ ઔષધ છે. પેટનો દુખાવો, વાયુ, અપચો, અગ્નિમાંદ્ય વગેરે વિકારોમાં નિત્ય વાવડિંગના પાંચ-છ દાણા દૂધમાં ઉકાળી ગાળીને એ દૂધ પીવડાવવાથી બાળકોના બધા વિકારો દૂર થાય છે અને બાળક સ્વસ્થ રહે છે.
ભૂખ લગાડનાર અને આહારનું પાચન કરનાર હોવાથી વાવડિંગ પાચન સંબંધી વિકારોમાં પણ લાભકારી છે. અજીર્ણ, ઝાડા, સંગ્રહણી જેવા વિકારોમાં વાવડિંગ, સૂંઠ, ધાણા, જીરું અને કડાછાલ સપ્રમાણ લઈ, ભૂક્કો કરી, બે ચમચી જેટલા આ ભૂકાનો ઉકાળો કરી સવાર-સાંજ પીવાથી ફાયદો થાય છે.
બાળકોને જો શરદી, ઉધરસ, દમ, સસણી વગેરે થયા કરતા હોય તો તેમને વાવડિંગ, અતિવિષની કળી, કાકડાશિંગી અને પીપર સરખા ભાગે લઈ ચૂર્ણ બનાવી, અડધી ચમચી જેટલું ચૂર્ણ મધ સાથે સવાર-સાંજ ચટાડવું. આ ચૂર્ણને ‘બાલચાતુર્ભદ્ર’ ચૂર્ણ કહે છે. બજારમાં તે તૈયાર પણ મળી રહે છે.
વાવડિંગ પેટનાં લગભગ બધાં જ પ્રકારના કૃમિનું અક્સીર ઔષધ છે. નાના કે મોટા બાળકોને જો પેટમાં કૃમિ હોય અથવા વારંવાર થઈ જતા હોય તો તેમને વાવડિંગનું અડધી ચમચી જેટલું ચૂર્ણ સવાર-સાંજ થોડા દિવસ આપવું. કૃમિઓ નષ્ટ થઈ જશે.
કબજિયાતમાં પણ વાવડિંગ શ્રેષ્ઠ પરિણામ આપે છે. વાવડિંગ અને અજમાનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું રોજ રાત્રે લેવાથી સવારે પેટ સાફ આવે છે અને મળશુદ્ધિ થાય છે.
રાસાયણિક દ્રષ્ટિએ વાવડિંગમાં ‘એમ્બેલિક એસિડ’ (એમ્બેલિન) ૨.૫થી ૩%, એક ઉડનશીલ અને એક સ્થિર તેલ, ટેનિન, રાળ, ‘ક્રિસ્ટેમ્બિન’ નામનું ક્ષારીય તત્ત્વ તથા ‘ર્ક્વિસટાલ’ ૧% હોય છે. આ તત્ત્વોમાંથી એમ્બેલિન એ પટ્ટીકૃમિ (ટેપવર્મ) પર વિશેષ પ્રભાવકારી છે. વાવડિંગ એકદમ નિર્દોષ ઔષધ છે. ઓછા-વધારે પ્રમાણમાં તેનાં સેવનથી નુકસાન થતું નથી. તેમજ તેનાં સેવન વખતે પથ્ય-પરેજીની પણ જરૂર પડતી નથી.