પલાળેલા કાળા ચણાના સેવનથી સ્વાસ્થ્યને અઢળક લાભ થાય છે. કારણ કે પલાળેલા કાળા ચણામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. કાળા ચણાને પલાળવાથી તેમાં રહેલું ફાઈટિક એસિડ ઘટે છે, જે કેલ્શિયમ અને ફાઈબરના શોષણમાં મદદ કરે છે. ઉપરાંત પલાળેલા કાળા ચણામાં પ્રોટીન, આયર્ન, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે, જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરે છે. વળી, શરીરમાં એનર્જી પણ રહે છે.
પલાળેલા કાળા ચણા ખાવાના ફાયદા:
વધતા વજનથી પરેશાન લોકો વજન ઘટાડવા માંગતા હોય તો પલાળેલા કાળા ચણાનું સેવન કરવું જોઈએ. કારણ કે કાળા ચણામાં ફાયબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેથી વજન ઝડપથી ઘટે છે.
પાચનમાં સુધારો કરવા માટે પલાળેલા કાળા ચણાનું સેવન અચૂક કરવું જોઈએ કારણ કે કાળા ચણામાં ફાઇબર હોય છે જેથી ચણા સરળતાથી પચી જાય છે અને પાચન તંત્ર મજબૂત બનાવે છે. સાથે જ તેના સેવનથી કબજિયાત, અપચો જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. શરીરમાં લોહીની ઉણપ હોય ત્યારે કાળા ચણાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં આયર્ન મળી આવે છે, જે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને લોહીની કમીને દૂર કરે છે.
હાર્ટને સ્વસ્થ રાખવા માટે કાળા ચણાનું સેવન દરરોજ સવારે કરવું જોઈએ કારણ કે કાળા ચણામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે હૃદયરોગના જોખમને ઘટાડે છે. જ્યારે નબળાઇ અને સુસ્તી લાગે ત્યારે કાળા ચણા ખાવા જોઈએ કારણ કે કાળા ચણામાં પ્રોટીન, આયરન જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં ઉર્જા બનાવી રાખે છે.
પલાળેલા કાળા ચણાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જેથી વાયરસ અને બેક્ટેરિયા નજીક આવતા નથી. રાત્રે પાણીમાં ચણા પલાળી રાખવા, સવારે એક મુઠ્ઠી એ ચણા ખાઈ તેના ઉપર એક ગ્લાસ દૂધ પીવું, આમ ત્રણ મહિના સુધી નિયમિત રીતે ખાવાથી શરીર ની નબળાઈ દૂર થાય છે, શરીર પુષ્ટ, કાર્યક્ષમ અને બળવાન બને છે.
શેકેલા ચણા ચાર તોલા, બાદમ બે તોલા, સાકર ત્રણ તોલા, એલચી દાણા, પીપર એક એક તોલો, પંજાબી સલામ બે તોલા, આ બધી વસ્તુ પીસી ચૂર્ણ બનાવી આ ચૂર્ણ સવાર સાંજ ગાયના દૂધ સાથે લેવાથી પણ શરીર ની નબળાઈ દૂર થાય છે.
રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર એક ગ્લાસ દૂધ પીવાથી શ્વાસનળીમાં થયેલો કફ દૂર થાય છે. રાત્રે થોડાક શેકેલા ચણા ખાઈ ઉપર પાણી પીધા વગર સુઈ જવાથી ઉધરસ મટે છે. ૬ તોલા ચણા ને અડધા શેર પાણીમાં ઉકાળી અડધું પાણી બાકી રહે એટલે ઉતારી તેમાં એક તોલો જવખાર તથા સિંધા નમક અને પીપર નાખી પીવાથી જ્ળોદરમાં ફાયદો થાય છે.