નીરવ આજે શાળાએ થી આવ્યો ત્યારથી થોડો અપસેટ લાગતો હતો. સાંજ જમવાના ટેબલ પર નીરવ ના મમ્મી મીનાબેને પૂછ્યું, “શું વાત છે બેટા . આજે તું બહુ અપસેટ લાગે છે ?” ત્યારે નિરવે તેના મમ્મી ને કહ્યું કે ‘મમ્મી, મારો મિત્ર કિશન આજે પણ હોમવર્ક કરીને લાવ્યો ન હોતો. છેલ્લા ચાર દિવસથી ટીચર એને આ બાબતે સજા કરે છે.”
એટલા માં જ નીરવ ના પપ્પા કડક અવાજે બોલી ઉઠયા “આ હાઈ સ્ટાન્ડર્ડમાં છોકરાઓ આવે ને એટલે વંઠી જતા હોય છે. નિરવ, મને તો તારો આ ફ્રેન્ડ આમેય ગમતો નથી. ખબર નહીં શેને રવાડે ચડ્યો હોય. તું એનાથી દૂર જ રહેજે.” નીરવ ના મમ્મી એ છોકરા ની બાજુ બોલતા તેમના પતિ ને કહ્યું ” તમે પણ શું ગમે તેમ બોલો છો. કંઈક કારણ હશે એનું હોમ વર્ક નહીં કરી લાવવાનું . નિરવ, કિશનને પૂછ્યું નહીં બેટા કે શું કામ એ આવું કરે છે?”
‘પૂછ્યું હતું મમ્મી. પણ મને કિશને કાઇ જવાબ નથી આપ્યો.’’ વાત આટલેથી પૂરી થઈ ગઈ. બીજા દિવસે, રવિવારે મનોજ સાથે મીના બહાર ગઈ અને રસ્તામાં જ કિશનનું ઘર આવતા એણે મનોજ ગાડી ઉભી રાખવા માટે વિનંતી કરી.
‘આપણે અહીથી નીકળ્યા છીએ તો જરા કિશન ના ઘરે જઈ આવીએ, એ છોકરો ખૂબ હોંશિયાર છે, આપણા નિરવનો સારો દોસ્ત છે. જરા મળી આવીએ.” તરત મનોજ બોલી ઉઠયા ‘‘તને પણ મીના સખ નથી.” કચવાતા મને મનોજે મીના સાથે પ્રયાણ કર્યું. ‘અરે અંકલ – આંટી તમે અહીં ?” પોતાના હાથમાંથી કામ બાજુ માં પડતું મૂકતા કિશન બોલ્યો.એના મોઢા પર ખુશી પણ હતી અને એ કઈક છુપાવતો પણ હોય એવું એના હાવ ભાવ પર સ્પષ્ટ જણાઈ આવતું હતું.
“બેટા નિરવ કહેતા હતા કે હું આજકાલ હોમવર્ક નથી કરી લાવતો, એટલે તને રોજ પનીશમેન્ટ મળે છે.’’ ઘરમાં પ્રવેશતાં જ મીનાએ સીધો સવાલ કર્યો. કિશને તરત જવાબ આપ્યો ” હા આન્ટી નીરવ ની વાત સાચી છે. પણ હું શું કરું !! મારા મમ્મી એક અઠવાડિયા થી બિમાર છે. એમનું સિલાઈનું ખૂબ કામ અટવાઈ ગયું છે.
મારી બહેન આખો દિવસ બધા ના કપડા સીવે છે અને શાળાએ થી આવી ગાજકામ અને બટન લગાવવાનું કામ હું કરું છું. આથી મને હોમવર્ક કરવાનો સમય જ નથી મળતો.” “બેટા પણ તે ટીચરને આ વાત કેમ ન કરી ?” કિશને કહ્યું “કેવી રીતે કરું ? ટીચર ના ઘરે લગ્ન છે અને તેમના તથા એમના કુટુંબીજનોના કપડાં, કામ પૂરું નહીં થાય સમજી અહીંથી બીજે લઈ જાય, બીજે સિવવા આપી દે તો પછી આ મહિનાની ફી, મમ્મી ની દવા…” અને વાક્ય પૂરું ન કર્યું.
‘પણ બેટા, નીરવ તો તારો દોસ્ત છે તેને પણ નહીં જણાવ્યું ?’ એની ચુપકીદી થી લાગ્યું કે કદાચ પોતાની મજબૂરી એને દોસ્ત પાસે ખુલ્લી કરવી નહીં હોય. કિશન ની વાત સાંભળી મનોજભાઇ ઝંખવાણા પડી ગયા.