બારેમાસ ખાઈ શકાય એવું આ ફળ વીર્ય વધારવામાં, લોહી સાફ કરવાથી લઈ ને ફેફસાં ના દરેક રોગો માં છે ઉપયોગી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પ્રાચીન સમયથી આપણા દેશમાં ખજૂર નો ઉપયોગ થાય છે. ચરકના વખતથી ખજૂર શ્રમહરે તત્વ તરીકે જાણીતી છે. ખજૂરીના ઝાડ ભારતમાં સમુદ્રકિનારા ની રેતાળ જમીનમાં પુષ્કળ થાય છે. તેને ખજૂર જેવાં ફળો આવે છે, પરંતુ તેનાં ફળોને પકવવાની પદ્ધતિ ની જાણકારીના અભાવે અથવા તો ફળોના પાક માટે પૂરતી તાપ કે વાતાવરણની પ્રતિકૂળતાને લીધે ભારતમાં તેનાં ફળો પાકતાં નથી. ભારતમાં ખજૂરના ઝાડ માત્ર ખલેલાં જેવા ફળ આપે છે. ખજૂરી ના ઝાડ ખૂબ ઊંચે વધે છે.આપણે જે ખજૂર ખાઈએ છીએ તે ખજૂર બસરા અને અરબસ્તાનથી આવે છે. અરબસ્તાન, ઇજિપ્ત અને અફઘાનિસ્તાનમાં ખજૂર પુષ્કળ પાકે છે. આરબ લોકો માત્ર ખજૂર ખાઈને જ ઘણા દિવસો પસાર કરી શકે છે. પિડખજૂર વધારે લાલ (એકદમ કાળાશ પડતી લાલ), વધારે રસદાર અને વધારે મધુર-મીઠાશવાળી હોય છે.

ખજૂર ના લક્ષણો:

ખજૂર અતિ પૌષ્ટિક, વીર્યવર્ધક અને બળવર્ધક છે. ખજૂર હૃદયને હિતકારી, શીતળ, તૃપ્તિકર અને ભારે છે. ખજૂર ‘ક્ષતક્ષયહર’ (ક્ષત અને ક્ષય અને મટાડનાર) છે. ઘા વાગવા પર ખજૂર હિતકારી છે. ધાતુપુષ્ટિ માટે એ ઉપયોગી છે. શરીરની નબળાઈ અને વજનના ઓછાપણા પર દૂધમાં ઉકાળીને ખજૂર ખાવાથી ઘણો ફાયદો થાય છે. ખજૂર ગરમ નથી પરંતુ ઠંડી છે. ખજૂર પોષક, બલ્ય અને મૂત્રલ છે. એ પુષ્ટિ આપી ધાતુનો વધારો કરે છે. કૃમિનો નાશ કરે છે. છાતીમાં ચાંદા પડ્યા હોય તો તેમાં ખજૂર અત્યંત ઉપયોગી છે. લોહી જામી ગયું હોય તો ખજૂર હિતાવહ છે. શરીરમાં દાહ થતો હોય ત્યારે ખજૂરનો પ્રયોગ પ્રશસ્ત છે. એ વાત પિત્ત ના વિકારોમાં ઉપયોગી અને તૃપ્તિ જનક છે. રક્તપિત્ત માં એ ઉપયોગી છે. ખજૂર ના ગુણ કફ નિ:સારક હોવાથી ક્ષયમાં તે ઉત્તમ કાયદો કરે છે. ખજૂર સર્વ ધાતુ ને પુષ્ટ કરનાર હોવાથી ક્ષય રોગમાં તેનો ઉપયોગ હિતકારક છે. એટલા માટે ક્ષયરોગી એ બીજી દવાઓની સાથે દસ-દસ ખજૂરની પેશી ખાવાનો પ્રયોગ કરવા જેવો છે.

ખજૂર ના આરોગ્યલક્ષી ફાયદા:

રાત્રે પલાળી રાખીને સવારે બરાબર ચોળી-મસળીને તેને પીવાથી ઝાડા સાફ આવે છે. તેના બી (ઠળિયા) તરસને રોકનાર હોવાથી કસુવાવડ વખતે સ્ત્રી ને પાણી આપવાનું ન હોય ત્યારે એક-એક ઠળિયો તેના મોં માં રાખવા અપાય છે. તેનાથી મોંમાં અમી રહે છે. ખજૂરીના ઝાડ માંથી નીકળતો રસ મધ અને પિત્ત કરનાર છે. એ વાયુ તથા કફને હરનાર, રુચિ ઉત્પન્ન કરનાર, અગ્નિ પ્રદીપ્ત કરનાર અને બળ તથા વીર્યને વધારનાર છે. ખજૂરીની તાડીમાંથી ગોળ અને ખાંડ બને છે. ખજૂર નો રસ ઠંડો અને લહેજતદાર હોય છે.તેનાં બી (ઠળિયા) બાળી તેની રાખ બનાવી કપૂર અને ઘી સાથે ખરલ કરી ખરજવા પર ચોપડાય છે. તેના ઠળિયાનું તેલ કાઢવામાં આવે છે.

તેનાં ફળ-ખજૂર કે ખારેક, ઠળિયા, તેનાં ફૂલ અને પાન ઔષધિ તરીકે વપરાય છે. એક વર્ષ સુધી એક પેસી, બેથી પાંચ વર્ષ સુધી બેથી ચાર પેશી અને પાંચથી સોળ વર્ષ સુધી પાંચથી દસ પેશી અને સોળ વર્ષ ઉપરાંત માટે પંદરથી વીસ પેશી સુધી ખજૂરની માત્રા છે. (પાચન થાય એ પ્રમાણે જ ખજૂર ખાવી જોઈએ.). ખજૂર વૃષ્ય, સ્વાદુ, શીત અને ગુરુ છે. ઉધરસ, શ્વાસ, દમ, કચ્છ, વાત પિત્ત અને દારૂથી થયેલા રોગોને મટાડનાર છે. સુલેમાની ખજૂર(સોપારી ખારેક) થાક, ભ્રાંતિ, દાહ, મૂચ્છ અને રક્તપિત્ત અને મટાડનાર છે.

ચરક અને સુશ્રુત ના મત પ્રમાણે ખજૂર મધુર, શરીરને હૃષ્ટપુષ્ટ બનાવનાર, વાજીકરણ કરનાર, પચવામાં ભારે અને શીત છે. ચરક ખજૂરને બૃહણ, વૃષ્ય અને શ્રમ હર ગણે છે. આયુર્વેદ ખજૂરને મધુર, વૃંહણ, તર્પણ, ગુરુ અને શુક્રવર્ધક ગણે છે. આમ, ખજૂરમાં ઘણા ઉત્તમ પોષક તત્વો છે. ખજૂર પાંચ તોલા, જીરું એક તોલો, સિંધવ એક તોલો, મરી એક તોલો, સૂંઠ એક તોલો, પીપરીમૂળ અર્ધો તોલો અને લીંબુનો રસ (સાઇટ્રિક ઍસિડ) એક આની ભાર એ સર્વે બારીક વાટી ચાટણ બનાવી ચાટવાથી વાયુ બેસી જાય છે. (આ ચટણ ધણું જ સ્વાદિષ્ટ અને પાચક છે.) ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ તેમાંથી બે-ત્રણ તોલા જેટલું ચાટણ લઈ ચાટવાથી ક્ષય, ક્ષયની ખાંસી, શ્વાસ અને સ્વરભેદમાં સારો ફાયદો થાય છે. બાળકોને માટે પણ આ ચાટણ સ્વાદિષ્ટ હોઈ રુચિકારક અને બળપ્રદ છે.

દરરોજ થોડી ખજુર ખાધા બાદ ઉપર ચાર-પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રૂપમાં બહાર નીકળે છે, ફેફસાં સાફ થાય છે. સળેખમ, શરદી, ખાંસી અને દમ મટે છે તેમજ લોહીની શુદ્ધિ થાય છે. ખજૂર, આમળાં, પીપર, શિલાજીત, નાની એલચીના દાણા, જેઠીમધનું સત્વ, પાષાણ ભેદ, સફેદ ચંદન, કાકડીનાં બીના મગજ અને ધાણા એ દસ ઔષધિઓ સરખે ભાગે લઈ, તેમાં બરાબર સાકર મેળવી. પહેલા ખજૂર અને શિલાજીત સિવાયની ચીજોનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. ખજૂરને જુદી ખાંડી તેની સાથે સાકર, ચૂર્ણ અને શિલાજિત મેળવી એકત્ર કરવું. રોજ સવારે અર્ધો તોલો આ ચૂર્ણ ગાયના દૂધ સાથે સેવન કરવાથી પ્રમેહ અને સ્વપ્નદોષ મટે છે.(બળ અને વીર્ય તેમજ ઓજસ વધારવામાં આ પ્રયોગ અદ્રિતીય છે.)

દરરોજ વીસ-પચીસ ખજૂર ખાઈ ઉપર એક પ્યાલો ગરમ દૂધ પીવાથી થોડા દિવસમાં જ શરીરમાં સ્ફૂર્તિ આવે છે, બળ વધે છે, નવું લોહી પેદા થાય છે અને ક્ષીણ થયેલું વીર્ય વધવા માંડે છે. પાંચ પેશી ખજૂરના ઠળિયા કાઢી નાખી ભેંસના ઘીમાં પાંચ મિનિટ સુધી સાંતળીને તમે બપોર ભાત સાથે મેળવી ખાઈને અર્ધો કલાક ઊંઘ લેવાથી સુકલકડી દૂબળા માણસનાં વજન અને શક્તિ વધે છે. શિયાળાની ઋતુમાં સવારે ખજૂર ઘીમાં સાંતળી ખાઈ તેના પર એલચી, સાકર તથા કૌચા નાખી ઉકાળેલું દૂધ પીવાથી ઉત્તમ ધાતુપુષ્ટિ થાય છે.

સારી ખારેકના લઈ ઠળિયા કાઢી નાખી, તેને સાધારણ ખાંડી તેમાં બદામ, બલદાણા, પિસ્તા, ચારોળી, સાકર ની ભૂકી વગેરે મેળવી તેને આઠ દિવસ સુધી ઘીમાં પલાળી રાખવું અને આથો લાવવો. આથો ચડ્યા પછી તેમાંથી બબ્બે તોલા જેટલું દરરોજ ખાવાથી ધાતુપુષ્ટિ થાય છે અને પિત્તનું શમન થાય છે. ખજૂરની એક પેશીને એક તોલા ચોખાનું ઓસામણ સાથે મેળવી ખૂબ વાટી થોડું પાણી મેળવી પ્રવાહી બનાવી નાના બાળકને બે-ત્રણ વખત આપવાથી નબળાં, કંતાઈ ગયેલાં શરીરવાળા બાળકો હૃષ્ટપુષ્ટ-ભરાવદાર થાય છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top