પહેલા થોડુંક આપણાં શરીર વિષે જાણીએ
કફથી તમોગુણ વાયુથી રજોગુણ અને પિત્તથી સત્વગુણ પેદા થાય છે. સર્વો માં પ્રકૃતિ જ સર્વશ્રેષ્ઠ છે.માણસના શરીરની ધાતુઓ સમ બને તો સમપ્રકૃતિ થાય અને સમપ્રકૃતિ વાળો મનુષ્ય ચોરી ન કરે, દ્વેષ ન કરે, ક્રોધ ન કરે, જૂઠું ન બોલે, અભિમાન ન કરે, અર્થાત દેવી ગુણવાળો થાય. ધાતુ ની સમતા એ આરોગ્ય, ધાતુની વિષમતા એ રોગ વાત, પિત અને કફનું સરખાપણું એ આરોગ્ય છે તેમ જ વાત, પિત અને કફનું વૈસમ્ય એ જ રોગ છે. વાત, પિત, કફ જ તમામ રોગોની ઉત્પત્તિના કારણરૂપ છે.
શરીરને નિરોગી રાખવું કે રોગી બનાવવું એ મનુષ્યના પોતાના જ હાથની વાત છે. મનુષ્ય ધારે તો શરીરને નિરોગી બનાવી શકે.જો ધાતુની સમતા, સમપ્રકૃતિ અથવા કફ ની સમાનતા સાચવતા આવડે તો શરીરને નિરોગી રાખવું એ કંઈ અઘરી વાત નથી. વાયુ (વાત) શીત, હલકો, સુક્ષ્મ અને કોરો છે. આ ગુણોથી વિરોધી ગુણો જે આહાર કે દ્રવ્યમાં હોય તે બગડેલા વાયુનું શમન કરે છે. જેમકે દિવેલ, તેલ, લસણ.
પીત ચીકણું, ગરમ, તીક્ષ્ણ, પ્રવાહી, ખાટુ અને તીખું છે. આ ગુણોથી વિરોધી ગુણો જે આહાર કે દ્રવ્યમા હોય તે બગડેલા પિત્તનું શમન કરે છે. જેમ કે ગાયનું ઘી, કફ ભારે, ઠંડો, મૃદુ, સ્નિગ્ધ ,મધુર, સ્થિર અને ચીકણો છે.આ ગુણો થી વિરોધી ગુણો જે આહાર કે દ્રવ્યમા હોય તે બગડેલા કફનું શમન કરે છે. જેમકે સૂંઠ. વાયુનો દોષ વધે તો ગળ્યો, ખાટા અને ખારા રસવાળો આહાર લેવો. પિતનો દોષ વધે તો કડવા, તૂરા અને ગળ્યા રસ વાળો આહાર. કફ નો દોષ વધે તો તૂરા તીખા અને કડવા રસવાળો આહાર લેવો.
વિરુદ્ધ આહાર રોગ કરે છે
એક સાથે એક જ સમય પરસ્પર વિરુદ્ધ ગુણવાળો આહાર લેવો એ વિરુદ્ધ આહાર છે.પાચનમાં એકઠા થઈને રોગો કરનારા એકથી વધુ દ્રવ્યોને વિરુદ્ધ આહાર કહે છે. વિરુદ્ધ આહારથી રોગો થાય છે. વિરુદ્ધ આહાર વિષ ની માફક અહિતકર સમજવો.વિરુદ્ધ આહાર જઠરાગ્નિ પ્રદીપ્ત હોય તેને, શિયાળાની ઠંડી ઋતુમાં કે ઠંડા પ્રદેશમાં રહેનારને, મહેનત કરનાર ને, વિરુદ્ધ આહારથી ટેવાયેલા ને ઓછો નડે છે. છતાં વિરુદ્ધ આહાર લેવો હિતકારક તો નથી જ. જવર, સોજા, રક્તપિત, પાંડુ, લોહીવિકાર, દાહરોગીએ દહીં ખાવું નહીં.રાત્રે દહીં ખાવું નહીં, ગરમ કરીને ખાવું નહિ, વધુ પ્રમાણમાં ખાવુ નહી.
કોની સાથે શું ન લેવાય?
દૂધ સાથે: લસણ, ડુંગળી, મૂળા, દહીં, છાશ, કઢી, ઢોકળા, અથાણાં, ગાજર, લીંબુ, પપૈયા વગેરે ના ખવાય.
દહીં સાથે: ગોળ, દૂધ, મૂળા અને કેળા વિરુદ્ધ છે. ગોળ સાથે: મૂળા, તેલ, લસણ, અડદ, અને દહીં વિરુદ્ધ છે. ઘી અને મધ સરખે ભાગે ન લેવાય.ઘી અને મધ સાથે લેવાનું હોય તો વિષમ ભાગે જ લેવું કાંતો ઘી બમણું લેવું અથવા મધ બમણું લેવું.
વિરુદ્ધાર્થી શું થાય?
જવર, ગાંડપણ, સળેખમ, ભગંદર, સોજા, રક્તપિત્ત, ઉદરરોગ અને ગળાના રોગો થાય છે. તેમજ વિરુદ્ધ આહારથી કોઢ, ખસ, ખુજલી, કરોળિયા અને ગુમડા ઇત્યાદિ ચામડીના રોગો થાય છે.
આહાર અંગે માર્ગદર્શન
સમતોલ અને પોષક આહાર ના મુખ્ય ઘટકો માં પ્રોટીન, સ્ટાર્ચ, ચરબી, વિટામિન્સ અને પાણી નો સમાવેશ થાય છે. પોતાની જરૂરિયાત કરતા 10 ટકા ઓછો આહાર લેવો જોઈએ. પૂરતા પ્રમાણમાં સ્વચ્છ તાજુ પાણી, છાશ કે દૂધ પણ પીવા ઘટે. દરેક ઋતુની આબોહવા અલગ-અલગ હોવાથી શરીર પર તેની જુદી જુદી અસર થાય છે. તેની ઋતુ પ્રમાણે આહારમાં પણ જરૂરી ફેરફાર કરવો જોઈએ. તેમ કરવાથી ઋતુ ની ઠંડી, ગરમી કે અન્ય અસરો સહન કરવાનું અને તેનો પ્રતિકાર કરવાની શરીરની તાકાત જળવાઈ રહેશે.
શિયાળા ની ઋતુ માં જઠરાગ્નિ પ્રદીપ્ત હોય છે. તેથી આહારમાં મધુર અને સ્નિગ્ધ પદાર્થો લેવા જોઈએ. સામાન્યતઃ ઘી, ગોળ, તલ, મગફળી, શીરો, સુખડી, આમળા, બોર, શેરડી, ગાજર, ટામેટા, રીંગણ, અડદિયો ઇત્યાદિ ખાવા જોઈએ. ઉનાળામાં ગરમી અને તાપ વધુ પડે છે અને શરીરમાં સંચિત થયેલો કફ પીગળવા માંડે છે. મેથી ફાગણ માસની શરૂઆતથી ધાણા,ચણા, સુકી રોટલી કે રોટલા જેવો રૂક્ષ ખોરાક લેવો જોઈએ.
ચોમાસામાં વરસાદને લીધે શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે. વરસાદના પાણીમાં ખનિજદ્રવ્યો ઓગળેલા હોવાથી તેમજ હવામાં ભેજ હોવાથી જઠરાગ્નિ મંદ પડી જાય છે. તેનાથી બચવા શક્ય હોય તો ચોમાસાના ચાર મહિના દિવસમાં એક જ વાર જમવું જોઈએ અને સાદો ખોરાક લેવો જોઈએ.