Site icon Ayurvedam

જાણો ગરમીમાં શીતળતા આપતી કાકડી આ રીતે છે અનેક રોગો માં ઉપયોગી..

કાકડી ગરમી ની ઋતુ નો પાક છે. ભારતમાં એ સર્વત્ર થાય છે. કાકડી રેતાળથી માંડી ભારે ચીકણી જમીનમાં ઉગાડી શકાય છે. જોકે સારા નિતારવાળી નદીકાંઠાની જમીનમાં કાકડીનો મબલક પાક લઈ શકાય છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય અને તડકો સારા પ્રમાણમાં હોય ત્યાં કાકડીનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. ખામણાં કરી બી વાવી કાકડીનું વાવેતર કરાય છે. તેના વેલા થાય છે. તેનાં ફળ પણ કાકડી ના નામે ઓળખાય છે. કાકડી એક વેંત થી એક હાથ લાંબી અને ગોળ થાય છે. જાન્યુઆરીના અંતથી માર્ચ સુધીમાં કાકડી રોપી શકાય છે. કાકડી તૈયાર થતાં જ ઉતારી લેવી જોઈએ, કારણ કે વધુ મોટી અને પાકેલી કાકડી ની કીમત બજારમાં ઘટી જાય છે.

કાકડી માં સાદી, સાતપણી, તર કાકડી અને નારંગી કાકડી એવી ઘણી જાતો થાય છે. પ્રાચીનકાળથી કાકડીનો ખાવામાં તથા શાક બનાવવામાં ઉપયોગ થાય છે. કુમળી કાકડીને છોલી ઊભી ચીરી તેમાં મરીની ભૂકી અને મીઠું નાખીને ખાવાથી મીઠી લાગે છે. શાક ઉપરાંત કચુંબર, રાયતું અને વડી બનાવવામાં કાકડીનો ઉપયોગ થાય છે. તેનાં બીનો ગર્ભ (મગજ) ઔષધ તરીકે વપરાય છે. માનસિક રોગોમાં પણ કાકડીનાં બીનો ઉપયોગ કરાય છે. ઘઉં, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ વગેરે માંસલ અને ભારે ખોરાક ખાવાથી થનાર અપચા પર કાકડી ભોજન સાથે કે ભોજન બાદ કચુંબર રૂપે લેવાય છે.

કાકડી ના ફાયદા:

અપચાને કારણે ઉલટી થતી હોય તો કાકડીના બી મગજ મઠામાં પીસીને અપાય તે પિત્ત, દાહ, તરસ, મૂત્રકૃચ્છ, પથરી વગેરે રોગો પર પણ ઉપયોગી છે, કાકડીના રસ પાંચ તોલા સુધી અને તેના બીનો ગર્ભ (મગજ) એક તોલા સુધીની માત્રામાં લેવાય છે. કાચી કાકડી ઝાડાને રોકનાર, મધુર, ભારે, રુચિ કરનાર અને પિત્તને હરનાર છે. પાકી કાકડી તરસ, અગ્નિ તથા પિત્ત કરનાર છે. કાકડીનાં મૂળ ગ્રાહી તથા શીતળ છે.

કાકડીના નાના-નાના કકડા કરી તેની ઉપર ખાંડ ભભરાવીને આપવાથી ગરમીનો દાહ (બળતરા ) મટે છે. કાકડી ઉપર ખડી સાકરની ભૂકી નાખી સાત દિવસ આપવાથી ગરમી મળે છે. કાકડીના બી એક તોલો અને ધોળા કમળની કળીઓ એક તોલો લઈ, તેને વાટી, તેમાં જીરું અને સાકર મેળવીને એક અઠવાડિયું આપવાથી સ્ત્રીઓનો શ્વેતપ્રદર મટે છે. કાકડી અને લીંબુના રસમાં થોડું જીરું તથા સાકર નાખીને આપવાથી પેશાબની બળતરા મટે છે.

અડધો શેર દૂધ અને અડધો શેર પાણી એકત્ર કરી, તેના કાકડીનાં બી પા તોલો અને સૂરોખાર દોઢ માસો મેળવીને પીવાથી પેશાબ નો રેચ લાગે છે અને મૂત્રાશયની ગરમી, પ્રમેહ વગેરે વિકાર દૂર થાય છે.( આ પીણું ઊભાં ઊભાં પીવું અને ફરતા રહેવું.) કાકડીના બી, જીરું અને સાકર વાટી, પાણીમાં મેળવીને પીવાથી મૂત્ર ઘાત મટે છે. કાકડી ના બી નો મગજ, જેઠીમધ અને દારૂ હળદરનું ચૂર્ણ ચોખાના ઓસામણમાં પીવાથી મૂત્રકૃચ્છું અને મૂત્રાઘાત મટે છે. જો કાકડીને છાલ સહીત ખાવામાં આવે તો તેનાથી હાડકાઓ ને ફાયદો મળે છે. કાકડીની છાલમાં ખુબ જ માત્રામાં સિલિકા હોઈ છે, જે હાડકા ને મજબૂતી આપે છે. સાથે જ તેમાં રહેલા કેલ્શિયમ પણ હાડકાના સ્વાસ્થ્ય માટે ઘણો જ ઉપયોગી સાબિત થાય છે.

કાકડી નો રસ અને ડુંગળીનો રસ પીવાથી દારૂનો નશો ઊતરી જાય છે. વર્ષા અને શરદ ઋતુઓ કાકડી ખાવા માટે યોગ્ય ગણાતી નથી. એ ઋતુઓમાં વધારે પ્રમાણમાં કાકડી ખાવાથી પીડાકારક  બને છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે કાકડી શીતલ, પાચક અને મૂત્રલ છે. તેના બી શીતલ, મૂત્રલ અને બલ્ય (બળકાર) છે. અનેનાસ અને પપૈયા ની માફક કાકડી પ્રત્યક્ષ પાચક છે.કાકડી ત્વચા માટે પણ ખૂબ ઉપયોગી છે.

Exit mobile version