વડનાં બધાં અંગો ઔષધરૂપે વપરાય છે. વડ શીતળ, ભારે, ગ્રાહી, મળને બાંધનાર, વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ, પિત, યોનિ રોગોનો નાશ કરે છે. વડની છાલ, પાન, વડવાઈ, ટેટા, દુધ અને પાનના અંકુર ઔષધમાં ઉપયોગી થાય છે. વડનું દૂધ પીડા મટાડનાર છે અને ઘા રૂઝવનાર છે.
તો આજે અમે તમને જણાવીશું વડથી આપણા શરીરને થતાં ફાયદાઓ વિશે. વડના કોમળ પાન કફનાશક અને છાલ મળને રોકનાર છે. અતિસાર-પાતળા ઝાડામાં વડની કોમળ વડવાઈઓ ચોખાના ઓસામણમાં સારી રીતે વાટીને સાકર નાખી બે ત્રણ ચમચીની માત્રામાં સવારે, બપોરે અને રાત્રે લેવાથી અતિસાર મટી જાય છે. મળ સાથે ઝાડમાં લોહી પડતું હોય રક્તાતિસાર મટી જાય છે. મૂત્રમાર્ગના રકતસ્ત્રાવ માં પણ આ ઉપચાર સારું પરિણામ આપે છે.
વડનાં પાકાં લાલ ફળ(ટેટાં) બીજ સહિત ખાવાથી સારી શક્તિ મળે છે. હાડકું વધતું હોય, રસોળી વધી હોય તો વડનું દુધ, કઠ (ઉપલેટ) અને સિંધવ લગાવી ઉપર વડની છાલ મુકી પાટો બાંધવો. ૧૦ થી ૧૫ દિવસમાં વધેલું હાડકું બેસી જશે. વડની કોમળ વડવાઈ, નવા અંકુર અને મસૂરની દાળને દુધમાં ખૂબ વાટીને લગાવવાથી મોં પરના કાળા ડાઘ મટે છે.
વડની વડવાઈ રોજ ગાયના દૂધમાં મિક્સ કરીને પીવાથી સ્ત્રીને ગર્ભસ્થાપન થાય છે. વડની વડવાઈ ઉત્તમ ગર્ભસ્થાપન છે. વારંવાર કસુવાવડ થતી હોય, ગર્ભ સૂકાઈ જતો હોય તેમણે આ ઉપચાર કરવો. સડેલા દાંતોમાં વડનુ દુધ મુકવાથી સખત થતો દુખાવો પણ શાંત થાય છે. કમરના અને ઘૂંટણના દુખાવા પર વડનું દૂધ લગાવવાથી ખૂબ રાહત થાય છે.
વડના પાનનો રસ કાઢી પાણીમાં ભેળવીને પીવાથી ઉલટી મટે છે. ઉલ્ટીમાં લોહી પડતું હોય તો તે પણ આ પ્રયોગ થી મટે છે. વધુ પડતા ઝાડા થતા હોય, મરડો મટતો જ ન હોય તો વડની છાલનો ઉકાળો પીવો. વડનાં મૂળની છાલનો ઉકાળો પીવાથી પેશાબનું પ્રમાણ ઘટે છે. એટલે એ બહુમૂત્રમાં વપરાય છે.
મધુમેહના દર્દીને વડનાં પાકેલાં ફળ ખાવા અપાય છે એ સારો લાભ કરે છે. તેના દૂધના ટીપાં પતાસાં ઉપર લઈ ખાવાથી સ્વપ્નદોષ, ધાતુનું પાતળાપણું મટી જાય છે. દાંત સડે અને દુખે ત્યાં એ દૂધનું પૂમડું ભરી રાખવાથી દર્દ મટે છે. હાથપગમાં ચીરા પડ્યાં હોય ત્યાં એનું દૂધ લગાડતાં ઘણી રાહત થાય છે.
વડ પિત્ત, દાહ, તરસ, જવર, શ્વાસ તથા ઉલટીનો નાશ કરનાર છે. વટપત્રી યોનિરોગ તથા મૂત્રદોષનો નાશ કરે છે. વડના ફળો ગ્રાહી ગુણ ધરાવે છે. તે કફ, પિત્ત તથા વાયુનો નાશ કરે છે. તે ઠંડા છે. વડનાં પાન પેટ પર બાંધવાથી ફાયદો થાય છે. વડની છાલ ઉકાળી તે પાણીથી ગૂમડાં ધોવાથી ગુમડા મટે છે. વડનું દૂધ પીવાથી બાદી દૂર થાય છે. સોજા ઉતારે છે તથા વીર્યબળ વધે છે.
વડની છાલ, પીપળી, આંબળાં, બોરડીની છાલ, જેઠીમધ, ચારોળી, લોધર, ઉંબરાની છાલ, પીપળાની છાલ, અખરોટના વૃક્ષની છાલ, ટેટીની છાલ, આંબાની છાલ, મોટી હરડે, અર્જુનની છાલ, ભીલામો આ બધી વસ્તુ દસ દસ ગ્રામ લઈ તેનો ઉકાળો બનાવવો. જે સ્ત્રીઓની યોનિ કે મૂત્રમાર્ગમાં કંઈ રોગ હોય અથવા કોઈ જખમ અથવા હાડકું ભાંગી ગયું હોય, દાહ બળતી હોય અથવા પ્રમેહની તકલીફ હોય તેઓને આ ઉકાળો આપવાથી ફાયદો થાય છે.
વડની વડવાઈ, પીપળાની વડવાઈ, ઉંબરાની અંતર છાલ, ગોટલી પરની અંતર છાલ, સરસડીનું મૂળ તથા ખાખરાનું મૂળ, દરેક વસ્તુ ૨૦-૨૦ ગ્રામ લઈ તેના ગોળ તથા મધમાં લાડુ બનાવવા. આ લાડુ સવાર-સાંજ ખાઈ પછીથી દૂધ પીવાથી ક્ષય રોગ તથા જીર્ણ જવર, સંગ્રહણી, અર્શ, પાંડુરોગ તથા ભસ્મક વાયુ વગેરે રોગોનો નાશ થાય છે. તે બળ બુદ્ધિ વધારે છે, ક્રાંતિમાં પણ વધારો કરી મનને સ્થિત કરે છે.
વડની વડવાઈ લઈ તેમાં થોડી સાકર ભેળવી પાણી સાથે લેવાથી આઘાતના તમામ જાતના રોગમાં ફાયદો થાય છે. વડવાઈનો રસ પીવાથી જવર માં દાહ હોય તે પણ મટે છે. વડનું દૂધ, ખાંડની સાથે મેળવીને પીવાથી બવાસીરમાં લાભ થાય છે. વડ હરસના રોગને મટાડે છે.
વડના તાજા કોમળ પાનનો પાવડર બનાવીને ખાવાથી માનસિક ક્ષમતા મજબૂત થાય છે. વડના પાનને પાણીમાં વાટીને તેનો રસ કાઢીને વાળમાં લગાવવાથી ખરેલા વાળ પાછા આવી શકે છે. વાળને મુલાયમ બનાવવા હોય તો આ રસમાં દહી મિક્સ કરીને વાળમાં લગાવો.