ઇંદ્રજવનો છોડ ડાંગરના ખેતરમાં થાય છે. એનું કદ ડાંગરના છોડ જેવડું હોય પણ પાન એનાં કરતાં પાતળાં તથા વધારે કુમળાં હોય છે. તેના પાન ઘેરા રંગના હોય છે. પાન મથાળે વાંકા હોય છે. એનાં ફળ શીંગમાં હોય છે. ઇંદ્રજવના દાણા પડમાં ઉપરથી ઘેરા લીલા તથા અંદરથી સહેદ પીળાશ પડતા રંગનાં કાંટા જેવા હોય છે.
ઇંદ્રજવના દાણા કડવા હોય છે. તેનું ફૂલ નાનું હોય છે. એની બે જાત હોય છે. એક કડવી અને બીજી મીઠી હોય છે, કડવી જાતનું ફૂલ સહેજ નાનું અને સફેદ જેવું તથા મીઠી જાતનું ફૂલ મોટું આસમાની રંગનું હોય છે. તો ચાલો હવે આપણે જાણીએ ઇંદ્રજવના ફાયદાઓ વિશે : ઇંદ્રજવ ગુણમાં ઉષ્ણ, અગ્નિદીપક, પાચક, અને રુક્ષ હોય છે. કાળી ઇંદ્રજવ કૃમિખ, શોધક અને પિત્તનાશક હોય છે.
ઇંદ્રજવના મૂળની છાલ સાથે ગળો હોય છે તે તાવ માં વપરાય છે. તેના ફળોનો રસ પીવાથી પાંસળીનો દુખાવો દૂર થાય છે તેમજ દમ, ખાંસી, હૃદયના ધબકારાના રોગોમાં વપરાય છે. ઇંદ્રજવ પથરીમાં પણ ઉપયોગી છે. ઇંદ્રજવના છાશમાં વાટી બળતા હરસ ઉપર બાંધવાથી પીડા બંધ કરી બળતરા રોકે છે. એ ઝાડા બંધ કરી ખોરાકને પચાવવામાં મદદ કરે છે.
ઈંદ્રજવનું ચૂર્ણ ગરમ પાણીમાં કૃમિ મટાડવા માટે ઉપયોગી છે. ઇંદ્રજવના છોડની છાલ નું બારીક ચૂર્ણ કરી કાનમાં નાખવાથી કાનમાં થતું પરું અટકે છે. એનાં પાન નો લેપ ગૂમડાં રૂઝવે છે. ઇંદ્રજવ, ધાણા, મોથ, કાળીપાટ અને પટોળ એ બધુ દસ ગ્રામ લઈ તેનાઉકાળો બનાવી પીવાથી બધા પ્રકારના અતિસારમાં ઉત્તમ અસર કરે છે.
ઇંદ્રજવ, વાવડીંગ એ બંને ૨૦ ગ્રામ, સિંધાલૂણ અને કાચકા એ બંને ૧૦ ગ્રામ, જાવંત્રી ૧૦ ગ્રામ કેરીની શેકેલી ગોટલી ૭ ગ્રામ લઈ બધાને વાટી બારીક ચૂર્ણ બનાવી તેની મધ સાકરમાં ગોળી બનાવવી. આની એકથી બે ગોળી વરિયાળીની ચા માં ભેળવીને મરડો તથા ઝાડા બંધ કરવામાં અપાય છે.
ઇંદ્રજવ, નાગરમોથ, સૂંઠ, ધાવડીના ફૂલ, લોધર, વાળો, બીલા ફળ, મોચરસ, પહાડમૂળ, કડાછાલ, આંબાની ગોટલી, અતિવિષ એ દરેક દસ ગ્રામ લઈ બધાને વાટી જીણું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ પાતળો ઝાડો, સંગ્રહણી, અતિસાર વગેરેમાં વપરાય છે. એનાં શેકેલાં ચૂર્ણને મધ, સાકર અને ઘી સાથે એક અઠવાડિયા સુધી લેવાથી નળ ફૂલી ગયા હોય તો તે મટાડે છે.
ઇંદ્રજવ ૨૦ ગ્રામ, પીપરીમૂળ, પીપર અને અજમો એ દરેક ૧૦ ગ્રામ, ભોયરીંગણી અને કપૂર કાચલી એ દરેક ૭ ગ્રામ લઈ બધાનું જીણું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ તાવની ઊલટી તથા અજીર્ણમાં આપવામાં આવે છે. ઉપરાંત પેટમાં ચૂંક આવતી હોય તેમાં પણ અપાય છે.
ઇંદ્રજવ, બીલાં, શાહજીરું, અતિવિષ, નાગરમોથ, કરિયાતું અને દાડમની છાલ એ બધુ ૨૦ ગ્રામ, લોધર અને પહાડમૂળ એ બંને ૧૦ ગ્રામ, ત્રિકટુ, દારૂહળદર અને ધાવડીનાં ફૂલ ૧૦ ગ્રામ, જાંબુડાની છાલ ૧૦ ગ્રામ આ બધા નું ચૂર્ણ બનાવી લેવું આ ચૂર્ણથી કૃમિ તથા મરડાના રોગોમાં ફાયદો થાય છે.
ઇંદ્રજવની છાલ 10 ગ્રામ પીસી લો. તેમાં 2 ચમચી મધ અથવા ખાંડ મિક્ષ કરીને લેવાથી બાવાસીરમાં રાહત મળે છે. દહીંમાં 5 ગ્રામ ઇંદ્રજવના મૂળની છાલને પીસી લો. દિવસમાં બે વાર આ દહી ખાવાથી પથરી તૂટી જાય છે. 20-30 મિલી ઇંદ્રજવ ની છાલ ના ઉકાળામાં કઠ, વાવડિંગ, લીમડાના છાલ, નાગરમોથા, સૂંઠ, અને પીપળી ની પેસ્ટ બનાવો. આના સેવનથી ત્વચાના તમામ પ્રકારના રોગોમાં ફાયદો થાય છે.
ઇંદ્રજવ, રોહિણી, બેહેદા, કઠ અને કપીલાના ફૂલો સરખા ભાગે લઈ પાવડર બનાવો. તેનો 2-5 ગ્રામ પાવડર બે ચમચી મધ સાથે મેળવી સેવન કરવાથી કફ અને પિત્ત નો નાશ થાય છે. 10 ગ્રામ ઇંદ્રજવ ની છાલ પાણીમાં પીસી લો. તેને દિવસમાં ત્રણ વખત આ પાણી પીવાથી રક્તપિત્તમાં ફાયદો થાય છે.