આપણાં ગરમ મસાલાનાં લગભગ બધાં જ દ્રવ્યો સુગંધીદાર છે. જેમાં ‘જાયફળ’નો પણ સમાવેશ થાય છે. જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં આપણે તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. ઘરગથ્થુ ઔષધ ઉપરાંત બાળકોને આપવાના ઘસારા તરીકે પણ જાયફળ વર્ષોથી ઉપયોગી છે. સુગંધની જેમ જાયફળના ઔષધીય ગુણો પણ ઘણા વિશિષ્ટ છે.
જાયફળ કડવું, તીક્ષ્ણ, ઉષ્ણ, ભોજન પર રુચી ઉત્પન્ન કરનાર, મળને રોકનાર-ગ્રાહી, સ્વર માટે હીતકારી તેમ જ કફ અને વાયુનો નાશ કરનાર છે. એ મોઢાનું બેસ્વાદપણું, મળની દુર્ગંધ, કૃમી, ઉધરસ, ઉલટી-ઉબકા, શ્વાસ-દમ, શોષ, સળેખમ અને હૃદયનાં દર્દો મટાડે છે. જાયફળ ઉંઘ લાવનાર, વીર્યના શીઘ્ર સ્ખલનને મટાડનાર તથા મૈથુનશક્તી વધારનાર છે.
જાયફલ સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. થોડું જાયફળ પાઉડર પાણી કે મધની સાથે મેળવીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે તો થોડા દિવસોમાં કરચલીઓ દૂર થવા લાગે છે. પેટમાં ગૅસ ભરાય, ઝાડો થાય નહીં ત્યારે લીંબુના રસમાં થોડું જાયફળ ઘસી, એક ચમચી પાણી ઉમેરી પીવાથી ગૅસ છુટે છે તથા ઝાડો થાય છે. તેમજ હરસ-મસા માં પણ ફાયદાકારક બને છે આ રીતે જાયફળ નું સેવન.
રાત્રે બરાબર ઉંઘ ન આવતી હોય તેમના માટે પણ જાયફળનો એક ઉપચાર છે. શેકેલા જાયફળનું ચૂર્ણ ૧૦ ગ્રામ, અશ્વગંધાનું ચૂર્ણ ૫૦ ગ્રામ, ગંઠોડાનું ચૂર્ણ ૩૦ ગ્રામ, જટામાસીનું ચૂર્ણ ૧૫ ગ્રામ અને સર્પગંધાનું ચૂર્ણ એક ગ્રામ લઈ, બરાબર મિશ્ર કરી લેવાં. આ મિશ્રણના દસ સરખા ભાગ કરી રોજ રાત્રે એક ભાગ ચૂર્ણ મધ અથવા ઘીમાં મેળવીને ચાટી જવું. ઉપર ભેંસનું દૂધ પીવું. દસ દિવસના ઉપચારથી અનિદ્રાની તકલીફમાં ઘણો ફાયદો થાય છે.
જાયફળને પાણીમાં ઉકાળીને તે પાણીના કોગળા કરવામાં આવે તો મુખના છાલા ઝડપથી દૂર થઈ જાય છે. ઘણીવાર શરીરમાં એસિડની માત્રામાં નોંધપાત્ર વધારો થાય છે. જેના લીધે છાતીમાં બળતરા થાય છે એટલે કે એસિડિટીની સમસ્યા થાય છે. આ માટે તમે જાયફળ, સૂંઠ અને જીરાને પીસીને તેનું ચૂરણ તૈયાર કરો. હવે ભોજન પછી આ ચૂર્ણને પાણી સાથે લો. તે તમારા પેટમાં ગેસ અને છાતીના બળતરાની સમસ્યાઓ દૂર કરશે.
દાંતના દર્દમાં જાયફળના તેલમાં રૂનું પૂમડું પલાળી તેને દર્દવાળા ભાગ કે દાંત ઉપર કે દાઢમાં રાખો. દર્દ તરત જ દૂર થઈ જશે. દાંતમાં કીડા લાગે તો પણ તે તરત જ મરી જાય છે.
કફ માં ખૂબ અસરકારક:
જાયફળ ગરમ અને તીક્ષ્ણ હોવાથી ઉત્તમ કફનાશક ઔષધ છે. જેમને જૂની શરદી અથવા કફની તકલીફ રહેતી હોય, અવારનવાર શ્વાસ ચડતો હોય તેમણે જાયફળને જરાક શેકીને તેનું ચૂર્ણ બનાવી લેવું. રોજ સવારે, બપોરે અને રાત્રે આશરે એક ચપટી જેટલું ચૂર્ણ મધમાં મેળવીને ચાટી જવું. એકાદ મહિનો આ પ્રમાણે ઉપચાર કરવાથી કફની બધી જ તકલીફોમાં ઘણો લાભ થાય છે.
સંધિવાની તકલીફ હોય તો જાયફળનું તેલ કાઢી લો અને રોગગ્રસ્ત અંગો પર મસાજ કરો. આ ઉપરાંત, જાયફળનો ઉકાળો બનાવી અને તેમાં લવિંગ ભેળવીને પીવાથી આ સમસ્યાને મૂળમાંથી દૂર કરે છે.
ઝાડા સાથે પેટના દુખાવામાં જાયફળ, લવીંગ, જીરુ, અને શુદ્ધ ટંકણના સમભાગે ચુર્ણમાંથી એકથી દોઢ ગ્રામ મધ-સાકર સાથે સવાર-સાંજ લેવું. પથ્ય ખોરાક લેવો. ગર્ભીણી અને રક્તસ્રાવજન્ય રોગવાળાએ લેવું નહીં.
માતાનું દૂધ પીનાર બાળકને દૂધ છોડાવીને ઉપરનું દૂધ પીવડાવતા પચતું ન હોય તો દૂધમાં અડધી ચમચી પાણી મેળવીને, તેમાં એક જાયફળને ઉકાળો. આ દૂધને થોડું ઠંડું કરીને નવશેકા દૂધને ચમચીથી બાળકોને પીવડાવો, આવું દૂધ શિશુની પાચનશક્તિને સારી કરી દે છે.
મોં બેસ્વાદ થઈ ગયું હોય, ખોરાક પર અરુચી હોય અને આહાર પચતો ન હોય તો શેકેલા જાયફળનું ચુર્ણ પા ચમચી, કાળા મરીનું ચુર્ણ ૧ ગ્રામ અને સીતોપલાદી ચુર્ણ ૧ ગ્રામ આદુના રસ સાથે અથવા મધ સાથે સવાર-સાંજ લેવાથી ફાયદો થાય છે. આંખોની નીચે કાળા કુંડાળાથી પરેશાન હોવ તો જાયફળનું સેવન કરો આ સમસ્યાથી મુક્તિ મળી જશે.