Site icon Ayurvedam

શરીર માં વાયુ ને લીધે થતાં વિકારો ને ફટાફટ દૂર કરતું દમદાર ઔષધ…

હિંગ ખાસ કરીને દાળ-શાકનો વઘાર કરવા માટે વપરાય છે આથી તેને “વઘારણી” નામ આપવામાં આવ્યું છે. આમ હિંગ આપણે રોજિંદા વપરાશની ચીજ છે. અરુચિ, આફરો, પેટના રોગ વગેરેમાં હિંગ ઉપયોગી છે. ઉપરાંત હિંગ ‘વાળા’ જેવા અનેક રોગો પર અસરકારક ઔષધિ તરીકે પણ ઉપયોગી છે. ભારતમાં હિંગનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. હિંગ ferula foetida નામના છોડ નો ચીકણો રસ છે. તેના છોડ 2 થી 4 ફૂટ ઊંચા થાય છે. તેના છોડ ઈરાન, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન અને કબૂલ વગેરે જગ્યા એ વધારે માત્ર માં થાય છે.

હિંગ બાલ્હાક અને રામઠ એમ બે પ્રકાર ની થાય છે. જો કે બજારમાં અનેક પ્રકારની હિંગ જોવા મળે છે. હિમાલયની ઉંચી ટેકરીઓ પર હિંગ નું વાવેતર સારું થઈ શકે. વસંતઋતુમાં હિંગ એકઠી કરવામાં આવે છે એ ઋતુમાં જ્યારે ઝાડની ડાળીઓ વધવા માંડે છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો તેના ઝાડના મૂળ ની આસપાસ ની જમીન ખોદી કાઢી મૂળ ઉઘાડા કરે છે અને તેને કાપી છેદ કરે છે અને તેમાંથી જે રસ નીકળે તેને ચામડાની થેલીઓમાં એકત્ર કરે છે અને પછી એ રસ સુકાઈ ને હિંગ નો ગાંગડો છે.

સારી ઉત્તમ હીંગ માંથી તીવ્ર વાસ આવે છે. હિંગના આ ગુણ  પરથી જ તેની કિંમત અંકાય છે. ઉત્તમ શ્રેષ્ઠ હિંગને “હીરા હિંગ” કહે છે. આ હિંગ ચમકદાર, તીવ્ર, સુગંધીદાર અને રતાશ પડતી પીળા રંગની હોય છે. તેને સળગાવતા તે કપૂરની જેમ બળે છે અને તેમાંથી ઉત્તમ સુગંધવાળી ધુમાડી નીકળે છે. તેનો સ્વાદ, તુંરો અને કડવો લાગે છે. ઉષ્ણતા મા તે કસ્તુરી થી સહેજ પણ ઉતરતી નથી. શુદ્ધ હિંગને પાણીમાં ભેળવાથી પાણી દૂધ જેવું સફેદ થઈ જાય છે અને જો હિંગ ભેળસેળવાળી હોય તો તે તળિયે ઠરી જાય છે.

કાળી હિંગ તેની એક ઉતરતી જાત છે.તેમાં સ્વાદ અને સુગંધ માત્ર નામ પૂરતું જ હોય છે. અને તે દુર્ગંધ યુક્ત હોય છે. એ કાળા વૃક્ષમાંથી બને છે તેથી કાળી હિંગ કહેવાય છે. એ કૃમિનાશક ગુણને લીધે બાગ-બગીચામાં છાંટવા અને જાનવરો માટે વપરાય છે. ઔષધિ માટે તો હીરા હિંગ નો જ ઉપયોગ કરવો જોઈએ.

હિંગ માં મોટા પ્રમાણમાં ભેળસેળ થાય છે.ઈરાન, કાશ્મીર અને હિમાલય માં હિંગ ના જેવી જ વાસ વાળી વનસ્પતિઓ ઊગે છે. હિંગ માં તેની ભેળસેળ થાય છે.હિંગ જ્યાં પેદા થાય છે ત્યાં જ તેના રસમાં પાન તથા છાલ નો ભેગ થાય છે. વેપારીઓ પણ તેના રસમાં અનેક વસ્તુઓ ની ભેળસેળ કરે છે. અસલી ચોખ્ખી હિંગ સારી ગણાય છે અને મોંઘી હોય છે. પરંતુ એને કારણે અસલી ચોખ્ખી હિંગ મળતી જ નથી. વેપારીઓ જુદા જુદા નામ અને માર્કા સાથે હિંગનું ચૂર્ણ કે પાવડર તૈયાર કરીને જ વેચે છે. આવી ભેળસેળ વાળી હિંગ ઔષધિરૂપે બરાબર કામ આપતી નથી.

હિંગ ને ઔષધિ તરીકે વાપરવાની રીતો અને તેના ફાયદા

હિંગનું રોજ સેવન કરવાથી ભેજવાળી જગ્યામાં થતો તાવ મટે છે. હિંગને નવસાર કે ગૂગળ સાથે આપવાથી ટાઇફોઇડ મટે છે. એક રતીથી એક માસો શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં મેળવી ધીમે ધીમે પીવાથી પડખાનું શુળ, સ્વરભેદ, જુની ઉધરસ,મળાવરોધ, સળેખમ વગેરેમાં ફાયદો કરે છે.

હિંગને દારૂમાં ખરલ કરી સૂકવી બે રતી માખણ સાથે ખાવાથી વાતવિકાર, ઉધરસ, શ્વાસ અને દૂષિત કફવિકારમાં અત્યંત ફાયદો કરે છે. હિંગની ચણા જેવડી ગોળી કરી ઘી સાથે ગળવાથી અજીણ તથા વાયુનો ગોળો મટે છે. હિંગ ને વીસ તોલા પાણીમાં ઉકાળી જ્યારે અષ્ટમાંશ પાણી બાકી રહે ત્યારે પીવાથી વાતશૂળ મટે છે.

હિંગ, સિંધવ અને ઘી એક એક તો લઈ, 12 તોલા ગાયના મૂત્રમાં મેળવી, ઉકાળી માત્ર ઘી બાકી રહે ત્યારે પીવાથી વાઈ મટે છે. હિંગ, મરી અને કપૂર એ ત્રણે એક-એક તોલો તથા અફીણ 3 માસા લઈ, આદુના રસમાં છ કલાક ઘૂંટી, એક-એક રતીની ગોળીઓ બનાવી એક થી બે ગોળી દિવસમાં ત્રણ વાર લેવાથી કોલેરા મટે છે. હિંગ, કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઈ, ફૂદીનાના રસમાં ઘૂંટી, ચણા જેવડી ગોળીઓ બનાવવી. આ ગોળી આપવાથી કોલેરામાં ફાયદો કરે છે.

હિંગને વરિયાળીના અર્કમાં આપવાથી મૂત્રાવરોધમાં ફાયદો કરે છે. ઘીમાં શેકેલી હિંગ ઘી સાથે ખાવાથી પ્રસુતા સ્ત્રીને આવતા ચક્કર મટે છે. હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક અટકાવ સાફ આવે છે અને સ્ત્રીઓની ઉદર વેદના મટે છે.

હિંગનું ચાર માસા ચૂર્ણ વીસ તોલા દહીંમાં મેળવી સવારે પીવાથી અને બપોરે માત્ર દહીં ભાત ખાવાથી કે માત્ર દહીં પર રહેવાથી ત્રણ દિવસમાં વાળો બહાર નીકળી જાય છે કે બળી જાય છે. હિંગ પાણીમાં મેળવી વાળા ની જગ્યાએ ચોપડવાથી પણ ફાયદો થાય છે. હિંગને પાણીમાં વાટી પેટ ઉપર લેપ કરવાથી વાયુનું અનુલોમન થાય છે અને ઊલટી બંધ થાય છે.

પેટમાં ખૂબ આફરો ચડ્યો હોય, પેટ ફૂલીને ઢોલ જેવું થયું હોય, પેટમાં દુખાવો થતો હોય તો ડૂંટીની આજુબાજુ અને પેટ ઉપર હિંગનો લેપ કરવાથી થોડી જ વારમાં મટે છે. બાળકોને ચૂંક આવતી હોય તો પણ ડુંટી પર હિંગ ચોપડવાથી વાછૂટ થઈ રાહત થાય છે. હિંગ અને લીમડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા માં પડેલા કીડા મરી જાય છે.

હિંગને પાણીમાં ઘોળી નાકમાં ટીપાં પાડવાથી આધાશીશી માં રાહત મળે છે. હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દંતપીડા મટે છે.દાંત દુખતો હોય તો દાંતના પોલાણમાં હિંગ ભરવાથી દંતકૃમિ મટી જાય છે અને દાંતની પીડા મટે છે. હિંગને તલના તેલમાં પકાવી એ તેલના ટીપા કાનમાં નાખવાથી તીવ્ર કર્ણશૂળ મટે છે.

હિંગ મધમાં મેળવી, રૂ ની દિવેટ બનાવી, તેને સળગાવી, કાજળ પાડી એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસ્ત્રાવ બંધ થઈ આંખોનું તેજ વધે છે. હિંગની ધુમાડી પ્રસવ સમયે સ્ત્રીના જનન અવયવને આપવાથી પ્રસવ સરળતાથી થાય છે. ગાયના ઘી સાથે ૪ રતિ જેટલી ખવડાવવાથી વછનાગનુ ઝેર ઉતરે છે.

હિંગને પાણીમાં કે છાશમાં ઓગાળીને પીવડાવવાથી ઉલટી થઈ અફીણનું ઝેર ઉતરી જાય છે. હિંગને એરંડાની કુંપળો સાથે ઘૂંટીને ચણા જેવડી ગોળીઓ બનાવી અડધા-અડધા કલાકે ગરમ પાણી સાથે સાપના ઝેર પર અપાય છે. હિંગ ગાયના કે આંકડાના દૂધમાં ઘસીને ચોપડવાથી વીંછી ઊતરે છે. હિંગને પાણીમાં પીસી-ઘૂંટીને હડકાયું કૂતરું કરડ્યું હોય તેના પર ચોપડવાથી ફાયદો થાય છે.

આદુ અને હિંગને મધમાં મિક્સ કરીને ખાવાથી કાળી ઉધરસ અને સૂકી ઉધરસમાં આરામ મળે છે અને હિંગનો ઉપયોગ સૌથી સારો ઉપાય છે. હિંગ એક બેસ્ટ ઉપાય છે દરરોજ ભોજનમાં હિંગ ઉમેરવાથી ઘણા ફાયદા મળે છે. હિંગને ઘી માં ભેળવીને માલીશ કરવાથી તે પિત્તમાં લાભદાયી સાબિત થાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, 1 ગ્રામ શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં ભેળવીને ધીમે ધીમે પીવાથી કમરનો દુઃખાવો, સ્વર ભેદ, જૂની ખાંસી અને જુકામ વગેરેમાં લાભ થાય છે. હિંગના આરોગ્ય સિવાયના બીજા ઉપયોગ પણ છે. જેમ કે, અથાણાની જાળવણી માટે તેનો ઉપયોગ થાય છે. એના માટે વાસણમાં પહેલા હિંગનો ધુમાડો આપી દો. ત્યાર પછી તેમાં અથાણું ભરો. આ પ્રયોગથી અથાણું ખરાબ થતું નથી.

Exit mobile version