માનવીના મનની એવી એક પરિસ્થિતિ જેમાં તેને સતત દુ:ખનો જ અનુભવ થાય અને દુનિયાની બધા જ પ્રકારની વસ્તુઓ જેવી કે ખાવાની, પીવાની, ફરવા જવાની, મિત્રોને મળવાની અને આનંદ કરવાની, હસી ખુશીની વાતો કરવાની બધી જ વસ્તુઓમાંથી રસ ઉડી જાય છે.
કોઈ વાર તમારા પરિચયમાં એવી કેટલીયે વ્યક્તિ આવતી હશે જેઓ એકલા રહેવાનું પસંદ કરે, ખાસ વાત ના કરે, તમે વાત કરો તે પણ તેમને ના ગમે, તમે બોલાવો તો જ બોલે.
એકાંત પસંદ કરે અને દરેક વખતે તેમનો અભિગમ નકારાત્મક (નેગેટિવ એટીટયુડ) હોય. ઘરમાં આનંદનો પ્રસંગ હોય ત્યારે પણ પોતેે શોકમાં હોય તેવું લાગે. પહેલા જે જે વસ્તુઓ એમને ગમતી હોય તે પણ ના ગમે. તેમના મોં ઉપર દેખાઈ આવે તેવી ઉદાસી હોય. ઘરના લોકો સાથે પણ અતડા રહે. કોઈની સાથે પોતાની તકલીફની વાત ના કરે, આ બધાને ડિપ્રેશનના લક્ષણો છે એક પ્રકારનો માનસિક રોગ કહેવાય.
જૂના જમાનામાં કોઈને ડિપ્રેશન થતું નહોતું અત્યારે થાય છે એનું કારણ પહેલાના જમાનામાં પુરુષ હોય કે સ્ત્રી ઘરનું હોય કે બહારનું બધું જ કામ પોતાની જાતે જ કરવું પડતું હતું, મોટે ભાગે સંયુક્ત કુટુંબમાં માનવી રહેતો હતો. શારીરિક શ્રમનું મહત્ત્વ હતું. વસ્તી આજના જેટલી વધારે નહોતી. આજના જેટલી હરીફાઈ નહોતી પરિણામે દરેક વ્યક્તિના મનમાં શાંતિ અને સંતોષ હતા.
રાત્રે નિરાંતે ઊંઘી શકતા હતા. અપવાદ બાદ કરતાં મોટે ભાગે કોઈના મનમાં ચિંતા, સંતાપ કે તનાવ નહોતો. સંતોષ અને શાંતિની જગાએ જબરજસ્ત અસંતોષ અને અશાંતિ આવી ગયા છે. માનવીનું જીવન બદલાઈ ગયું છે.
જીવનમાંથી આનંદ જતો રહ્યો છે. નાના હોય ત્યારે ભણવાની ચિંતા, મોટા થાય ત્યારે સારી નોકરી કે ધંધો કરીને ખૂબ કમાવાની ચિંતા. લગ્ન થાય ત્યારે પત્ની, બાળકો અને વડીલોની ચિંતા આ રીતે બાળકથી માંડીને વૃદ્ધ સુધી સૌને અસહ્ય માનસિક તનાવ છે.
કારણો ઘણા જ છે પણ હજુ સુધી મેડિકલ કોમ્યુનિટી અને સંશોધકો ડિપ્રેશનના ચોક્કસ કારણો શોધી શક્યા નથી છતાં તેમના જણાવ્યા પ્રમાણે આટલા શક્ય કારણો છે જેવા કે ધંધામાં નુકશાન ગયું હોય ,નોકરીમાંથી છૂટા કર્યા હોય, પતિ/પત્ની કે અંગત સગાનું અવસાન થયું હોય ,છૂટાછેડા થયા હોય, ઘર ચલાવવાની મુશ્કેલી હોય , ફેમિલીથી દૂર રહેવાનું થયું હોય ,લાંબી બીમારી હોય.
નાનપણમાં કોઈ ઘરના કે બહારના તરફથી માનસિક ત્રાસ થયો હોય જેમકે અભ્યાસ માટે વારે વારે ઠપકો મળતો હોય કે માર પડતો હોય, કોઈપણ પ્રકારની બીક લાગતી હોય જેમકે પરીક્ષામાં નાપાસ થવાની, નવી જોબમાં બોસનો ઠપકો મળશે તો, નોકરીમાંથી છૂટા કરશે તો ,. નાનપણમાં ઘરના કે બહારના કોઈએ જાતિય રીતે પરેશાન કર્યા હોય , પ્રેમમાં નિષ્ફળતા મળી હોય
કુટુંબથી દૂર જવાનો અને રહેવાનો પ્રસંગ બન્યો હોય, ડાઈવોર્સ થયા હોય, મનમાં કંઈક ખોટું કે અશુભ થવાનો સતત ડર રહેતો હોય, જીનેટીક (વારસાગત) કારણો મેડિકલ કારણોની વાત કરીએ તો, કોઈ બીમારી જેમ કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હાર્ટ એટેક કે કેન્સરનું નિદાન થયું હોય, હાઈપોથઈરોઈડિઝમ એટલે કે થાઈરોઈડ હોર્મોન ઓછો નીકળતો હોય, બ્લડપ્રેશરની દવાઓની આડઅસર હોય, કોર્ટિકોસ્ટેરોઈડની દવાઓ લાંબા વખત સુધી લીધી હોય, મગજના ‘ન્યૂરોટ્રાન્સમીટરનું લેવલ ઓછું થઈ ગયું હોય, જેને ‘બાયપોલર ડિસઓર્ડર’ હોય .
વાતાવરણના ફેરફારો અને સોશિયલ ફેક્ટર્સ આગળ જણાવ્યા પ્રમાણે ડિપ્રેશનના વારસાગત કારણો સિવાય આજના જમાનામાં ડિપ્રેશન થવાના કારણોમાં મુખ્ય કારણ છે માનસિક તનાવ. ડિપ્રેશન કોઈને પણ થઈ શકે સ્ત્રી હોય કે પુરુષ ખાસ કરીને ૩૦-૪૦ વર્ષ પછી થાય. ગમે તે કારણ હોય વ્યક્તિ જ્યારે મુંઝાઈ જાય ત્યારે લક્ષણો કોઈવાર અઠવાડિયા, મહિના કે વરસો સુધી રહે.
કુટુંબના કે બહારના સાથે બોલવા ચાલવાનું ઓછું થઈ જાય. પહેલા જે વસ્તુઓ અને પ્રવૃત્તિ ખૂબ ગમતી હતી તે બધામાંથી રસ ઊડી જાય. પતિ/પત્ની સાથે જાતિય સમાગમની વૃત્તિ ઓછી થઈ જાય કે તદ્દન બંધ થઈ જાય.
ખોરાક ઓછો થઈ જાય. સારામાં સારો ખોરાક જે પહેલા નિરાંતે ખાતા હતા તે ના ખાય અથવા ઓછો ખાય. કારણ વગર વજન ઓછું થાય અથવા તો વધે. બિલકુલ ના ઉંઘે, ઓછું ઉંઘે અથવા ૨૪ કલાકમાંથી ૧૨ કલાક ઊંઘે. વારે વારે કોઈ કારણ વગર ગુસ્સે થઈ જાય. સતત અકળાયેલા અને ઘરમાં આંટા માર્યા કરે ૯. વાત કરવાનું પસંદ ના કરે , બોલે તે ધીમે ધીમે અને સમજાય નહીં તેવું બોલે, થાક બહુ લાગે.
સતત પોતે કોઈ કામને લાયક નથી એવું બોલ્યા કરે ,. કોઈપણ બાબત જલ્દી વિચાર કરી ના શકે. કુટુંબીજનો કે મિત્રો સાથેનો સબંધ ઓછો કરી નાખે. નોકરી કે ધંધાનું કામ જે કરતા હોય તે સતત અટક્યા વગર કે આરામ લીધા વગર કર્યા જ કરે, લક્ષણો વધે ત્યારે દારૂ સિગારેટના બંધાણી થઈ જાય. સ્ત્રીઓમાં ઉપરના બધા જ લક્ષણો જલ્દી થાય.
વધારે ખાંડવાળા પદાર્થો ખાવા ના જોઈએ. ઈનો અર્થ કે વધારે ખાંડવાળી ચ્હા, કોફી તથા મીઠા શરબતો, મીઠાઈઓ, કેક, પેસ્ટ્રી, ગળ્યા બિસ્કીટો અને ગળપણ વાળા બજારમાં મળતા ફ્રૂટ જ્યુઈશ ન લેવા જોઈએ. તાજા ફળો લીલા શાકભાજી, ઓલિવ ઓઈલ અને નોન વેજીટેરિયન માટે ફિશ લેવી જોઈએ. ડીપ્રેશન દૂર કરવાની સચોટ દવા એટલે નિયમિત કસરત ગણાય છે.
હેલ્ધી આહાર લેવાનું રાખો, વ્યાયામને તમારી રોજનીશીમાં ચોક્કસ ઉમેરો અને તેને ફોલો પણ કરો. સારી ઊંઘ લેવાનું રાખો, કામ બાબતે વધારે પડતી ચિંતા છોડી દઇને ઊંઘ માટે કોમ્પ્રોમાઇઝ ન કરો. કોઇ વાતે મનમાં મૂંઝવણ હોય તો તમારી નજીકના વ્યક્તિ સાથે શેર કરવાનું રાખો, જો શેર કરશો તો મન હળવું થશે. રોજે થોડો સમય કાઢી ગમતું મ્યુઝિક, ગમતાં ગીત સાંભળો, ગમતી બુક્સ વાંચો, વધારે એકલું જીવન ન જીવો.
ઘણાં લોકોને ભીડ પસંદ નથી હોતી, અલબત્ત, પોતાના માટે થોડો સમય કાઢવો જોઇએ, પણ સાવ એકલતાભર્યું જીવન પણ નુકસાનકારક છે. રેગ્યુલર કામમાંથી કોઇવાર રજા લો, નાનું એવું વેકેશન વર્ષે એકવાર ચોક્કસ લેવું. આવી નાનીનાની વાતો તમને ડિપ્રેશનથી દૂર રાખી શકે છે. હતાશ વ્યક્તિઓ પોતાની હતાશા માટે પોતાની જાતને, અન્ય કોઈ વ્યક્તિઓને કે પરિસ્થિતિઓને દોષ દેવાનું વલણ ધરાવતાં હોય છે. ખરેખર આ વલણ વ્યક્તિની હતાશ મનોદશામાં સરવાળે વધારો કરે છે અને વ્યક્તિને વધુ નકારાત્મક બનાવે છે.
વ્યક્તિઓની હાજરી અને ગેરહાજરી તમારા મૂડ ઉપર અસર કરતી હોય છે. હંમેશા તમારી આજુબાજુ કેવી વ્યક્તિઓ રહે છે તે બાબતનો પ્રભાવ તમારી મનોદશા ઉપર સતત પડતો રહેતો હોય છે. હકારાત્મક, આશાવાદી અને વાઈબ્રન્ટ વ્યક્તિઓ તમારો મૂડ પોઝીટીવ બનાવે છે માટે એવી વ્યક્તિઓના સંપર્કમાં વધુ રહેવાનો પ્રયત્ન કરો.
આ વ્યક્તિઓની હાજરી, વાતો, જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ તમારું મનોબળ વધારવામાં મદદરૂપ થાય છે. એથી ઉલટું નકારાત્મક અને નિરાશાવાદી વ્યક્તિઓ તમારી હતાશ મનોદશા વધુ ઘેરી બનાવે છે. એમના સંપર્કમાં તમને વધુ હતાશા અનુભવાય છે અને તમને સારા થવામાં વધુ વાર લાગે છે.
ડિપ્રેશનને દૂર કરવા માટે તમે સ્વ-મદદ કરવા માંગતા હોવ તો તમે કોની વચ્ચે રહો છો, કોની સાથે ઉઠો-બેસો છો એ બાબતનું સતત ધ્યાન રાખો. જ્યારે તમારા નજીકના જ માણસો નકારાત્મક અને નિરાશાવાદી હોય ત્યારે તેમની સાથે સંભાળ પૂર્વક વ્યવહાર કરો.