દાડમનો રસ અત્યંત ગુણકારી છે. દાડમ હૃદયની કમજોરી, ખાંસી, આંખની ગરમી, સંગ્રહણી, ઊલટી, હૃદયવિકાર, તૃષારોગ તથા મુખરોગના રોગો માં ઔષધિ તરીકે કામ કરે છે.
દાડમના રસમાંથી બનતું શરબત પીવાથી ‘લૂ’ જેવા ભયંકરથી રક્ષણ મળે છે. દાડમ સ્ત્રીરોગો માં પણ અમૂત સમાન ગણાય છે. સ્તનપ્રદેશની ઉન્નતિ માટે દાડમનો રસ ગુણકા૨ી માનવામાં આવે છે. બાળકો વૃદ્ધો, યુવાનો બધાં જ દાડમના રસનું પાન કરી શકે છે. દાડમના એક એક દાણામાં જે રસ છે તે અમૃત બરાબર ગણાય છે. તો ચાલો હવે એ જોઈએ કે આ રસનો ઉપયોગ કેમ કરવો?
ખાંસીને તત્કાળ દૂર કરવામાં દાડમનો રસ અત્યંત ગુણકારી છે. મરડો, સંગ્રહણી, તેમજ પાંડુરોગ પર દાડમનો રસ ખૂબ જ ફાયદાકારક મનાતો આવ્યો છે. એની છાલ, મૂળ, પાન, ફળ, ફૂલ, બધું જ કામમાં આવે છે. મધુર, ખાટાં ખટમીઠાં, મીઠાં એવા દાડમનાં ચાર પ્રકાર છે. આંખની ગરમી મટાડવા માટે દાડમનો રસ આંખમાં મૂકવો જોઈએ. દાડમના રસમાં સાકર નાખીને પીવાથી ઉષ્ણપિત્ત નરમ પડે છે.
હૃદયમાં થતો દુખાવો દાડમનો રસ પીવાથી દૂર થાય છે. દાડમનો રસ હૃદયની કમજોરી દૂર કરી તેને મજબૂત બનાવે છે. ‘દાંત દાડમની કળી’ એમ કહેવાય છે. તેનું મહત્ત્વનું કારણ એ છે કે દાડમનો રસ દાંતનાં પેઢાંને મજબૂત કરે છે. દાંતની તકલીફ દાડમનાં રસથી દૂર થાય છે.
સંગ્રહણી થઈ હોય તો દાડમના રસમાં જાયફળ, લવિંગ અને સૂંઠનો ભૂકો નાખી પીવાથી એ રોગ નાબૂદ થાય છે. ત્રિદોષની ઊલટી પર દાડમનો રસ કાઢીને પછી મસૂરને શેકી તેનો લોટ ભેગો કરી મધ નાંખીને પીવાથી ઊલટી બંધ થાય છે.
બાળકોને સખત ઉધરસ થાય તો તેને દાડમના રસનું ચાટણ તેમજ છાલ બાળકને આપવાથી દર્દ મટે છે(છાલ મોઢામાં મૂકી ને ચૂસવા માટે કહેવું). ગળામાં શોષ પડતો હોય કે તાળવું અને જીભ ખેંચાતા હોય ત્યારે પાકેલાં દાડમનો રસ કાઢી સાકર નાંખી પીવાથી મટે છે. પિત્તરોગ પણ એનાથી નાબૂદ થાય છે. તાવ પછી કે તાવ હોય ત્યારે દાડમનો રસ આપવાથી દર્દીને રાહત થાય છે. દાડમમાં મુખરોગ તથા કંઠરોગ હરવાની શક્તિ છે.
હૃદયના વિકારો તથા હૃદયની કમજોરીમાં દાડમનો રસ,અનાનસનો રસ, નાળિયેરનું પાણી તથા પપૈયાંનો રસ મિક્ષ કરી લેવાથી દર્દ મટે છે. દાડમનાં ફૂલને ‘ગુલનાર’ કહેવામાં આવે છે. દાડમનાં ફૂલો કસુંબીના રંગના હોઈ એવા રંગને પણ ‘દાડમી રંગ’ કહે છે.
દાડમને છૂંદી નાખવા, ત્યારબાદ સરસિયા તેલમાં ખૂબ મસળતા મસળતા ખૂબ જ ધીમા તાપે ગરમ કરવું. ત્યારબાદ તેલ ગાળી લેવું. આ તેલ સ્તનપ્રદેશ પર નિયમિત માલિશ કરવાથી સ્તનપ્રદેશ ઉન્નત બને છે અને સ્તનો એકદમ ઘાટીલા થાય છે.
દાડમની છાલ ઘસીને રોજ મધ સાથે ચાટવામાં આવે તો પાચનશક્તિ વધે છે. દાડમના દાણાનો રસ તાંબાના વાસણમાં કાઢવો અને ધીમા તાપે એને ગરમ કરવો. રસ જાડો બને ત્યારે ઉતારીને શીશીમાં પેક કરી બૂચ મારી દેવો. જ્યારે કામ પડે ત્યારે કાચની સળી વડે આંખમાં એનું અંજન કરવાથી આંખના તમામ દર્દો મટે છે.
કમળો થયો હોય તો દાડમનાં દાણાનો રસ નવટાંક લોખંડનાં વાસણમાં કાઢી ઉપર ઢાંકણ ઢાંકી દેવું. સવારે સાકર મેળવીને એ રસ પીવાથી થોડા જ દિવસમાં કમળો મટે છે.
મીઠાં દાડમનો રસ પાશેર, ખાટાં દાડમનો રસ પાશેર, નવટાંક સફરજનનો રસ, નવટાંક લીંબુનો રસ, તથા ફુદીનાનો રસ નવટાંક લઈ તેનાથી ચોથો ભાગ સાકર લઈ તેનું શરબત બનાવવું. આ શરબત પીવાથી શરીર માંથી વધારાની ચરબી દૂર થાય છે અને શરીર બળવાન બને છે. દાડમનો રસ અને નાગકેસર સાથે પીવાથી હરસનું દર્દ મટે છે.