કેમ છો મિત્રો?, આજે આપણે એક એવી વસ્તુ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેનું આપણે એક પીણાં તરીકે ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણાં માંથી ઘણા ખ્યાલ નહીં હોય કે આ વસ્તુ નો એક ઔષધ તરિકે પણ ઉપયોગ કરી શકે છે. આ વસ્તુ નું નામ છે છાસ.
છાશ નુ કાયમી સેવન કરનાર મનુષ્ય કદાપિ રોગોથી પીડાતો નથી. છાશથી નાશ પામેલા રોગો ફરી ઉત્પન્ન થતા નથી. આયુર્વેદમાં છાશની વિશિષ્ટ ગુણવત્તાને કારણે આ પ્રમાણે કહ્યું છે. “यथा सुराणामृतं सुखाय, तथा नराणा भुवि तक्रमाहू:” (જેમ સ્વર્ગમાં દેવોને સુખ આપનાર અમૃત છે, તેમ પૃથ્વી પર માણસોને સુખ આપનાર છાશ છે.)
તાજી છાશ સાત્વિક અને આહારની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. છાશમાં ખટાશ હોવાથી તે ભૂખ લગાડે છે, ખોરાકની રુચિ પેદા કરે છે અને ખોરાક પાચન કરે છે. ભૂખ લાગતી ન હોય, પાચન થતું ન હોય, ખાટા ઓડકાર આવતા હોય, અને પેટ ચઢી આફરો આવી છાતીમાં ગભરામણ થતી હોય, તેમને માટે છાશ અમૃત સમાન છે.
છાશ વાયુ મટાડે છે, પણ લોકોમાં એવો ખોટો ભ્રમ છે કે છાશ ઠંડી છે. ખરી રીતે તો છાશ ઉષ્ણવીર્ય છે. કઇ ઋતુમાં, કઈ પ્રકૃતિવાળા એ, છાશનો કેવી રીતે ઉપયોગ કરવો તેની લોકોમાં સાચી સમજણ ન હોવાથી એવો ખોટો ભ્રમ પેદા થયો છે.
મળદોષથી અનેક પ્રકારના વાયુના દર્દો પેદા થાય છે. છાશ વાયુનો નાશ કરતી હોવાથી મળદોષજન્ય વાયુના દર્દોમાં ખૂબ જ ઉપયોગી થાય છે. છાસ ટાઇફોઇડથી પેદા થયેલી આંતરડાની ગરમી, આંતરડામાં પડેલા ચાંદા અને પરિણામે આવતો તાવ, શરદી ની બળતરા તથા તૃષારોગોને મટાડે છે.
સંગ્રહણીના ભયંકર રોગીઓએ ગાયના દૂધની છાશમાં સૂંઠ અને પીપરનું ચૂર્ણ નાખી છાશ લેવી. ખોરાકમાં માત્ર છાશ અને ભાત જ લેવા. છાશ ઝેરને, ઉલટીને, લાળના ઝરવાને, પાંડુરોગને, મેદને, ભગંદરને, પ્રમેહને, અતિસારને, શૂળને, અરુચિને, ધોળા કોઢને, તૃષાને અને કૃમિઓને મટાડે છે. વાયુ રોગ પર ખાટી, સૂંઠ તથા સિંધવ નાખેલી છાશ, પિત પર સાકર નાખેલી ગળી છાશ અને કફની વૃદ્ધિ પર સૂંઠ, મરી અને પીપર નાખેલી છાશ ઉત્તમ છે.
ચરક અરુચિ, મંદાગ્નિ અને અતિસારમાં છાશને અમૃત સમાન ગણે છે. ગાયની તાજી મોળી છાશ પીવાથી રક્તવાહિનીઓમાં લોહી શુદ્ધ થઈ રસ બળ અને પુષ્ટિ વધે છે તેમજ શરીરનો વર્ણ સારો થાય છે તથા કફના સેંકડો રોગો નાશ પામે છે. સૂંઠ, મરી, પીપર અને સિંધવ સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરી છાશમાં નાખીને પીવાથી અજીર્ણ મટે છે.
છાશ વડે ચહેરો ધોવાથી મોં ઉપરની કાળાશ, ખીલના ડાઘ અને ચિકાશ દૂર થાય છે અને ચહેરો તેજસ્વી તથા આકર્ષક બને છે. છાશમાં ગોળ મેળવીને પીવાથી મૂત્રકૃચ્છ મટે છે. છાશમાં વાવડીંગનું ચુર્ણ નાંખીને પીવાથી નાના બાળકો ને વારંવાર સતાવતા કૃમિ રોગ મટે છે. છાશમાં ઇન્દ્રજવનું ચૂર્ણ નાખીને પીવાથી દૂઝતા મસા-હરસમાં ફાયદો થાય છે.
દહીંના ઘોળવામાં હિંગ, જીરું તથા સિંધવ નાખીને પીવાથી અતિસાર, હરસ અને પેઢુંનું શૂળ મટે છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે છાશમાં લેક્ટિક એસિડ હોવાથી પાચનતંત્રના રોગોમાં લાભદાયક બને છે. વળી, છાશમાં પ્રોટીન, લોહ ઇત્યાદિ તત્વો હોવાથી એ અપોષણથી થનારા વિકારોમાં ઉપયોગી બને છે.
પાચનશક્તિની નબળાઈ જઠરાગ્નિ ની મંદતા અને સંગ્રહણી જેવા રોગોમાં નીચે દર્શાવેલ પ્રયોગથી નવું જીવન પ્રાપ્ત થાય છે. ગાયનું દૂધ જમાવી, અલ્પ ખટાશવાળા દહીંમાં ત્રણગણું પાણી મેળવી, વલોવી માખણ ઉતારી લીધેલી છાશ સવાર-સાંજ ભોજન ઉપર એક ગ્લાસ થી માંડી માફક આવે તેટલા પ્રમાણમાં સતત પાંચ-સાત દિવસ લેવી. તરસ લાગે ત્યારે પાણીને બદલે ઉપર્યુક્ત છાશ પીવી. માત્ર હાથ ધોવા અને કોગળા કરવા માટે જ પાણીનો ઉપયોગ કરવો.
ભોજનમાં ભાત, ખીચડી, બાફેલું શાક તેમજ મગની દાળ રોટલો રોટલી ખાવા. બીજા અઠવાડિયે અડધું માખણ કાઢી લીધેલી છાશ નો પ્રયોગ કરવો. શરીરને માફક આવે ત્યાં સુધી છાશનું પ્રમાણ વધારતા જવું અને અનાજ નું પ્રમાણ ઘટાડતા જવું, એ રીતે તર્કપ્રયોગ કરવો.