ખાવાની ઇચ્છા ન થાય, અન્ન ઉપર બેસતાં તે માટે રુચિ ન થાય, એ અરુચિ રોગનાં લક્ષણો છે. ખરી રીતે આ સ્વતંત્ર રોગ નથી. તાવમાં, અજીર્ણમાં વગેરે રોગો માં અરુચિ ઉત્પન થાય છે. શોકથી, ભયથી, ક્રોધથી, દુઃખથી તથા મનને ન લાગે તેવા નવા ખાવાના પદાર્થોથી અરુચિ ઉત્પન્ન થાય છે. અરુચિ કાયમ રહેવાથી શરીર નબળું પડી જાય, લોહી સુકાઈ જાય અને વગર માંદગીએ શરીર માંદુ રહ્યા કરે છે.
વાયુના કારણે હોય તો છાતીમાં શુળ થાય, ઓડકાર આવે છે. પિત્તના કારણે હોય તો દાહ થાય, તુષા લાગે, અને શરીર બળ્યા કરે છે. કફના કારણે હોય તો મોઢું ચીકણું થઈ જાય, લાળૂ ઝર્યા કરે, પ્રમાદ રહે વગેરે. આ સિવાય કોઈને દાંત અંબાઈ જાય, મોઢામાં ખારા, તીખા, કડવા અને વિચિત્ર સ્વાદ થયા કરે. મન ભારે રહે, માથા પર બોજો રહે. ચેન રહે અને શરીરમાં તોડ થયા કરે. આ બધાં અરુચિનાં લક્ષણો છે.
શોક, ભય અને લોભ મન ઉપર એટલી બધી તીવ્ર અસર કરે છે કે એ માનસિક અસરના પરિણામે વાયુ પ્રકોપ પામીને અરુચિ ઉત્પન્ન કરે છે. ક્રોધ કરવાથી પિત્ત ઉશ્કેરાય છે અને અરુચિ પેદા કરે છે, ન ગમતી વસ્તુઓ પર તિરસ્કાર ઉત્પન્ન કરે છે, તિરસ્કાર એ ક્રોધનું જ નાનું સ્વરૂપ છે અને એથી પણ પિત્ત ઉશ્કેરાય છે.
રાત્રે એક ગ્લાસ પાણીમાં આશરે ૨૫થી ૩૦ ગ્રામ પાકી આમલી પલાળી રાખવી. તેમાં જરૂર પૂરતી સાકર પણ નાખવી. સવારે તેને સારી રીતે ચોળીને ગાળી લેવું તથા તેમાં થોડી એલચી, લવીંગ જાવંત્રી અને કાળા મરીનું ચૂર્ણ નાખીને દર્દી એ ઈચ્છાનુસાર આ ઔષધી દ્રવ્ય ધીમે ધીમે ચમચીથી પીવું. આ પ્રયોગથી થોડા દિવસમાં જ અરુચિ અને અરોચક દૂર થશે. પિત્તથી થતાં અરોચક, એસિડિટી અને પેપ્ટિક અલ્સરવાળાએ આ પ્રયોગ કરવો નહીં.
જમતી વખતે આદુની કટકીઓ મીઠામાં ચોળીને ખાવી. હીંગ, જીરૂં, રાઈ અને સૂંઠને સરખે ભાગે શેકવાં, પછી તેમાં એક ભાગ જેટલું સિંધવ મીઠું અને કપૂર નાખી ચૂર્ણ તૈયાર કરવું, જમતી વખતે આ ચૂર્ણનું છાશ સાથે સેવન કરવું અથવા દહીંના ઘોળવા સાથે પીવું. આમ કરવાથી ખાવાની રુચિ ઉત્પન્ન થાય છે.
પલાળીને સૂકવેલું શાહીજીરૂં 7 તોલા, મરી 3 તોલા, સૂંઠ 3 તોલા, પીપર 3 તોલા, સૂકો ફુદીનો 4 તોલા, હરડે 3 તોલા , સૂકો સીતાબ 3તોલા, સિંધવ મીઠું 2 તોલા, સંચળ 2 તોલા, જીરું શેકેલું 2 તોલા અને હીંગ શેકેલી 1 તોલા લઈ વસ્ત્રાગાળ ચૂર્ણ કરી લીંબુના રસ સાથે ઘૂંટી વટાણા જેવડી ગોળીઓ વાળીને છાંયે સૂકવવી. પાણી સાથે દિવસમાં ત્રણવાર બબ્બે ગોળીઓ લેવી. તેનાથી રુચિ ઉત્પન્ન થાય છે.
તજ, ધાણા, મોટી એલચી, હળદર, લવિંગ, પીપર, અજમો, અજમોદ અને આમલી, આ ચીજોમાંથી જે કોઈ પાંચ ચીજો મળે તે લઈ ચૂર્ણ તૈયાર કરી થોડું ચૂર્ણ મોઢામાં રાખવાથી અરુચિ દૂર થાય છે. લીંબુ, દાડમ અને નારંગીનું શરબત પીવું જોઈએ અને મસાલાવાળો શિખંડ પણ રુચિકારક હોય છે.
શાહીજીરૂં, મરી, દાડમનાં ખારાં બી, લીંડીપીપર, કાળી દ્રાક્ષ, આમલી, ગોળ, મધ અને સંચળ સરખે ભાગે લઈ વાટી ચટણી બનાવવી. આ ચાટણી ખાવાથી રુચિ ઉત્પન્ન થાય છે. લીંબુની બે ફાડ કરી તેના ઉપર સૂંઠ, મરી, સિંધવ, અને જીરાનું ચૂર્ણ નાખી જરા ગરમ કરી બને ફાડો ચૂસવી. તેનાથી અરુચિ દૂર થાય છે.
દાડમના ખાટા દાણા ૧૬ તોલા, સિંધવ મીઠું 2 તોલા, સાકર ૪ તોલા, મરી ૪ તોલા, જીરૂં ૪ તોલા, મોટી એલચીના દાણા ૧ તોલા અને હીંગ બે આનીભાર લઈ ચૂર્ણ બનાવવી. રુચિ ઉત્પન્ન કરનારું અને ભૂખ લગાડનારું આ ચૂર્ણ દિવસમાં ત્રણચાર વાર લેવુંજોઈએ, અથવા તો કાળીદ્રાક્ષ, મરી, જીરું, શાહજીરૂ, વરીયાળી, કોકમ, સિંધવ અને દાડમના દાણાની ચટણી કરીને ખાવી જોઈએ.
તજ, અજમો અને હળદરનું ચૂર્ણ પાણીમાં નાખી ને પીવું. દાડમનાં બી ૨ ભાગ, સાકર ૨ ભાગ, તજ, એલચી અને તેજપત્રનું ચૂર્ણ ૧ ભાગ આ બધાં દ્રવ્યો વસ્ત્ર વડે ગાળીને દિવસમાં ત્રણ ચાર વાર બબ્બે આનીભાર આ ચૂર્ણ લેવું, આ પ્રયોગો અરુચિમાં સારો ફાયદો કરે છે. લસણની કટકીઓ ઘી માં તળીને રોટલા સાથે ખાવી અને દાડમના રસમાં મધ નાખીને પીવું જોઈએ તથા તજ, એલચી, ધાણા અને નાગરમોથાનું ચૂર્ણ પણ લાભદાયક છે.
જે ખોરાક ન ગમતો હોય તે ન ખાવો. મનગમતો ખોરાક જ ખાવો. સહેજ ખાટા, ખારા અને તીખા પદાર્થોથી ખાવાની રુચિ વધે છે માટે તે ખાવા જોઈએ. બિજોરાની કળીઓને ઘીમાં શેકી તેમાં જરા સિંધાલૂણ નાખી ખાવાથી અરુચિ નાશ પામે છે, અને રુચિ ઉત્પન્ન થાય છે.