ભુખ્યા પેટે એસીડીટી થવાની શક્યતા ઓછી રહે છે. અતીશય ખારા,તીખા,કડવા, ખાટારસવાળા ખોરાક નો વધુ પડતો ઉપયોગ ઍસીડીટી કરે છે. હોજરીમાં પીત્તનો વધારો થાય ત્યારે તે આહાર સાથે મિશ્ર થઈ ને આથો ઉત્પન્ન કરે છે, અને બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આથી ગળામાં, છાતીમાં, પેટમાં બળતરા થાય છે. કોઈને શીર:શુળ અને ખાટી, કડવી ઉલટી થાય.
અમ્લપીત્ત અને અલ્સર એ પીત્તનો રોગ હોવાથી દરેક જાતના ખાટા પદાર્થો- દહીં, છાશ, ટામેટાં, આમલી, કોકમ, લીંબુ, કાચી કેરી, કોઠું, ખાટાં ફળો, હાંડવો, ઢોકળાં, ઈડલી, ઢોંસા, બ્રેડ વગેરે આથાવાળા પદાર્થો બીલકુલ બંધ કરવા. તળેલા, વાસી, ભારે, વાયડા, ચીકણા પદાર્થો, મરચું વગેરે બંધ કરવા.
ખારા, ખાટા અને તીખા પદાર્થોનું સેવન ઓછું કરવું. વાસી ખોરાક અને માદક પદાર્થો ન લેવા. દરેક વસ્તુ ચાવી ચાવીને ખાવી. હળવા-પ્રસન્ન ચીત્તે રહેવું અને વ્યસન છોડી દેવાં.
ઍસીડીટી ના આયુર્વેદિક ઉપચારો:
જમ્યા પછી બેત્રણ કલાકે, અડધી રાત્રે નરણા કોઠે સવારે આ તકલીફ વધે. આવું થાય ત્યારે એકાદ- બે ઉપવાસ કરવા. પછી છ-સાત દીવસ હળવો ખોરાક અને દુધ જ લેવાં. સફેદ ડુંગળીને પીસી તેમાં દહીં અને સાકર મેળવી ખાવાથી એસીડીટી મટે છે. ધાણા જીરાનું ચુર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટી મટે છે.૧૦૦થી ૨૦૦ મી.લી. દુધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલાં ૪-૫ કાળાં મરીનું ચુર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી મટે છે.
૧થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા-જીરુના ચુર્ણમાં અથવા સુદર્શન ચુર્ણમાં મેળવીને લેવું.આમળાનું ચુર્ણ રોજ સવારે અને સાંજે ૧-૧ ચમચી પીવાથી એસીડીટી મટે છે. દ્રાક્ષ અને નાની હરડે સરખે ભાગે લઈ સાકર મેળવી ગોળી બનાવી ખાવી.ગંઠોડા અને સાકરનું ચુર્ણ પીવાથી એસીડીટી મટે છે.સુંઠ, ખડી સાકર અને આમળાંનું ચુર્ણ પીવાથી એસીડીટી મટે છે.અડધા લીટર પાણીમાં ૧ લીંબુનો રસ અડધી ચમચી સાકર નાખી જમવાના અડધા કલાક પહેલાં પીવાથી એસીડીટી મટે છે.
ધાણા અને સુંઠનું ચુર્ણ પાણી સાથે પીવાથી એસીડીટી મટે છે.સંતરાના રસમાં શેકેલા જીરુનું ચુર્ણ અને સીંધવ નાખી પીવાથી એસીડીટી મટે છે. હંમેશાં ભોજન કે નાસ્તા બાદ એકાદ કેળું ખાવાથી એસીડીટી થતી નથી. શતાવરી ચુર્ણ, સાકર અને ઘી એક એક ચમચી મીશ્ર કરી સવાર-સાંજ લેવાં. સ્વાદીષ્ટ વીરેચન ચુર્ણ રોજ રાત્રે એક ચમચી લેવું.
આમળાનો રસ ૧૦ ગ્રામ, પાણીમાં છુંદેલી કાળી દ્રાક્ષ ૧૦ ગ્રામ અને મધ ૫ ગ્રામ એકત્ર કરી પીવાથી પણ ઘણો ફેર પડે છે. ૨૫૦ મી.લી. પાણીમાં એક લીંબુનો રસ નીચોવી ૫ ગ્રામ ખાંડ નાખી દરરોજ બપોરના ભોજનના અર્ધા કલાક પહેલાં પીવાથી એકાદ માસમાં અમ્લપીત્ત મટે છે. આ પીણું કદી પણ ભોજન બાદ પીવું નહીં, નહીંતર હોજરીનો રસ વધુ ખાટો થઈ એસીડીટી વધી જશે.
દ્રાક્ષ અને વરીયાળી રાત્રે ૨૫૦ મી.લી. પાણીમાં ભીંજવી રાખી, સવારે મસળી, ગાળી તેમાં ૧૦ ગ્રામ સાકર મેળવી થોડા દીવસ સુધી પીવાથી અમ્લપીત્ત-ખાટા ઓડકાર, ઉબકા, ખાટી ઉલટી, મોંમાં ફોલ્લા થવા, પેટમાં ભારેપણું વગેરે મટે છે. ૧૦૦ ગ્રામ દ્રાક્ષ, ૧૦૦ ગ્રામ નાની હરડે અને ૨૦૦ ગ્રામ સાકર મેળવી ૧૦-૧૦ ગ્રામની ગોળી કરી લેવાથી અમ્લપીત્ત મટે છે.
અનનાસના કટડા પર મરી તથા સાકર ભભરાવી ખાવાથી પણ ઘણો ફાયદો થાય છે. આમળાનો મુરબ્બો કે આમળાનું શરબત લેવાથી એસિડિટી માં લાભ થાય છે. લીંબુના ફુલ અને સંચળને આદુના રસમાં પીવાથી એસિડિટી મટે છે. સવારે તુલસીનાં પાન, બપોરે કાકડી અને સાંજે ત્રીફળાનું સેવન કરવાથી અમ્લપીત્ત મટે છે.
કારેલાનાં ફુલ અથવા પાનને ઘીમાં શેકી સીંધવ નાખી ખાવાથી એસીડીટીને લીધે ભોજન કરતાં જ ઉલટી થતી હોય તો તે બંધ થાય છે. સુંઠ, આમળાં અને ખડી સાકરનું બારીક ચુર્ણ કરીને લેવાથી અમ્લપીત્ત મટે છે. કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી ઍસીડીટી મટે છે.
દરરોજ ભોજન બાદ એક એક ચમચી હરડેનું ચુર્ણ મધ સાથે ચાટવાથી ચારેક દીવસમાં એસીડીટીમાંથી છુટકારો મળે છે. બે મહિના સુધી પ્રયોગ કરવાથી એસીડીટી જડમુળથી જતી રહે છે. આખાં આમળાંને વરાળથી બાફી સાકરની ચાસણીમાં ડુબાડી રાખવાં. તેમાંથી રોજ એક આમળું સવારે ખાવાથી અમ્લપીત્ત મટે છે.
અરડુસી, ગળો, પીત્તપાપડો, લીમડાની અંતર્છાલ, કરીયાતુ, ભાંગરો, ત્રીફળા અને પરવળનાં પાન સરખા વજને લઈ અધકચરાં ખાંડી અડધા કપ મીશ્રણને બે ગ્લાસ પાણીમાં ઉકાળી અડધો કપ બાકી રહે ત્યારે ગાળી ઠંડુ પાડી મધ સાથે પીવાથી અમ્લપીત્ત મટે છે. આ ઉકાળામાં દશ ઔષધો હોવાથી એને દશાંગ ક્વાથ કહે છે. કાળી દ્રાક્ષ, સાકર, વરીયાળી અને ધાણાને પાણીમાં પલાળી ખુબ ચોળી, ગાળીને રાત્રે પીવાથી અમ્લપીત્તમાં ફાયદો થાય છે.
અમ્લપીત્તને લીધે માથું એકદમ દુખતું હોય તો સાકરનું પાણી પીવાથી તરત જ ફાયદો થાય છે. શતાવરીનું ચુર્ણ ગાયના દુધમાં ઉકાળી એલચી અને સાકર નાખી પીવાથી અમ્લપીત્ત મટે છે. દીવસમાં ત્રણ-ચાર વાર નાળીયેરનું પાણી પીવાથી પણ ફાયદો થાય છે. સંતરાના રસમાં શેકેલા જીરુનું ચુર્ણ અને સીંધવ નાખી પીવાથી એસીડીટી મટે છે.