પિત્તના પ્રકોપને નાથવા માટે ભાદરવામાં દૂધપાક-ખીર અને આસોમાં ગરબાની રમઝટ અકસીર ઉપાય હોવાનો ઉલ્લેખ આયુર્વેદમાં જોવા મળે છે. નવરાત્રીમાં શક્તિની ભક્તિ સાથે ગરબાનો મૂળ હેતુ પ્રજાના આરોગ્યની સુખાકારી સાથે જોડાયેલો છે.
ભાદરવા માસના આરંભે બેવડી ઋતુનો અહેસાસ વર્તાઇ રહ્યો છે. તેના કારણે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે તેમજ પરોઢિયે વાતાવરણમાં વ્યાપક ઠંડક પ્રસરવા લાગી છે. આવુ બેવડુ વાતાવરણ માનવ શરીરમાં નાની મોટી બિમારીઓ નોતરે છે. તેની સામે રક્ષણ મેળવવા માટે તેમજ ચોમાસાની ઋતુમાં થયેલી શરદી-કફનો નાશ કરવા આયુર્વેદમાં અકસીર ઉપાયો દર્શાવાયા છે.
અષાઢ તથા શ્રાવણ(વર્ષા) માસનાં દિવસોમાં માનવ શરીરમાં પિત્ત જમા થાય છે અને ભાદરવા-આસો (શરદ)માં પિત પ્રકોપે છે. વર્ષામાં ઉંચા ભેજવાળા ઠંડા વાતાવરણ બાદ શરદમાં વિપરીત સુર્યનો તીખો તાપ પિત્તને વકરાવે છે. ત્યારે આહાર, વિહારમાં કેટલીક કાળજી રાખવી જરૂરી છે. ગરમ-મરી મસાલાવાળો ખોરાક તથા આથા અને તળેલા ખોરાકને ત્યજવો, ગળ્યો, કડવો તથા સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવો, નવુ પાણી તથા નવા શાકભાજીનો ત્યાગ કરવો, અથવા યોગ્ય રીતે ઉકાળી કે બાફીને લેવુ, શ્રમ ઓછો કરવો, સંયમીત રહેવુ, કસરત વધારે ન કરવી, ઘઉ, ચોખા, મગ, અડદ, તલ, અડદ વિશેષ લેવા, હિંગ, લસણ, સિંધવ, આદુ, મીઠુ તથા હળદરનો વિશેષ ઉપયોગ કરવો, લીંબુ, બીજોરૂ તથા દ્રાક્ષ જેવા ફળો લેવા, કાકડી, તુરિયા, ભીંડા, બટાકા, મુળા તથા કોઠાનો ત્યાગ કરવો, પાણી ઉકાળીને ઠંડુ કરીને લેવુ.
પિત પ્રકૃતિવાળા વ્યક્તિએ પિત્તને શાંત કરે તેવો આહાર લેવો જોઇએ. કડવો, તુરો, મધુર તથા ઠંડોને હળવો ખોરાક લેવો, તડકામાં ફરવુ નહી, ખુલ્લા પગે ન નિકળવુ, ચાંદનીની શિતળતામાં ફરવુ, ઉજાગરા ન કરવા, સાકર, ચોખા, મગ, ઘઉ, પૌઆ, મમરા ખાવા, કારેલા, પરવળ, સૂરણ તથા તાંદળજો જેવા શાકભાજી ખાવા, દુધ, ઘી તથા માખણ વધારે લેવા.
આયુર્વેદમાં શરદને રોગોની માતા કહી છે અને તેથી જ ‘શતમ્ જીવ શરદ:’ નાં આશિર્વાદ છે. ગળ્યુ દુધ પિત્તનાશક છે. જેથી શરદપુર્ણીમાંએ ચંદ્રની ચાંદનીમાં દૂધ-પૌઆ તથા ખીર ખાવાનું મહત્વ છે. શરદની ચાંદની લાભદાયી હોવાથી નવરાત્રીનો તહેવાર ઉજવાય છે.
પેટમાં એસિડ બનવાનું ઓછું કરવા માટે જીરું રામબાણ દેશી ઈલાજ છે. અડધાથી એક ચમચી જીરું કાચું ચાવીને ખાઈ લો અને 10 મિનિટ પછી નવસેકા પાણી પી લો. આ ઘરેલુ નુસખો કરવાથી ભયંકર એસિડિટીથી રાહત મળે છે.
આપણા શરીરનું બીજું મૂળ તત્ત્વ ‘પિત્ત’ અથવા ‘દેહાગ્નિ’ છે. આ પિત્ત જ આહારપાચન. ધાતુપાક અને મળપાકનું મૂળ પ્રવર્તક છે. આ જ કારણથી શરીરના કોષો-સેલ્સમાં અનેક પ્રકારના પાચક રસો (એન્ઝાઈમ) ઉત્પન્ન થાય છે. જે શરીરવ્યાપી પાચનક્રિયા અને મેટાબોલિઝમનું સંચાલન કરે છે. આ પાચક રસો દ્વારા જ આપણું શરીર આહારનું સરળ પાચન કરીને તેના સૂક્ષ્મ કણો કરી પોતાનામાં આત્મસાત્ કરે છે. અને તેનાથી જ શરીરના રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય-શુક્ર અને ઓજ ઉત્પન્ન થાય છે. આ પાચકરસો દ્વારા જ એટલે કે મૂળ તત્ત્વ પિત્ત દ્વારા જ મળ, મૂત્ર, સ્વેદાદિ, બિનજરૂરી કચરો શરીરની બહાર ફેંકાઈ જાય છે. આ રીતે પિત્ત અથવા દેહાગ્નિ શરીરને સ્વચ્છ, સુંદર અને નિર્મળ બનાવી રાખે છે.
શરીરનું આ પિત્ત તત્ત્વ સમ અવસ્થામાં કાર્ય કરે તો શરીરની ઉષ્મા-ટેમ્પરેચર યોગ્ય રીતે જળવાઈ રહે. ભૂખ, તરસ બરાબર લાગે, ત્વચાની કાંતિ-ચમક યોગ્ય રીતે જળવાઈ રહે. નેત્રોની દૃષ્ટિ ઠીક રહે છે. રક્ત સ્વચ્છ રહે છે. મગજમાં હર્ષ-પ્રસાદ અને શૂરતાનો ભાવ રહે છે. બુદ્ધિ પણ નિર્મળ રહે છે.
કોષ્ઠસ્થ અગ્નિને પાચકાગ્નિ (પાચકપિત્ત) કહેવાય છે. યકૃત પ્લીહામાં રક્તરંજન કરનાર પિત્તને રંજકપિત્ત કહેવામાં આવે છે. નેત્રના રેટિનામાં રૂપદર્શન સંબંધી રાસાયણિક પરિવર્તનો કરનાર પિત્તને આલોચક પિત્ત કહેવામાં આવે છે. તથા મગજમાં જે રાસાયણિક પ્રક્રિયાને લીધે અથવા પિત્ત દ્વારા વિભિન્ન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્રાવ-હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. તેનો વિચાર અને શારીરિક કાર્ય પર પ્રભાવ પડે છે. આ પિત્તને આયુર્વેદમાં સાધક પિત્ત કહેવામાં આવે છે. ત્વચામાં રહેલ જે પિત્ત દ્વારા કે તેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા ત્વચાની કાંતિ અથવા ભ્રાજકતા જળવાઈ રહે છે, તે પિત્તને આયુર્વેદમાં ભ્રાજક પિત્ત કહેવામાં આવે છે.
શરીરના કોઈ અવયવમાં ક્ષત-વ્રણ ઉત્પન્ન થાય તો એ જખમને મટાડવા માટે દેહાગ્નિ પ્રબળ થાય છે. આ પ્રક્રિયા વખતે જે પિત્તપ્રકોપ થાય છે, તેને લીધે જ્વર, દાહ-બળતરા, તરસ, સ્વેદાધિક્ય, રક્તક્ષય વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે. જેને પિત્ત વૃદ્ધિનાં લક્ષણો કહેવામાં આવે છે. આ પિત્ત વૃદ્ધિ જીવાણુઓના વિનાશાર્થ તેના એન્ટિબોડી ઉત્પન્ન કરવા માટે જ થાય છે. રોગના કારણભૂત જીવાણુઓ જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે આ પિત્તવૃદ્ધિ શાંત થતા જ્વર, દાહ વગેરે લક્ષણો શાંત થાય છે. પાચન પ્રણાલીનું પાચક પિત્ત વૃદ્ધિ પામીને વિદગ્ધ થાય છે, ત્યારે તે ખાટું બને છે, ત્યારે છાતીમાં દાહ-બળતરા, ઊબકા-ઉછાળા, ઊલટી વગેરે થાય છે. તેને અમ્લપિત્ત અથવા એસિડિટી થઈ એમ કહેવાય છે. આ પિત્ત પ્રકોપના ૪૦ રોગ આયુર્વેદમાં દર્શાવાયા છે.
શરીરના પ્રકોપ પામેલા પિત્તને શાંત રાખવા માટે આહાર પચવામાં સુપાચ્ય, સરળ હોવો જોઈએ. આહાર સમયસર લેવો જોઈએ વ્યાયામ અને શ્રમથી પિત્તપ્રકોપ થાય છે. એટલે શ્રમ-વ્યાયામ પણ ત્યાજ્ય છે. પિત્ત વૃદ્ધિવાળા દર્દીની શક્તિ વધારવા તેને પૂર્ણ વિશ્રામ કરાવવો જોઈએ. તેને સુપાચ્ય અને પૌષ્ટિક આહાર આપવો જોઈએ, કે જેથી તેની જીવાણુ-નાશક શક્તિ વધે એવાં ઔષધ હોવાં જોઈએ કે જે દ્વારા પિત્તનું નિર્હરણ થાય તથા પિત્તવૃદ્ધિ દ્વારા સંચય પામેલાં મળ, મૂત્ર, સ્વેદાદિ શરીર દ્વારા બહાર ફેંકાય અને શરીર સ્વચ્છ-નિર્મળ રહે. પિત્તપ્રકોપની શુદ્ધિ માટે વિરેચન કર્મને ઉત્તમ ગણાવ્યું છે. એટલે મૃદુ વિરેચન દ્રવ્યોમાં સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ, મધુ વિરેચન ચૂર્ણ, ત્રિફળા, અવિપતિકર ચૂર્ણ વગેરે પ્રયોજી શકાય. આ સિવાય ચંદનાસવ, કામદુઘા, સીતોપલાદી, સૂતશેખર, આમળાં, ધૃત વગેરે રોગ અને રોગીનું બળાબળ, ઋતુ, ઉંમર વગેરેનું ધ્યાન રાખીને પ્રયોજી શકાય.
ઉનાળામાં ઍસિડિટી, પિત્ત ઉપર ચડી જવું, ગરમીને કારણે માથું દુખવું જેવી સમસ્યાઓ થાય છે. એમાં વરિયાળી અને ખડી સાકરનું ચૂર્ણ ઉત્તમ છે. અગેઇન, આમાં પણ શેકેલી વરિયાળી જ વાપરવી. ડૉ. રવિ કોઠારી કહે છે, ‘જ્યારે પણ પિત્તનું શમન કરવા માટે વરિયાળી વપરાય ત્યારે હંમેશાં એ સાદી શેકેલી જ લેવી. કાચી ચીજો પિત્ત કરે ને પાકેલી ચીજો પિત્ત શમન કરે છે. શેકેલી વરિયાળીનું ખાંડેલું ચૂર્ણ ૧૦ ગ્રામ અને એમાં પાંચ ગ્રામ ખડી સાકરનું ચૂર્ણ મેળવીને ચાવી-ચાવીને ખાવું. એમ કરવાથી પિત્ત શમે છે, માથું ઊતરે છે, ઊબકા આવતા હોય તો અટકે છે.’
પિત્તના શમન માટે વરિયાળી, કાળી દ્રાક્ષ અને ખડી સાકરને પલાળીને એનું પાણી લેવાનો પ્રયોગ પણ પ્રચલિત છે. એમાં પણ ડૉ. રવિ કોઠારી કાચી નહીં પણ શેકેલી વરિયાળી લેવાની જ સલાહ આપે છે.