આજના જમાનામાં કોમ્પ્યુટર, મોબાઈલ અને ટીવી જેવા ઉપકરણોનો વપરાશ વધતા આંખની સમસ્યાઓ વધી ગઈ છે. વધતી ઉંમરની સાથે આંખની સમસ્યા થવી સામાન્ય બાબત છે. પણ જ્યારે ઓછી ઉંમરે આ પ્રકારની સમસ્યા થાય તો એ ચિંતાનો વિષય છે. જો તમારી આંખોની રોશની ધીમે ધીમી ઘટી રહી છે, આંખો નબળી પડી રહી છે તો સમજી લેજો કે તમે યોગ્ય પોષણ યુક્ત ખોરાક નથી લઈ રહ્યાં.
ગાજર ઉપરાંત શક્કરિયાં, પાલક, કોબિજ, લાલ મરચાં, ટામેટાં, જરદાલુ, પાકી કેરી, નારંગી, પપૈયું, સક્કર ટેટી, તડબૂચ, દ્રાક્ષ, ચણા, મસૂર, બાજરી, સોયાબીન (સફેદ) વગેરેમાં ભરપૂર માત્રામાં વિટામીન ‘A’ હોય છે. શિયાળાનાં પ્રિય શાક માંનું એક છે ગાજર. બારેય મહિના મળતાં ગાજર અમદાવાદ જેવા ગરમ આબોહવા ઘરાવતાં શહેરમાં હિતાવહ નથી.
બીટો-કેરોટીન
ગાજરમાં બીટા- કેરોટીન નામનું ખૂબ અગત્ય તત્વ રહેલું છે. જે આપની આંખ અને ચામડી ની તંદુરસ્તી અને સુંદરતા માટે ખૂબ ઉપયોગી છે. વીટામીન-A ના મૂળતત્વ તરીકે બીટા-કેરોટીન ઓળખાય છે. તેથી એ વીટામીન A તરીકે પણ ઓળખાય છે. આંખનું દ્ષ્ટિનું સ્વાસ્થ તંદુરસ્તી, જયુકસ મેમ્બેન (કોમળ આંતર ત્વચા) રોગ પ્રતિકારક શક્તિ માટે શરીરમાં વીટામીન ‘A’ જરૂરી છે.
રતાંધળાપણું
આંખના નેત્રપટલમાં રંગોની ઝાંયનું નિર્માણ કરવાનું કામ પણ વિટામીન ‘A’ કરે છે. તેથી રેટિનોલ તરીકે પણ ઓળખાય છે. તેની મદદ થી ઓછા પ્રકાશમાં સારી રીતે જોઈ શકાય છે. આ વિટામીનની ઊણપથી રતાંધળાપણું એટલે કે રાત્રે દેખાવાનું ઓછું અથવા તો બંધ થઈ જાય છે. આંખ સામે વાદળાં હોય એવું ધૂંધળું દેખાય. એને કારણે દૂરની વસ્તુઓ સાફ દેખાતી નથી. આ પ્રકારની તકલીફો ખાસ કરીને ગરીબ દેશોમાં જોવા મળે છે કારણ કે ટીઅ પોષક તત્વો થી ભરપૂર ખોરાક મળતો નથી.
Vitamin ‘A’
વિટામીન ‘A’ ચરબીમાં ઓગળી જાય તેવું એક વિટામીન છે. અને લીવરમાં રહે છે, માંસાહાર અને શાકાહાર બંનેમાંથી તે ઉપલબ્ધ છે.
મહત્વ
સશક્ત એન્ટિઓક્સિડન્ટ ગણાય છે. કેન્સર, ALS (એન્યોટ્રોફિક લેટરલ સ્કેલરોસિસ), વાર્ધક્ય (Aging), સ્ટ્રોક વગેરે રોગો થવામાં જવાબદાર ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપે છે. આ ફ્રી રેડિકલ-ટોક્સિનને આયુર્વેદ ‘આમ’ ગણે છે, જે ખોરાકના પાચનની ગરબડને કારણે પેદા થઈને શરીરમાં ફરે છે.
શરીરના કોષોના વિભાજન તથા નવનિર્માણમાં અગત્યનું છે, દૃષ્ટિની જોવાની ક્ષમતા, સતર્કતા જળવાઈ રહે છે, હાડકાંના બંધારણમાં પણ ઉપયોગી છે, શરીરની રિપ્રોડક્ટિવ સિસ્ટમ, જનતતંત્રને સક્રિય રાખે છે. પૂરતાં પ્રમાણમાં વિટામીન ‘A’ શરીરમાં ના જવાથી ચેપી રોગનો ભોગ ઝડપથી બની જવાય. એટલે કે તમારી રોગપ્રતિકારક શક્તિને સાબૂત રાખે છે.
ચામડીનો વર્ણ મૂળભૂત રહે છે. અભાવમાં પીળો પડી શકે છે, મોંઢામાં લાળ પેદા કરવાનું કામ કરે છે, જેને કારણે મોં, દાંત, જીભ, ગળાના રોગોથી બચી શકાય છે. ઉપરાંત ખોરાકનું પાચન બરાબર થઈ શકે છે.
શેમાંથી મળે?
માંસાહારીઓને એ ઈંડા, મટન, કોડ લીવર ઓઇલ માંથી પણ મળી શકે છે, શાકાહારીઓને દૂધ, ચીઝ, શાકભાજી, અનાજ વગેરેમાંથી પ્રાપ્ત થઈ શકે છે. ગાજર તેમાં મુખ્ય છે, ગાજરમાં બીટા કેરોટીન ઉપરાંત વિટામીન-B, B2, B3, B5, B6, B9, B12, ફોલિક એસિડ, વિટામીન ‘C’, કેલ્શિયમ વગેરે તત્વો ભરપૂર પ્રમાણમાં છે.
પિત્તપ્રકૃતિવાળા લોકોએ શિયાળામાં ગાજરનો હલવો ખાવો હિતાવહ છે. કાચાં ગાજર સલાડરૂપે, ફ્રેશ જયુસ, સૂપ બનાવીને, સંભારો બનાવીને, શાક તરીકે – એમ અનેક પ્રકારે ગૃહિણીઓ ગાજરનો ઉપયોગ કરે છે. બારેય માસ ખાવા માટે ગાજરમાંથી અથાણું બનાવી શકાય છે.
શક્કરીયાં
શક્કરીયાંમાં વિટામીન ‘A’ પ્રચૂર માત્રામાં હોય છે. વિટામીન, મિનરલ્સ, જરૂરી એમિનો એસિડ, ફેટી એસિડના કારણે શક્કરીયાં સુપાચ્ય છે.
પાલક
જૈન લોકો કંદમૂળ નથી ખાતાં, માટે એમના માટે વિટામીન ‘A’નું સ્રોત પાલક છે. પાલકનો સૂપ, શાક, સલાડ, પુલાવ, પરોઠા અનેક પ્રકારે રસોઈમાં વાપરવાથી વિટામીન ‘A’ મળી રહે છે. આ ઉપરાંત કોબિજ, લાલ મરચાં, ટામેટાંમાંથી પણ વિટામીન ‘A’ પ્રાપ્ત થાય છે.
જરદાલુ
સૂકામેવામાં કાજુ, બદામ,પીસ્તા જેટલું સ્થાન જરદાલુને હજુ મળ્યું નથી, પણ જરદાલુનું નિયમિત સેવન કરનારને પૂછશો તો એમનો પ્રિય સૂકો મેવો જરદાલુ હશે. એની ખાસિયતો વિષે અજાણ, પણ પરિણામથી Good Feelings આવે છે, માટે જરદાલુમાં વિટામીન ‘A’ ઉપરાંત વિટામીન B, C, E, K છે. ઉપરાંત આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, સોડિયમ, ઝિન્ક વગેરે મિનરલ્સ પણ છે, જે તેને ખાસ બનાવે છે.
ફળો:
પાકી કેરી, નારંગી, પપૈયું, સક્કર ટેટી, તડબૂચ, દ્રાક્ષ વગેરે ફળોમાંથી વિટામીન ‘A’ પ્રાપ્ત થાય છે.
અનાજ
ચણા, મસૂર, બાજરી, સોયાબીન (સફેદ) વગેરેમાં પ્રચુર માત્રામાં વિટામીન ‘A’ રહેલું છે. ઘઉં, મગ, મકાઈ, તાજા વટાણા વગેરેમાં પણ છે.
આયુર્વેદિક ઓષધ:
જીવંતી (ડોડી): આ એક પ્રકારની ભાજી છે, જે ગામડાઓમાં સરળતાથી પ્રાપ્ત છે, તેનો પાવડર બજારમાં મળે છે. એક ચમચી પાવડર એક કપ દૂધમાં એક પાણી નાખીને દોઢથી બે ચમચી સાકર નાખીને ઉકળવા દેવું. બે-ત્રણ ઊભરા આવે તે પછી ઠડું કરીને પીવું. આને ડોડીનો ક્ષીરપાક કહે છે, જે આંખોનું તેજ જાળવી રાખે છે અને શરીરની અને ગર્ભાશયની ગરમી ઓછી કરીને Habitual abortion વારંવાર કસુવાવડ માટેનો અકસીર ઉપાય છે.
ત્રિફલા ઘૃત: હરડે, બહેડાં અને આમળાં, તે ત્રિફલા આ મિશ્રણને ગાયના ઘીમાં પકવવામાં આવે છે. આ ત્રિફલા ઘૃત રોજ સવારે એક ચમચી ગરમ દૂધ સાથે લેવાથી આંખની તકલીફો દૂર થઈ ‘નજર’ દૃષ્ટિ તંદુરસ્ત બને છે.