શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ. મોટાભાગના ઘરોમાં ઘઉંની રોટલી બને છે પણ મકાઈ, જુવાર, બાજરી પણ પૌષ્ટિક અનાજ છે. તેમા બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે.બાજરો એ શહેર કરતા ગામડાઓમાં વધુ ખવાય છે. બાજરાની રોટલી આપણા દેશ પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે.
બાજરો અન્ય ધાન્યોની સરખામણીએ સૌથી પૌષ્ટિક અને શક્તિશાળી ધાન્ય છે. જે ભારતમાં હરિયાળા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારો પાકે છે અને ગામડાના લોકો રોટલા કરીને પુષ્કળ પ્રમાણમાં ખાય છે. બાજરામાં શરીરમાં જરૂરી એવા પોષક તત્વો બહુ જ સહેલાઈથી મળી આવે છે. બાજરો એ આપણા દેશનું પ્રાચીન ભોજન છે. જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે. બાજરો સ્વાદમાં જેટલો સ્વાદિષ્ટ છે એટલો શરીર માટે બહુ જ ગુણકારી અને ફાયદો કરનારો છે. બાજરામાં ઘઉં કરતા વધારે પ્રમાણમાં ઉર્જા ધરાવે છે જેથી શરીરને વધારે શક્તિ મળે છે.
જે લોકો ખુબ જ પ્રમાણમાં શારીરિક પરિશ્રમ કરે છે અને ખેતરો ના કામ સાથે સંકળાયેલા છે તેવા લોકોને શક્તિ જાળવી રાખવા માટે બાજરાનું સેવન કરવું ખુબ જ હિતાવહ છે. બાજરાના રોટલા અને ગાયનું ઘી ખાવાથી શરીર માટે અનેક ગણું પોષણ પૂરું પાડે છે અને ખુબ ઉત્તમ ખોરાક છે. જેના લીધે શરીર મજબુત બને છે, અને શક્તિમાં પણ વધારો કરે છે. નિયમિત રૂપે બાજરી ખાવો એ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. બાજરી લોહીમાં શુગરની માત્રાને કંટ્રોલ રાખવા મદદ કરે છે માટે ડાયાબિટીસના દર્દીઓ માટે બાજરી એક વરદાન સમાન ગણાય છે.
જે લોકો જાડાપણું ધરાવે છે, ખુબ જ વજન ધરાવે છે તેમના માટે બાજરો ખાવો હિતકર છે. બાજરો વજન ઘટાડવામાં ઉપયોગી છે. બાજરાનું ધાન્ય, બાજરાના રોટલા અને તેની રાબ ખુબ ઉપયોગી થાય છે. બાજરો ખાવાથી પેટ ભરેલું લાગે છે જેના લીધે ભૂખ ઓછી લાગે છે. બાજરામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જેના લીધે આપણા હાડકા મજબુત રહે છે. જે બાળકો અને વૃદ્ધોમાં હાડકાની નબળાઈ હોય તેને મજબૂતાઈ આપે છે. માટે કેલ્શિયમની ઉણપ વાળા લોકોએ બાજરો ખોરાકમાં લેવો જોઈએ.
બાજરો મગજને શાંત રાખનારો છે. બાજરો ડીપ્રેશન, માનસિક તણાવ, ઊંઘ ન આવતી હોય, એ તમામ સમસ્યાઓ દૂર કરે છે. ગામડામાં મોટે ભાગે બાજરાનો રોટલો અને ગાયનું દૂધ અથવા તો ભેંશનું દૂધ સાંજે ભોજનમાં સેવન કરે છે અને ડાબા પડખે સુવાથી સારી ઊંઘ આવે છે અને માણસનું મગજ પણ શાંત રહે છે. જો ઘણા લોકોને ઝાડા રોકાઈ નહી રહ્યા હોય તો બાજરાનું સેવન કરવાથી ઝાડા અને અજીર્ણ કે અપચાથી જલ્દી રાહત મળે છે. લગભગ 200 ગ્રામ દહીંમાં 35 ગ્રામ સાકર ભેળવીને બાજરામાં ઘી ચોપડી રોટલી સાથે ખાવાથી દરરોજ સવારે એક મહિના સુધી સેવન કરવાથી વાઈના ઇલાજમાં લાભ મળે છે. બાજરીમાં ફાઇબર ભરપૂર માત્રામાં મળી આવે છે, જે પાચનક્રિયાને યોગ્ય બનાવે છે. જેને લીધે કબજિયાત ગેસ વગેરે જેવી બીમારીઓથી છુટકારો મળે છે.
બાજરીમાં મેગ્નેશિયમ તત્વ મળી આવે છે જે માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપે છે. આ સિવાય અસ્થમા, કેન્સર, લોહીની ખામીને દૂર કરવા, પ્રોટીન અને એમીનો એસિડના સ્તરને વધારવા માટે બાજરીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. બાજરીના રોટલા શિયાળામાં હાર્ટના દર્દીઓને રાહત અને પુરતી શક્તિ આપે છે. તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ મદદ કરે છે. જેનાથી હાર્ટ સંબંધી બીમારીઓ થવાનો ખતરો ઘટે છે. તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. અને ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્યથી ભરપુર ખોરાક ખાવાથી પાચનની સમસ્યા થાય છે અને તેથી ઘણા લોકો તેને બદલે ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત ખોરાક લેવાનું પસંદ કરે છે અને આ માટે બાજરી એક ખૂબ જ આરોગ્યપ્રદ વિકલ્પ સાબિત થઈ શકે છે.