અજમો ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો, અજીર્ણ અને વાયુ મટે છે. આદુ અને લીંબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે. અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે. આદુ અને ફુદીનાના રસમાં સિંધવ નાખીને પીવાથી પેટનો દુઃખાવો મટે છે.
શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે. જમ્યા પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં સખત દુખાવો થાય છે તે માટે સૂઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાખી સવાર-સાંજ પીવાથી પેટનો દુઃખાવો મટે છે. ગોળ અને ચૂનો ભેગા કરી ગરમ પાણી સાથે પીવાથી પેટનો દુઃખાવો મટે છે.
અજમો અને સંચળનું ચૂર્ણ ફાકવાથી ગેસ મટે છે. લીંબુના રસમાં મૂળાનો રસ મેળવી પીવાથી જમ્યા પછી થતો દુખાવો અને ગેસ મટે છે. કોકમનો ઉકાળો કરી તેમાં થોડું મીઠું નાખી, પીવાથી પેટનો વાયુ અને ગોળો મટે છે. આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈ પણ જાતના પેટના દુખાવા મટે છે.
સાકરનું ચૂર્ણ પાણીમાં નાખી પીવાથી પેટની બળતરા મટે છે. જીરું અને ધાણા બંને સરખા ભાગે લઈ રાત્રે પલાળી રાખી, સવારમાં ખુબ મસળી, તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળતરા મટે છે. ફુદીનાના રસમાં મધ મેળવી પીવાથી પેટના દર્દો મટે છે. લાંબા સમયની આંતરડાની ફરિયાદ માટે આ ઉત્તમ ઈલાજ છે.
ઉકળતા પાણીમાં સૂંઠનું ચૂર્ણ નાખી, તેને ઢાંકી, ઠંડુ થયા બાદ ગાળી, તેમાંથી પાંચ ચમચી જેટલું પીવાથી પેટનો દુઃખાવો મટે છે. આ પાણીમાં ખાવાના સોડા નાખી દિવસમાં બે-ત્રણ વાર પીવાથી ખરાબ ઓડકાર અને પેટમાં રહેલો વાયુ મટે છે. એક તોલો તલનું તેલ, પા તોલો હળદર મેળવીને લેવાથી પેટની ચૂંક મટે છે.
રાઈનું ચૂર્ણ થોડી સાકર સાથે લેવાથી અને ઉપરથી પાણી પીવાથી વાયુ અને કફથી થતો પેટનો દુઃખાવો મટે છે. હિંગ, સુંઠ, મરી, લીંડી પીપર, સિંધવ, અજમો, શાહજીરુ આ બધી વસ્તુઓ સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવી તે લેવાથી પેટના દર્દો મટે છે. લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પીવાથી પેટનો દુખાવો અને આફરો મટે છે. તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઈ, સહેજ ગરમ કરી, પીવાથી પેટનો દુઃખાવો મટે છે.
સાકરવાળા દૂધમાં એક થી બે ચમચી દિવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટના અનેક જાતના દર્દ મટે છે. સવારમાં મધ સાથે લસણ ખાવાથી પેટની ચૂંક મટે છે અને જેમનો જઠરાગ્નિ મંદ પડી ગયો હોય તો તે પ્રજવલિત બને છે. રાઈનું ચૂર્ણ પાણી સાથે મિક્સ કરી પીવાથી પેટની ચૂંક અને જીર્ણ મટે છે.
અજમો, સિંધવ અને હિંગ વાટી તેની ફાકી મારવાથી ગોળો મટે છે. આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચનક્રિયા બળવાન બને છે. એલચી, ધાણાનું ચૂર્ણ ચારથી છ ગ્રામ અને શેકેલી હિંગ એક ગ્રામ લઈ લીંબુના રસમાં મેળવીને ચાટવાથી વાયુ, પેટનો દુખાવો અને આફરો મટે છે.
લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને પીવાથી પેટનો દુખાવો દૂર થાય છે. ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને રોજ સવારે પીવાથી પેટના તમામ દર્દ મટે છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી આફરો ઉતરી જાય છે. ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પેટનો દુખાવો ઓછો થાય છે. કારેલાંનો રસ છાશ સાથે પીવાથી ચૂંક મટે છે. મૂળાના પાનનો રસ કાઢી, તેમાં સુરોખાર નાખી રોજ પીવાથી પેટના તમામ રોગ મટે છે.