કડા નું ઝાડ નાનું હોય છે. તેનાં પાંદડાં મોટા, લાંબા અને અણીદાર હોય છે. તે ચોમાસામાં ઊગી નીકળે છે. ફળ જથ્થાબંધ તથા પાંચ પાંખડી વાળુ પાન જોવા મળે છે. તે સફેદ હોય છે. તેની શિંગને કડાફળી કહે છે. કડાના બીજને ઇંદ્રજવ કહે છે. જ્યારે છાલને કડાછાલ કહે છે.
કડા ફળી નું શાક તથા અથાણું પણ બનાવાય છે. કડાછાલ ઇંદ્રજવ ઝાડની છાલ છે. તે જાડી હોય છે. તેનો રંગ ધૂળિયો કે તપખીરીયો હોય છે. કાળો કડો જેમાંથી કડવો ઇંદ્રજવ નીકળે છે તેની આ છાલ હોય છે. તેનો સ્વાદ કડવો લાગે છે કડાનાં વૃક્ષો ૪ થી ૬ હાથ ઊંચા હોય છે. કડાછાલ પ્રસિદ્ધ દવા છે. દવામાં મોટે ભાગે તેના મૂળની છાલ વાપરવામાં આવે છે, જે વધુ અસરકારક છે.
તો ચાલો હવે આપણે જાણીએ કડાછાલ ના ફાયદાઓ વિશે : કડાછાલ ગુણમાં ઉષ્ણ, પાચક, તૂરી, રુક્ષ અને ગ્રાહી છે. તે કડવી હોવાથી મંદ પાચન, તાવ અને હરસ મટાડનાર છે. અતિસાર, હરસ, મરડો જેવા અનેક રોગોમાં કડાછાલ ઘણી ઉપયોગી છે. એમાં પૌષ્ટિક ગુણ રહેલો છે. તે કડવી છે. ભૂખ લગાડે છે. તાવમાં તેનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
કડાછાલ પેટના રોગો ને સુધારી તાવ મટાડે છે. કડાછાલ પેટનાં જૂનાં રોગો- પેટનું શૂળ, ઝાડા, મરડો, સંગ્રહણીને મટાડનાર ઉત્તમ દવા છે. રક્તાતિસાર માં કડાછાલ કે ઈન્દ્રજવ બંને ઉત્તમ ગણાય છે. ઇન્દ્રજવ શેકીને ખાવાથી ઝાડા મટે છે. મરડામાં કડાછાલ વખણાય છે. છાશ સાથે તેનું ચૂર્ણ પીવાથી ઝાડા – મરડાની ચૂંક મટે છે. લોહી આવતું હોય તે બંધ થઈને ઝાડો સાફ આવવા લાગે છે. કડાછાલ કે ઈન્દ્રજવ એ નાનાં બાળકોને માટે પણ સારી દવા છે.
કડાછાલ કડવી હોવાથી કૃમિને મટાડે છે અને પેટ સાફ રાખે છે. હરસ, લોહીવાળા હરસ, ઝાડા, મરડો પથરી, કુષ્ઠ રોગ, મૂત્ર રોગ વગેરે માટે આયુર્વેદમાં એનો ઉપયોગ ફાયદાકારક સાબિત કરવામાં આવ્યો છે. કડાછાલ, વજ, રક્તચંદન, જેઠીમધ, પટોળા મૂળ, લીમડો, ત્રિફળા, અને હળદર બધી વસ્તુ 10-10 ગ્રામ લઈ લઈ તમામ નો ઉકાળો બનાવવો. આ ઉકાળો પીવાથી કફ તથા પિત્તથી ઉત્પન્ન થયેલો કોઢ મટે છે.
કડાનાં મૂળ, અતિવિષ, બીલ્લાં ફળ, નાગરમોથ, વાળો આ બધી વસ્તુ 10-10 ગ્રામ લઈ તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળો પીવાથી આમાતિસાર અને રક્તાતિસાર તથા શુળ મટે છે. કડાછાલ બીલ્લા વાવડીનાં ફૂલ, પહાડમૂળ મુજીઠ આ બધી વસ્તુઓ થોડી થોડી લઈ બધાનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ઉપયોગથી ગર્ભસ્થાનના સફેદ પ્રવાહીમાં રાહત આપે છે.
કડા ના મૂળ, અતિવિષ પહાડમૂળ, ધાવડીના ફૂલ, લોધર, નાગરમોથ, કાળો વાળો અને દાડમની છાલ આ બધી વસ્તુ 5-5 ગ્રામ લઈને ઉકાળો બનાવવો. આ ઉકાળો પીવાથી અતિસારમાં દાહ, રક્તશૂળ સહિતના રોગોમાં ઉત્તમ લાભ કરે છે. કડાછાલ, વરિયાળી, શાહી જીરું, શિંગોડા અને અળસી આ બધી વસ્તુ 10-10 ગ્રામ લઇ બધાનું ચૂર્ણ કરવું. આ ચૂર્ણ મોઢાની ખટાશ મટાડવા વપરાય છે.
10 ગ્રામ કડાછાલ ગરમ પાણીમાં ઉકાળી તેમાં જીરું, ધાવડીના ફૂલ અને ઇંદ્રજવ આ વસ્તુ 15 ગ્રામ, પીપરી મૂળ 20 ગ્રામ, જવખાર 20 ગ્રામ લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં મધ, સાકર તથા ચાસણી લાવી પાક બનાવવો. આ ચાટણ આમાતિસાર તથા હરસ માટે ઉત્તમ ગુણ ધરાવે છે.
કડાછાલ, કાંકજ અને વજ ત્રણેય સરખા ભાગે મેળવી બનાવેલી ફાકી પાણી સાથે બાળકો ને પીવડાવવા થી બાળક નીરોગી અને તંદુરસ્ત રહે છે. કડાછાલ શેકીને બનાવેલી ફાકી હરસ તેમજ નળવાયુ માટે છાશ સાથે પીવાથી સારો ફાયદો થાય છે.
કડાછાલ, હિમજ, ચિત્રાછાલ, વાળો અને સુંઠ 5-5 ગ્રામ લઈ બધાનું ચૂર્ણ બનાવવું. આના ઉપયોગથી તાવ, પેટની ચૂંક અને આફરો મટે છે. કડાછાલ, હરડે, કઠ, અને બહેડા ની છાલ આ બધી વસ્તુ 10-10 ગ્રામ લઈ તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટ ની નાની નાની ગોળીઓ બનાવવી. આ ગોળીના ઉપયોગથી તાવ, કોઢ, કૃમિ વગેરે મટે છે.